કચ્છ બોર્ડર પર પાકિસ્તાની સેનાનો જમાવડો, પ્રોજેક્ટ અબાબીલના નામે સરક્રીક કબજે કરવાનો પ્લાન?
સરક્રીક બોર્ડર પર પાકિસ્તાને જે વિસ્તારોમાં મિલિટ્રી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધાર્યું છે, તે દર્શાવે છે કે આગામી સમયમાં તેની કોઈ અવળચંડાઈ સામે આવી શકે છે
ઓપરેશન સિંદૂરને 450થી વધુ દિવસો વીતી ચુક્યા છે. ત્યારે પાકિસ્તાનની એક નાપાક હરકત ભારતીય સીમા પર સામે આવી છે. પાકિસ્તાનની આ હરકત કાશ્મીર ખાતે નહીં, પણ કચ્છ બોર્ડર પર થઈ રહી છે.
કચ્છ જિલ્લો ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે. કચ્છ જિલ્લાની સરહદ પાકિસ્તાનની સાથેની આંતરરાષ્ટ્રીય સીમા ધરાવે છે. અહીં આવેલો સરક્રીક વિસ્તાર વ્યૂહાત્મક રીતે અતિસંવેદનશીલ છે અને પાકિસ્તાને તેને વિવાદીત બનાવી રાખ્યો છે.
હવે પાકિસ્તાને પ્રોજેક્ટ અબાબીલના નામે સરક્રીક નજીક કમાન્ડો, તુર્કી બનાવટના ડ્રોન્સ અને ચીની હોવરક્રાફ્ટ તેનાત કરી દીધી છે. સરક્રીક એક કાદવ કે કળણ ધરાવતો સમુદ્રી વિસ્તાર છે. હાલ ચોમાસું ચાલી રહ્યું છે, ત્યારે પાકિસ્તાને અહીં પોતાના બદઈરાદા જાહેર કર્યા છે. એકવાર પાકિસ્તાન આ વિસ્તારમાં પગદંડો જમાવી દે, તો તેને હટાવવા માટે વધારે કપરી કાર્યવાહી કરવી પડે તેમ છે.
વિવાદીત અને ગેરકાયદેસર રીતે પાકિસ્તાનના કબજા હેઠળ રહેલા કાશ્મીર (POK)માં ચૂંટણી ચાલી રહી છે અને પાકિસ્તાની સેના ક્રૂરતાપૂર્વક લોકોનું દમન કરી રહી છે. ત્યારે લોકોનું ધ્યાન આનાથી ભટકાવવા માટે સેના પોતાનું આક્રમકરૂપ દર્શાવવા માટે કચ્છ બોર્ડર પર કોઈ છમકલું કરવાની ફિરાકમાં પણ હોઈ શકે છે. 1965ના યુદ્ધમાં કાશ્મીર પર આક્રમણ પહેલા પાકિસ્તાને કચ્છ બોર્ડર પર જ હરકત કરી હતી.
હાલ પાકિસ્તાન પોતાને ભૂરાજકીય રીતે સારી સ્થિતિમાં સમજી રહ્યું છે. ત્યારે કાશ્મીર મુદ્દે ભારત સરકારને દબાણમાં લેવા માટે સરહદોને તે સળગાવવાની ફિરાકમાં હોઈ શકે છે. તેના બે ભૂરાજકીય કારણો હોઈ શકે છે.
પહેલું પાકિસ્તાન ઈરાન-અમેરિકા યુદ્ધમાં મધ્યસ્થી બનીને પોતાની જાતને સબળી સ્થિતિમાં માની રહ્યું છે. પાકિસ્તાનના સેનાધ્યક્ષ શહબાઝ શરીફની સરકાર પર દબાણ કરીને જાતે જ ફીલ્ડમાર્શલ બની બેઠેલા ફીલ્ડમાર્શલ અસીમ મુનીર વ્હાઈટહાઉસમાં અમેરિકના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પરોણાગત માણી આવ્યા છે.
આ સિવાય ઈસ્લામિક દુનિયાના એકમાત્ર પરમાણુ રાષ્ટ્ર પાકિસ્તાનની ઈચ્છા મુસ્લિમ દેશોનું નેતૃત્વ કરવાની છે અને તેના માટે તે મુસ્લિમ નાટો જેવી વ્યવસ્થા બનાવવા માંગ છે. આના માટે તેણે મક્કા જોઈન્ટ એગ્રિમેન્ટથી શરૂઆત કરી દીધી છે. આ એગ્રિમેન્ટમાં પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તુર્કીએ એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે અને હાલ આ ત્રણેયમાંથી કોઈ એક પરનો હુમલો ત્રણેય પરનો હુમલો ગણાવવાની વાત કરવામાં આવી છે.
આ બંને કારણોથી પાકિસ્તાન અત્યારે ભારત સામે આખડવા માટેના કેફમાં હોય તેવું પણ દેખાઈ રહ્યું છે. ઉરી હુમલા બાદ સર્જિકલ સ્ટ્રાઈક,પુલવામા એટેક બાદ બાલાકોટ એરસ્ટ્રાઈક અને પહેલગામ હત્યાકાંડ બાદ ઓપરેશન સિંદૂરમાં માર ખનારા પાકિસ્તાનને ભારતમાં આતંકી હુમલા કરવાની આઝાદી જોઈએ છે. તેનો રસ્તે તેને મુસ્લિમ નાટોના પહેલા થયેલા મક્કા જોઈન્ટ એગ્રિમેન્ટમાંથી નીકળતો દેખાય રહ્યો છે.
સરક્રીક બોર્ડર પર પાકિસ્તાને જે વિસ્તારોમાં મિલિટ્રી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધાર્યું છે, તે દર્શાવે છે કે આગામી સમયમાં તેની કોઈ અવળચંડાઈ સામે આવી શકે છે.
પાકિસ્તાની નેવીએ સરક્રીકમાં અબાબીલ પ્રોજેક્ટ લોન્ચ કરીને નેવલ સ્પેશ્યલ સર્વિસ ગ્રુપ (SSG-N) ના કમાન્ડોને તેનાત કર્યા છે. SSG-N સમુદ્ર, જમીન અને હવામાં મોટાગજાના ઓપરેશન પાર પાડવાની તાલીમ ધરાવતી કમાન્ડો ફોર્સ છે. મીડિયામાં ઈન્ટેલિજન્સ ઈનપુટના આધારે પ્રકાશિત અહેવાલો મુજબ, પાકિસ્તાની નૌસેનાએ સરક્રીકના બાંધા નાળા અને હરામી નાળા વચ્ચેના ક્ષેત્રમાં કેટલીક મરીન સિક્યોરિટી ચોકીઓ પણ બનાવી છે. ફીલ્ડમાર્શલ અસીમ મુનિરે પાકિસ્તાની નૌસેના સાથે સેના અને એરફોર્સનું પણ મોટું ડિપ્લોયમેન્ટ કરી દીધું છે. કમાન્ડો, હોવરક્રાફ્ટસ, ડ્રોનના ખડકલા કરી દેવામાં આવ્યા છે.
પાકિસ્તાને અહીં લોન્ચ કરેલા પ્રોજેક્ટ અબાબીલને પણ સમજવા જેવો છે. અબાબીલ ઉર્દૂ શબ્દ છે અને તેનો અર્થ દિવ્ય પ્રહાર થાય છે. આ શબ્દમાં જ પાકિસ્તાનના બદઈરાદા ઉજાગર થઈ જાય છે. પાકિસ્તાને તુર્કીના સશસ્ત્ર ડ્રોન્સની તેનાતી જરૂર પડે હુમલાના ઈરાદાથી કરી છે. ચીની હોવરક્રાફ્ટ કાદવ-કીચડવાળા ક્રીક વિસ્તારમાં ઝડપી મૂવમેન્ટ કરીને મિલિટ્રી ઓપરેશન્સ કે કાર્યવાહીને પાર પાડી શકે છે. હાઈસ્પીડ બોટથી ગુજરાતના સમુદ્રી કિનારાની રેકી કરીને ઝડપથી ભાગી શકે છે. પાકિસ્તાને તેનાત કરેલી સરફેસ વેસલ્સ મેરીટાઈમ સર્વેલન્સ માટે અને યુદ્ધાભ્યાસ માટે ઉપયોગમાં લેવાય છે. પાકિસ્તાને બનાવેલી નવી રોકેટ ફોર્સને એર ડિફેન્સ સિસ્ટમ સાથે લિંક કરીને તેને સિરક્રીકમાં તેનાત કરી છે.
સરક્રીક ભારત અને પાકિસ્તાન વચ્ચે આવેલો 96 કિલોમીટરનો લાંબો પાણીની પટ્ટી ધરાવતો વિસ્તાર છે. કચ્છ બોર્ડર પર આવેલા આ વિસ્તારમાં કાદવ-કીચડ સિવાય કંઈ નથી. પણ આ વિસ્તાર કચ્છને પાકિસ્તાનના સિંધ પ્રાંતથી અલગ કરે છે. ક્રીક એટલે નાની નદી કે ખાડી. સરક્રીકમાં ચોમાસામાં જોખમ વધે છે. આ વિસ્તારમાં એટલો કાદવ છે કે એક પગ ખૂંપી જાય, તો નીકળવું મુશ્કેલ બની જાય છે. આ વિસ્તારમાંથી રાત્રે કરાચીની લાઈટો જોઈ શકાય છે. આ વિસ્તાર પાકિસ્તાની ઘૂસણખોરી માટે કુખ્યાત છે. આ જમીનમાં ઓઈલ અને ગેસનો ભંડાર છે. તેથી પાકિસ્તાનની આના પર કુદ્રષ્ટિ છે.
ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરના પાકિસ્તાન તરફના છેડા પર આવેલું ગ્વાદર પોર્ટ પણ સીરક્રીકથી માત્ર 350 કિલોમીટર દૂર છે. આ એવો વિસ્તાર છે કે જ્યાંથી ચીન અને પાકિસ્તાન બંને ભારત પર નજર રાખી રહ્યા છે.
સરક્રીકમાં પાકિસ્તાનની 31મી અને 32મી ક્રીક બટાલિયનો દેખરેખ રાખી રી છે. 31મી બટાલિયનનું મુખ્યમથક અહીંથી 80 કિલોમીટર દૂર સિંધના સુજાબલમાં છે. તે સરક્રીકના ઉત્તરીય વિસ્તારથી કરાચીના કોરંજી ક્રીક કેન્ટોમેન્ટ સુધીના ક્ષેત્ર પર નજર રાખે છે. જ્યારે 32મી ક્રીક બટાલિયનનું મુખ્યમથક સરક્રીકથી 50 કિલોમીટર દૂર સિંધના ઘારોમાં છે.
પાકિસ્તાનની આ હરકતને જચોતા ભારત પણ સક્રિય છે. અહીં બીએસએફ, નેવી, કોસ્ટગાર્ડની તેનાતી વધારી દેવાની સાથે ભારતની ત્રણેય સૈન્ય પાંખ પણ સતર્કતા દાખવી રહી છે. જો સરક્રીકમાં હાલ પાકિસ્તાન યુદ્ધ કવાયત કરી રહ્યું છે, તો તેના જવાની રાહ જોવા કરતાં તેમને ખદેડવાની કોઈ કાર્યવાહી કરવી જરૂરી છે. ઓપરેશન સિંદૂર વખતે ભારત સરકારે સ્પષ્ટ કહ્યુ હતુ કે પાકિસ્તાન કોઈપણ હકરકત કરશે તો તેને એક્ટ ઓફ વોર ગણવામાં આવશે. હાલ પાકિસ્તાની સેનાઓ સરક્રીકમાં જે કરી રહી છે, તેને એક્ટ ઓફ વૉર ગણવું જોઈએ કે નહીં?