"મને પટાવવા મહિલાઓ સર્કિટ હાઉસ મોકલાય રહી છે!": ભાજપના MLAનો ખુલ્લા મંચ પરથી દાવો
2023માં મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં શિવપુરી જિલ્લાના પિછોરથી કોંગ્રેસના ઉમેદવારને હરાવીને તેઓ પહેલીવાર ભાજપના ધારાસભ્ય બન્યા હતા. તેઓ પોતના નિવેદનોને કારણે અવાર-નવાર ચર્ચામાં રહેતા હોય છે
મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પ્રતીમ લોધીએ ખુલ્લા મંચ પરથી એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ખુલ્લા મંચ પર હળવાશથી વાત કરતા ભાજપના ધારાસભ્ય પ્રીતમ લોધીએ ખુલાસો કર્યો છે કે તેમને પટાવવા માટે મહિલાઓ સર્કિટ હાઉસ મોકલાય રહી છે.
પ્રતીમ લોધીનો આના સંદર્ભેનો એક વીડિયો સોશયલ મીડિયા પર ચર્ચાનું કારણ બની રહ્યો છે. તેની સાથે સવાલ એ પણ છેકે રાજકારણમાં કોઈ નેતાને પછાડવા માટે શું મહિલાઓનો ઉપયોગ તેમના વિરોધીઓ દ્વારા થતો હશે? જો આવું થતું હોય, તો ખરેખર ભારતના રાજકારણની દશા અને દિશા બંને માટે કર્તાધર્તાઓએ વિચાર કરવો પડશે.
મહત્ત્વપૂર્ણ છે કે 2023માં મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં શિવપુરી જિલ્લાના પિછોરથી કોંગ્રેસના ઉમેદવારને હરાવીને તેઓ પહેલીવાર ભાજપના ધારાસભ્ય બન્યા હતા. તેઓ પોતના નિવેદનોને કારણે અવાર-નવાર ચર્ચામાં રહેતા હોય છે.
આ પહેલા રાજકીય વિરોધીઓને ચેતવણી આપતા પ્રતીમ લોધીએ કહ્યુ હતુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું હ્રદય બ્રહ્માંડની જેમ વિશાળ છે. માટે તે તમામ ગાલો અને ટીકાઓને સરળતાથી હજમ કરી જાય છે. પરંતુ તેઓ ખુદ એક નાના સરોવરની જેમ છે અને અગણિત અપમાન સહન કરી શકતા નથી. પૌરાણિક સંદર્ભોને ટાંકીને ભાજપના ધારાસભ્ય લોધીએ કહ્યુ હતુ કે ભગવાન શ્રીકૃષ્ણએ પણ શિશુપાલની માત્ર 99 ભૂલો અને ગાળોને જ માફ કરી હતી.
તેમણે ત્યારે સમર્થકોને સલાહ આપી હતી કે અપમાન સહન કરવાની પણ એક સીમા હોવી જોઈએ. 99મી ગાળ સુધી ધીરજ રાખો અને સામેવાળાને સચેત કરો. પરંતુ જેવો આંકડો 100 પર પહોંચે, તો ચુપ રહેવાના સ્થાને સીધા ડેન્ટિંગ-પેન્ટિંગ એટલે કે આકરો બોધપાઠ ભણાવો. તેમણે ત્યારે એમ પણ કહ્યુ હતુ કે કેટલાક લોકો લાતોના ભૂત હોય છે અને તે વાતોથી સીધા થતા નથી.