સુરતમાં આજે રાત્રે ભારે વરસાદનું રેડ એલર્ટ, રાતે 9 વાગ્યા પછી બહાર ન નીકળવા અપીલ
છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહેલા ભારે વરસાદને કારણે સુરતની સ્થિતિ કફોડી બની છે. નીચાણવાળા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે. જેને પગલે જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી દીધી છે.
હવામાન વિભાગે આજે રાત્રે સુરતમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. રાત્રે 11 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાના કમિશનરે લોકોને રાત્રે 9 વાગ્યા સુધી ઘરે પરત ફરી જવા અને તેના પછી કામ વગર બહાર નહીં નીકળવાની અપીલ કરી છે.
સુરતમાં ઠેરઠેર એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને તેનાત કરવામાં આવી છે.

છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહેલા ભારે વરસાદને કારણે સુરતની સ્થિતિ કફોડી બની છે. નીચાણવાળા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે. જેને પગલે જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી દીધી છે. સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ. નાગરાજન માર્ગો પર ઉતરીને ખુદ સ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે. પાણી ભરાયા હોય તેવા સ્થાનો પર ખુદ તેઓ પહોંચી રહ્યા છે અને કર્મચારીઓને પાણી કાઢવા માટેના જરૂરી નિર્દેશો આપી રહ્યા છે.

ભારે વરસાદને કારણે સુરતમાં પાંચ મુખ્ય ખાડીના જળસ્તર વધી રહ્યા છે. ભેદવાડ ખાડીએ ભયજનક સપાટી વટાવી દેતા પાલિકા તંત્ર દોડતું થયુ છે. ઉધના સંજયનગર સહીતના ખાડીકાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા ચેતવણી અપાઈ છે. ખાડી નજીકના પાણીમાં ગરકાવ થયેલા વિસ્તારોમાં પાલિકાની ટીમ દ્વારા બેરિકેટિંગની કામગીરી ઝડપથી હાથ ધરાઈ છે. પાંડેસરના પ્રેમનગર, કૃષ્ણનગર, લક્ષ્મીનારાયણનગરના પૂરગ્રસ્તોને સુરક્ષિત ઠેકાણે ખસેડવામાં આવ્યા છે. ભેદવાડ અને મીઠીખાડીમાં પંપો મૂકીને પાણી ઉલેચવાની કામગીરી હાથ ધરાઈ છે. શહેરમાં ઠેરઠેર પાણી ભરાતા ટ્રાફિક જામ અને હાલાકીના દ્રશ્યો પણ સર્જાયા છે. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નહીં હોવાને કારણે ફસાયેલા લોકો મહાનગરપાલિકા પર રોષ ઠાલવી રહ્યા છે. રેડ એલર્ટને જોતા ફાયર વિભાગની બચાવ ટીમો બોટ સાથે સ્ટેન્ડબાય છે અને સાવચેતીના ભાગરૂપે બીઆરટીએસ અને સિટી બસના 5 રુટ્સ બંધ કરી દેવામાં આવ્યા છે.