જિનપિંગ-પુતિન સાથે PM મોદીએ કર્યું હસ્તધૂનન, પાકિસ્તાની પીએમ શાહબાજ બાજુમાંથી ચુપચાપ નીકળી ગયા
એક જ મંચ પર પીએમ મોદી, જિનપિંગ અને પુતિનની હાજરી પર વૈશ્વિક મીડિયાની નજર રહી. આ દરમિયાન શાહબાજ શરીફ ચુપચાપ આગળ વધતા જોવા મળ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ કિર્ગીસ્તાનની રાજધાની બિશ્કેકમાં છે. તેઓ શંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન એટલે કે એસસીઓની શિખર સમિટમાં સામેલ થયા છે. સંમેલનમાં ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ, રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફ સહીતના સંગઠનના ઘણાં નેતાઓ પહોંચ્યા છે. આ દરમિયાન એક એવી પળ સામે આવી કે જ્યારે પીએમ મોદીએ જિનપિંગ અને પુતિન સાથે એકસાથે ઉષ્માભેર મુલાકાત કરી અને હસ્તધૂનન કર્યું. ત્યારે શાહબાજ શરીફ માટે બાજુમાંથી ચુપચાપ નીકળી જવાનો જ વિકલ્પ હોવાનું જોવા મળ્યું.
એસસીઓના તમામ નેતા એકઠા થયા હતા. તે વખતે પુતિન અને જિનપિંગ એકસાથે સામેથી આવતા દેખાયા. સામે પહોંચતા જ જિનપિંગે પીએમ મોદી સામે હાથ લંબાવ્યો અને બંને નેતાઓએ હસ્તધૂનન કર્યું. તે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુતિનના હાથ પર ઉષ્માભેર હાથ મૂક્યો. કેટલીક સેકન્ડ પીએમ મોદી , જિનપિંગ અને પુતિન ત્રણેય એકસાથે જોવા મળ્યા.
જિનપિંગ આગળ વધીને મંચ તરફ ચાલ્યા ગયા. પરંતુ પીએમ મોદી અને પુતિનની વાતચીત કેટલીક વધુ વાર ચાલુ રહી. બંને નેતા એકબીજા સાથે ગપશપ કરતા જોવા મળ્યા. તેના પછી પુતિન એક નિકટવર્તી મિત્રની જેમ પીએએમ મોદીને મંચ સુધી લઈ જતાં જોવા મળ્યા. આ દરમિયાન તેમણે પીએમ મોદીની પીઠ પર હાથ પણ મૂક્યો. મંચ સુધી પહોંચ્યા બાદ પુતિન પોતાના સ્થાન તરફ આગળ વધી ગયા.
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફ પણ પોતાના સ્થાન તરફ આગળ વધતા જોવા મળ્યા. વીડિયોમાં તે પીએમ મોદી, જિનપિંગ અને પુતિન પાસેથી શાંતિથી આગળ વધતા જોવા મળ્યા. જ્યારે ત્રણેય નેતાઓની આસપાસ ભીડ એકઠી થઈ હતી, તે સમયે શરીફ તેમની પાછળથી આગળ વધતા દેખાયા.
એસસીઓ સમિટમાંથી પીએમ મોદીએ નેતાઓની સાથે પોતાની તસ્વીરો પણ સોશયલ મીડિયા પર શેયર કરી. આ તસ્વીરોમાં શાહબાજ શરીફ રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિનની બાજુમાં ઉભેલા જોવા મળ્યા. તો પીએમ મોદી બીજી તસ્વીરમાં પુતિનના મિત્ર અને બેલારુસના રાષ્ટ્રપ્રમુખ એલેક્ઝાન્ડર લુકાશેંકો અને ઈરાનના રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેજેશકિયાનની વચ્ચે ઉભા રહેલા જોવા મળ્યા.
એક જ મંચ પર પીએમ મોદી, જિનપિંગ અને પુતિનની હાજરી પર વૈશ્વિક મીડિયાની નજર રહી. આ દરમિયાન શાહબાજ શરીફ ચુપચાપ આગળ વધતા જોવા મળ્યા હતા.