ઓગડ જાગીરમઠના મહંત બળદેવગીરીની અટકાયત, અજમલભાઈ ચૌધરી મારામારી કેસમાં પૂછપરછ
અજમલભાઈ ચૌધરી સાથેની મારામારીની ઘટના બાદ ચૌધરી સમાજના આગેવાનોએ ચિમકી આપી હતી કે જો કાર્યવાહી નહીં કરવામાં આવે, તો 11 ઓગસ્ટે ગાંધીનગર સુધી રેલી યોજવામાં આવશે
બનાસકાંઠા જિલ્લામાં અજમલભાઈ ચૌધરી સાથે થયેલી મારામારીના કેસમાં જિલ્લા પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ઓગ઼ડ જાગીરમઠના મહંત બળદેવગીરીની પોલીસે અટકાયત કરી છે. પોલીસ મહંતને કાળા રંગની કારમાં ડીસા તાલુકા મથકે લાવી છે અને તેમની સઘન પૂછપરછ થઈ રહી છે.
અજમલભાઈ ચૌધરી પર થયેલા હુમલાની ઘટનામાં મહંત પર ગંભીર આક્ષેપો થયા છે. ઘટના બાદ ફરિયાદી પક્ષ દ્વારા કડક કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી હતી. તેના પછી મહંત બળદેવગીરીની પોલીસે અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
અજમલભાઈ ચૌધરી સાથેની મારામારીની ઘટના બાદ ચૌધરી સમાજના આગેવાનોએ ચિમકી આપી હતી કે જો કાર્યવાહી નહીં કરવામાં આવે, તો 11 ઓગસ્ટે ગાંધીનગર સુધી રેલી યોજવામાં આવશે.
ચૌધરી સમાજના આગેવાનોએ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા સાથે મુલાકાત કરીને રજૂઆત કરી હતી. આરોપી સામે નિષ્પક્ષ અને કડક કાયદેસરની કાર્યવાહી કરવાની ચૌધરી સમાજના આગેવાનો દ્વારા માગણી કરવામાં આવી હતી. આ રજૂઆત બાદ જિલ્લા પોલીસે મહંત બળદેવગીરીની અટકાયત કરી છે.