અમદાવાદમાં ભારે વરસાદ બાદ જળભરાવની સ્થિતિનો તાગ મેળવવા CM ભૂપેન્દ્ર પટેલ બોપલ પહોંચ્યા
બોપલની સેન્ટોસા પાર્ક સોસાયટીમાં અને આસપાસ પાણી ભરાયેલા હોવાથી લગભગ 20 જેટલા પરિવારો પોતાના ઘરોમાં ફસાયેલા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને તાત્કાલિક પાણી નિકાલની વ્યવસ્થા કરવા અને ફસાયેલા લોકોને ખોરાક-પાણી પુરું પાડવાના કડક નિર્દેશ આપ્યા છે.
ગુરુવારે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદ બાદ જળભરાવની સ્થિતિથી લોકો ત્રસ્ત છે. પશ્ચિમ અમદાવાદના ઘુમા-બોપલ વિસ્તારમાં 10 ઈંચ જેટલા વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી અને હવે વરસાદે થોડો શ્વાસ લીધો છે, ત્યારે ઘણી સોસાયટીઓ અને માર્ગો પર જળભરાવની સ્થિતિ છે.
આ પરિસ્થિતિની ગંભીરતાને જોતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખુદ બોપલની મુલાકાતે પહોંચ્યા હતા. તેમની સાથે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર પણ હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રાઉન્ડ ઝીરો પર જઈને રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી અને તેની સાથે જ તેમણે સ્થાનિકો સાથે વાતચીત પણ કરી હતી.
જાતે પાણીમાં ઉતરીને સ્થિતિનો તાગ મેળવતી વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થાનિકો સાથે સીધો સંવાદ કરીને રાહત અને બચાવ કામગીરીને વધુ ઝડપી બનાવવા માટેના સૂચનો કર્યા હતા. તેની સાથે જરૂરી માનવબળ, સાધનો અને વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવવા માટે સંબંધિત અધિકારીઓને સૂચનાઓ પણ આપી હતી.
મહત્ત્વપૂર્ણ છે કે ગુરુવારે પડેલા ભારે વરસાદમાં બોપલ-ઘુમા વિસ્તારમાં 12 કલાકમાં 10 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. તેના કારણે આખો વિસ્તાર જળમગ્ન થઈ ગયો હતો. બીજા દિવસે વરસાદનું જોર થોડું ઘટયું હોવા છતાં સોસાયટીઓ અને માર્ગોમાં પાણી ભરાયેલા જોવા મળતા હતા.
બોપલની સેન્ટોસા પાર્ક સોસાયટીમાં અને આસપાસ પાણી ભરાયેલા હોવાથી લગભગ 20 જેટલા પરિવારો પોતાના ઘરોમાં ફસાયેલા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને તાત્કાલિક પાણી નિકાલની વ્યવસ્થા કરવા અને ફસાયેલા લોકોને ખોરાક-પાણી પુરું પાડવાના કડક નિર્દેશ આપ્યા છે.