હાર્ડકોર હિંદુત્વની પીચ પર યુપીના સીએમ યોગી આદિત્યનાથ, સપા-AIMIM ને લાગ્યા મરચાં
AIMIM ના પ્રવક્તા શાદાબ ચૌહાને પ્રતિક્રિયા આપતા કહ્યુ છે કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવમાં સ્પર્ધા છે કે કોણ મોટો હિંદુ અને કોણ મોટો સનાતની છે. માટે આ પ્રકારના નિવેદન આપીને મુસ્લિીમોને રાજકીય અસ્પૃશ્ય બનાવાઈ રહ્યા છે.
લખનૌ: ઉત્તરપ્રદેશમાં 2027માં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. તેના પહેલા રાજકીય નિવેદનબાજીઓ પણ વધી છે. આજે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શામલીમાં ઘણી યોજનાઓના શિલાન્યાસ અને લોકાર્પણ કાર્યક્રમો દરમિયાન સમાજવાદી પાર્ટી અને કૉંગ્રેસને નિશાને લઈ ચુક્યા છે. યોગી આદિત્યનાથે આ બંને પાર્ટીઓને જિન્નાના ઉપાસક ગણાવી દીધી છે. જેને કારણે વિપક્ષી દળોએ પણ વળતી તીખી પ્રતિક્રિયા આપી છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિવેદનને વિપક્ષી નેતાઓએ આયોજનબદ્ધ રણનીતિ ગણાવીને કહ્યુ છે કે ભાજપ સરકારે ગત 9 વર્ષોથી વધુ સમયમાં સામાન્ય જનતા માટે કંઈ કર્યું નથી અને હવે જ્યારે ચૂંટણી આવી રહી છે તો ફરીથી ધાર્મિક ઉન્માદ વધારનારા નિવેદન આપી રહ્યા છે.
સમાજવાદી પાર્ટીની પ્રતિક્રિયા
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિવેદન પર સમાજવાદી પાર્ટીના મનોજ કાકાએ પ્રતિક્રિયા આપતા પલટવાર કર્યો છે કે એક મુખ્યમંત્રીએ તમામ ધર્મોનું સમ્માન કરવું જોઈએ. પરંતુ દુર્ભાગ્યની વાત છે કે યુપીના સીએમ આ કરી શકતા નથી, હંમેશા ઉન્માદ ભરેલી વાતો કરે છે. જેમના રાજમાં દિકરીઓના અપહરણો, હત્યા થઈ રહી હોય, સતત પેપર લીક થઈ રહ્યા હોય ત્યાં સુધી કે દાનની લૂંટ થઈ રહી હોય તે ધર્મના નાથ થઈ શકે નહીં. યોગી આદિત્યનાથ ન ધર્મના નાયક છે, ન બંધારણના. તે માત્ર મનુવાદી, સામંતી વ્યવસ્થા અને વિભાજનકારી વિચારધારાના નાયક છે.
AIMIM ની પ્રતિક્રિયા
AIMIM ના પ્રવક્તા શાદાબ ચૌહાને પ્રતિક્રિયા આપતા કહ્યુ છે કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવમાં સ્પર્ધા છે કે કોણ મોટો હિંદુ અને કોણ મોટો સનાતની છે. માટે આ પ્રકારના નિવેદન આપીને મુસ્લિીમોને રાજકીય અસ્પૃશ્ય બનાવાઈ રહ્યા છે.
કૉંગ્રેસે પણ સાધ્યું નિશાન
કૉંગ્રેસના નેતા મનીષ હિંદવીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપતા કહ્યુ છે કે બેરોજગાર અને ખેડૂતોના દર્દ દેખાઈ રહ્યા નથી. યોગીજી ફરી એકવાર હિંદુ-મુસ્લિમ કરી રહ્યા છે. તેમને ખબર છે કે તેમણે 8-9 વર્ષોમાં કંઈ કર્યું નથી. માટે તેઓ રોજ નવો રાજકીય રાગ આલાપે છે. તેમણે કહ્યુ છે કે યોગીજીને ઈતિહાસ ખબર નથી, કે આ જિન્ના સાથે મળીને તેમની પૂર્વજ હિંદુ મહાસભાએ સરકારો બનાવી હતી. તે પણ નફરતના હિમાયતી હતા અને આ પણ નફરતના હિમાયતી છે.
મહત્વપૂર્ણ છે કે મોહમ્મદ અલી ઝીણા ગુજરાતના પાનેલીના મુળ વતની અને તેમના પૂર્વજો લોહાણા હિંદુ હતા. જો કે તેમના દાદાએ માછલીનો ધંધો કરતા નાત બહાર મૂકાયા અને આખા પરિવારે ઈસ્લામ અંગિકાર કર્યો. મોહમ્મદ અલી ઝીણા પોતાના શરૂઆતના રાજકીય જીવનમાં ગોપાલકૃષ્ણ ગોખલે અને લોકમાન્ય બાળગંધાધર તિલકથી પ્રભાવિત પણ હતા અને તેમના સાથીદાર પણ હતા. ઝીણા ત્યારે કૉંગ્રેસના સદસ્ય હતા. પરંતુ કૉંગ્રેસની તિલક પછીની નેતાગીરી સાથેના ટકરાવે તેમને મુસ્લિમ લીગના અધ્યક્ષ તરીકે પોતાના રાજકીય જીવનની બીજી રાજકીય ઈનિંગ શરૂ કરવા પ્રેરીત કર્યા. આ મોહમ્મદ અલી ઝીણાએ જ પાકિસ્તાન પ્રસ્તાવ અને ડાયરેક્ટ એક્શન ડે જેવા ઉધામા કરીને ભારતના ભાગલા દ્વારા પાકિસ્તાનની માગણીને સાકાર સ્વરૂપ આપવામાં તત્કાલિન નેતાગીરીની નબળાઈને કારણે સફળતા મેળવી હતી.