વડોદરા ભાયલી ગેંગરેપ કેસમાં 5 દોષિતોને અંતિમ શ્વાસ સુધીની જેલ, 2024માં નવરાત્રિમાં થયો હતો ગુનો
દોષિતો મુમતાજ બનજારા, શાહરુખ બનજારા, મુન્ના બનજારા, અજમલ સત્તાર અને સૈફઅલી મહેંદી હનસ સામે સરકારી વકીલ તરફથી કડકમાં કડક સજાની માગણી કરવામાં આવી હતી
વડોદરાના ભાયલી ગેંગરેપ કેસમાં પોક્સો કોર્ટે પાંચ આરોપીઓને દોષિત ઠેરવીને જીવનના અંતિમ શ્વાસ સુધી જેલની સજા ફટકારી છે. તેની સાથે 10 લાખનો દંડ પણ ફટકારાયો છે. 2024ની નવરાત્રિમાં 16 વર્ષીય સગીરા પર આ પાંચેય બળાત્કારીઓએ દુષ્કર્મ કર્યું હતું.
20 ઓગસ્ટે વડોદરા પોક્સો કોર્ટે પાંચેયને દોષિત ઠેરવ્યા હતા. જેમાં મુમતાજ બનજારા, શાહરુખ બનજારા, મુન્ના બનજારા, અજમલ સત્તાર અને સૈફઅલી મહેંદી હસન સામે સરકારી વકીલ તરફથી કડકમાં કડક સજાની માગણી કરવામાં આવી હતી.
સરકાર પક્ષે ફાંસીની સજા અને જો ફાંસી ન આપવામાં આવે તો જીવનના આખરી શ્વાસ સુધીની કેદની સજાની રજૂઆત કરી હતી. ત્યારે કોર્ટે આજે ચુકાદો આપતા પાંચેય આરોપીઓને આખરી શ્વાસ સુધીની કેદની સજા ફટકારી છે.
4 ઓક્ટોબર, 2024ના રોજ નવરાત્રિના બીજા નોરતે વડોદરામાં રહેતી 16 વર્ષીય સગીરા તેના મિત્ર સાથે ગરબા રમવા ગઈ હતી. ગરબા બાદ સગીરા તેના મિત્ર સાથે ભાયલીના નિર્જન વિસ્તારમાં બેઠી હતી. તે વખતે બે બાઈક પર પાંચ શખ્સો ત્યાં આવ્યા અને બંનેને ધાકધમકી આપીને સગીરા સાથે સામુહિક બળાત્કાર કર્યો હતો.
ઘટનાના માત્ર 17 દિવસમાં પોલીસે પોક્સો કોર્ટમાં આશરે 6 હજાર પૃષ્ઠોની ચાર્જશીટ રજૂ કરી હતી. ચાર્જશીટમાં આશરે 100 સાક્ષીઓના નિવેદનો, એફએસએલ અને મેડિકલ રિપોર્ટ, ડીએનએ સેમ્પલ અને સીસીટીવી સહીતના પુરાવાઓ સામેલ કરવામાં આવ્યા હતા.
ટ્રાયલ દરમિયાન પ્રોસિક્યુશન દ્વારા 45 સાક્ષીઓની તપાસ કરાઈ અને વિવિધ દસ્તાવેજી તથા સાયન્ટિફિક પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કરાયા હતા. સગીરાના કપડાં પરથી મળેલા આરોપીઓના શરીરના પ્રવાહીના વૈજ્ઞાનિક પુરાવા પણ કેસમાં મહત્ત્વપૂર્ણ સાબિત થયા હતા.