સ્કૂલમાં હિજાબ પહેરવાની માંગ પર હાઈકોર્ટે કહ્યું- આ ઈસ્લામનો અનિવાર્ય હિસ્સો નથી
હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે શૈક્ષણિક સંસ્થાઓમાં શિસ્ત અને એકરુપતા જાળવી રાખવા માટે યૂનિફોર્મ કોડનું પાલન જરૂરી છે
ઉત્તરપ્રદેશની અલ્હાબાદ હાઈકોર્ટ ડિવિઝન બેન્ચે પ્રયાગરાજની ટાગોર પબ્લિક સ્કૂલની 11મા ધોરણમાં અભ્યાસ કરતી મુસ્લિમ વિદ્યાર્થિની દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે. આ અરજીમાં અરજદાર વિદ્યાર્થિની દ્વારા સ્કૂલના નિયત યુનિફોર્મની સાથે હિજાબ પહેરવાની મંજૂરી માંગવામાં આવી હતી.
જસ્ટિસ જે. જે. મુનીર અને જસ્ટિસ ઈંદ્રજીત શુક્લાની ખંડપીઠે આ મામલામાં સુનાવણી કરતા કહ્યુ કે હિજાબ પહેરવો ઈસ્લામ ધર્મનો અનિવાર્ય હિસ્સો સાબિત થતો નથી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે સ્કૂલનો ડ્રેસ કોડ એક સમાન, બિન-ભેદભાવપૂર્ણ અને શિસ્ત જાળવી રાખવા માટે છે, તેને લાગુ કરવાનો અધિકાર સંસ્થા પાસે છે.
અલ્હાબાદ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે સુનાવણી દરમિયાન ક્હ્યું કે એવા કોઈ ધાર્મિક અથવા કાયદાકીય પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી, જેનાથી એ સાબિત થઈ શકે કે હિજાબ પહેરવો ઈસ્લામમાં એક અનિવાર્ય પ્રથા છે. કોર્ટ મુજબ, માત્ર દાવાના આદારે ધાર્મિક સ્વતંત્રતાના અધિકાર હેઠળ રાહત આપી શકાય નહીં. વિદ્યાર્થિનીનો તર્ક હતો કે તે ધોરણ-6થી 10 સુધી કોઈપણ વિરોધ વગર હિજાબ પહેરીને સ્કૂલે આવતી રહી છે. આના પર કોર્ટે કહ્યું કે સંસ્થાની જૂની સંમતિ કોઈ કાયદાકીય અધિકારને જન્મ આપતી નથી.
હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે શૈક્ષણિક સંસ્થાઓમાં શિસ્ત અને એકરુપતા જાળવી રાખવા માટે યૂનિફોર્મ કોડનું પાલન જરૂરી છે. જો કોઈ સ્કૂલની ગણવેશ નીતિ તમામ છાત્રો માટે સમાન છે અને કોઈની સાથે ભેદભાવ નથી કરતી, તો વ્યક્તિગત પંસદના આધારે તેમાં પરિવર્તનની માગણી કરી શકાય નહીં. ખંડપીઠે ક્હ્યું છે કે સ્કૂલ પોતાની ઓળખ અને શિસ્ત જાળવી રાખવા માટે નિયમ લાગુ કરી શકે છે, અને પૂર્વની ઢીલના આધારે છાત્ર હંમેશા માટે નિયમ બદલવાની માગણી કરી શકે નહીં.
ખંડપીઠે પોતાના નિર્ણયમાં જૂના ન્યાયિક આદેશોને પણ ટાંકયા. અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું છે કે વિભિન્ન હાઈકોર્ટોએ પણ માન્યું છે કે મહિલાઓ માટે હિજાબ પહેરવો ઈસ્લામિક આસ્થાનો અનિવાર્ય હિસ્સો નથી. હાઈકોર્ટે કહ્યું છે કે કર્ણાટક હાઈકોર્ટના ગત ચુકાદાથી અલગ અભિપ્રાય લેવાનું કોઈ કારણ દેખાતું નથી. આ તમામ બિંદુઓને ધ્યાનમાં રાખીને કોર્ટે અરજીને ફગાવી દીધી અને સ્કૂલ પ્રબંધનને પોતાનો નિર્ધારીત યૂનિફોર્મ કોડ લાગુ કરવાની મંજૂરી આપી દીધી.