ભરૂચ જિલ્લાના ખેડૂતોની વિશાળ ટ્રેક્ટર રેલી, પાવરગ્રીડ લાઈનનો કર્યો વિરોધ
અંકલેશ્વર-ભરુચ રોડ પર પોલીસે રેલી અટકાવતા ખેડૂતો અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ અને પછી ખેડૂતોએ માર્ગ પર બેસીને ચક્કાજામ કરીને વિરોધ વ્યક્ત કર્યો
જેતપર બાદ હવે ભરૂચ જિલ્લાના ખેડૂતોએ પાવરગ્રીડ લાઈનનો વિરોધ કર્યો છે. આ વિરોધને પગલે ભરૂચ જિલ્લાના ખેડૂતોએ ટ્રેક્ટર રેલી યોજી હતી.
ભરૂચ જિલ્લાના હાંસોટ, અંકલેશ્વર, જંબુસર, આમોદ અને વાગરા તાલુકાના ખેડૂતોએ પાવરગ્રીડ લાઈન સામે યોગ્ય વળતરની માગણી સાથે આ ટ્રેક્ટર રેલી યોજીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.
અંકલેશ્વર-ભરુચ રોડ પર પોલીસે રેલી અટકાવતા ખેડૂતો અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ અને પછી ખેડૂતોએ માર્ગ પર બેસીને ચક્કાજામ કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો.
પાવરગ્રીડ લાઈનને કારણે સ્થાનિક ખેડૂતોએ ખેતીની જમીન અને પાકને ભારે નુકશાન થઈ રહ્યું હોવાનું જણાવીને તેનો વિરોધ કર્યો છે. તેની સાથે ટ્રેક્ટર રેલી સ્વરૂપે વિરોધ વ્યક્ત કરીને યોગ્ય આર્થિક વળતરની માગણીને પણ દોહરાવી છે.
ખેડૂતો દ્વારા ચક્કાજામ કરતા અંકલેશ્વર-ભરૂચના મુખ્ય માર્ગ પર વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી અને વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો.
ખેડૂતોએ ચિમકી આપી છે કે તેમની માગણીઓ સત્વરે સ્વીકારવામાં નહીં આવે, તો આંદોલન વધુ તીવ્ર બનાવાશે.