UNના નવા નક્શાથી બબાલ, અરુણાચલ - અક્સાઈ ચીનને ભારતથી અલગ દેખાડાયા
ભારતનું હંમેશાથી કહેવું છે કે જમ્મુ-કાશ્મીર અને લડાખનો આખો કેન્દ્રશાસિત પ્રદેશ જેમાં અક્સાઈ ચીન પણ સામેલ છે, ભારતના અભિન્ન અને અવિભાજ્ય હિસ્સા રહ્યા છે, છે અને હંમેશા રહેશે. નવી દિલ્હીનું એ પણ કહેવું છે કે અરુણાચલપ્રદેશ ભારતીય ક્ષેત્રનો એક અભિન્ન હિસ્સો છે
સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) માં 4 સપ્ટેમ્બરે કરેક્ટ ધ મેપ (Correct The Map) એટલે કે નક્શાને યોગ્ય કરીએ- નામના પ્રસ્તાવને પારીત કરવામાં આવ્યો. તેનો ઉદેશ્ય 16મી સદીના જૂના મર્કેન્ટર પ્રોજેક્શન મેપની ખામીઓને દૂર કરવા અને આફ્રિકા, લેટિન અમેરિકા અને દક્ષિણ એશિયા જેવા ભૂમધ્યરેખીય ક્ષેત્રોને વાસ્તવિક આકારને વધુ ચોક્કસાઈથી દર્શાવવા સમાન - ક્ષેત્ર નક્શાને પ્રોત્સાહન આપવાનો હતો.
ભારતે પણ આ પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું. પરંતુ જ્યારે સંયુક્ત રાષ્ટ્રની તરફથી વિશ્વનનો નવો નક્શો જાહેર કરવામાં આવ્યો, તો ભારત આશ્ચર્યચકિત થયું, કારણ કે આ નક્શામાં ભારતના અરુણાચલ પ્રદેશ અને અક્સાઈ ચીનને અલગ-અલગ વિસ્તારો તરીકે દર્શાવવામાં આવ્યા છે. જ્યારે આ ભારતના જ અવિભાજ્ય અંગ છે. જો કે ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ લાંબા સમયથી છે.
આ નક્શો પહેલીવાર 1 જુલાઈએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન પ્રકાશિત કરવામાં આવ્યો હતો. તેમાં અરુણાચલ પ્રદેશની નાગાલેન્ડ સાથેની સીમાને હટાવવામાં આવી છે અને આ ક્ષેત્રને આસામ અને ચીનની સીમાઓથી લાગેલા એક સ્વતંત્ર રાજ્ય તરીકે દર્શાવવામાં આવ્યું છે. આ પ્રકારે, નક્શામાં અક્સાઈ ચીનને એક સ્વતંત્ર ક્ષેત્ર તરીકે દર્શાવવામાં આવ્યું છે, જેની પશ્ચિમી સીમા ભારતથી અને પૂર્વ સીમા ચીનથી લાગે છે. સંયુક્ત રાષ્ટ્રે આ પરિવર્તનની પાછળ કોઈ કારણ દર્શાવ્યું નથી.
આ નક્શામાં એક ડોટેડ લાઈન પણ દર્શાવવામાં આવી છે, જે ભારત અને પાકિસ્તાન વચ્ચે જમ્મુ-કાશ્મીરને અલગ કરતી અંકુશ રેખા દર્શાવે છે. જો કે સંયુક્ત રાષ્ટ્રે નક્શાની ફૂટનોટમાં કહ્યું છે કે ડોટેડ લાઈન જમ્મુ-કાશ્મીરની લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ એટલે કે એલઓસીને લગભગ દર્શાવે છે, જેના પર ભારત અને પાકિસ્તાન સંમત થયા હતા. તેમાં કહેવામાં આવ્યું છે કે જમ્મુ-કાશ્મીરની આખરી સ્થિતિ પર સંબંધિત પક્ષોની વચ્ચે હજી સુધી કોઈ સંમતિ બની નથી.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ગત સપ્તાહે આફ્રિકી સંઘ સમર્થિત નક્શાને ઠીક કરો પ્રસ્તાવને અપનાવ્યો. આ પ્રસ્તાવમાં દુનિયાના ક્ષેત્રો, ખાસ કરીને આફ્રિકાના વધુ ચોક્કસાઈવાળા અને નિષ્પક્ષ નકશાની માગણી કરવામાં આવી હતી. આ નક્શો બંધનકર્તા નથી, પરંતુ માનવામાં આવે છે કે દુનિયાભરના બહુપક્ષીય સંસ્થાનો આને દુનિયાના નક્શા તરીકે અપનાવશે.
આફ્રિકન સમૂહ તરફથી ટોગો દ્વારા રજૂ કરવામાં આવેલા આ પ્રસ્તાવને ભારતે ટેકો આપ્યો હતો. વિદેશ મંત્રાલયે નવી દિલ્હીના વલણને સ્પષ્ટ કર્યું હતું કે આ વોટ સમાન ક્ષેત્ર નક્શાને પ્રોત્સાહન આપવાના મૂળ સિદ્ધાંત પર હતું. મંત્રાલયે કહ્યું હતું કે અમે એ પણ સ્પષ્ટ કર્યું કે આ પ્રસ્તાવ કોઈ વિશિષ્ટ નક્શો, પ્રોજેક્શન અથવા રાષ્ટ્રીય સીમાઓના ચિત્રણને સમર્થન કરતો નથી.
મંત્રાલયે ક્હ્યું હતું કે ભારત સાર્વભૌમ ક્ષેત્ર , જેમાં જમ્મુ-કાશ્મીર અને લડાખના કેન્દ્રશાસિત પ્રદેશ સામેલ છે, તેને ભારતના સત્તાવાર નક્શા અનુસાર જ દેખાડવા જોઈએ. કોઈપણ ખોટું અથવા ભ્રામક ચિત્રણ સ્વીકાર્ય નથી. ભારતની સાર્વભૌમતા અને પ્રાદેશિક અખંડિતતા પર અમારું વલણ સ્પષ્ટ, સુસંગત અને જેના પર કોઈ સમજૂતી થઈ શકે નહીં તેવું છે.
હવે અરુણાચલ પ્રદેશ અને અક્સાઈ ચીનને ભારત અને ચીનની વિવાદીત દાવાવાળી સીમાઓ સાથે દર્શાવનારા નક્શા પર નવી દિલ્હીએ હજી સુધી કોઈ ટીપ્પણી કરી નથી. ભારતનું હંમેશાથી કહેવું છે કે જમ્મુ-કાશ્મીર અને લડાખનો આખો કેન્દ્રશાસિત પ્રદેશ જેમાં અક્સાઈ ચીન પણ સામેલ છે, ભારતના અભિન્ન અને અવિભાજ્ય હિસ્સા રહ્યા છે, છે અને હંમેશા રહેશે. નવી દિલ્હીનું એ પણ કહેવું છે કે અરુણાચલપ્રદેશ ભારતીય ક્ષેત્રનો એક અભિન્ન હિસ્સો છે.