નર્મદા: તિલકવાડાના ગૌચરિયા ગામમાં પ્રચંડ જળપ્રવાહમાં ફસાયેલા શખ્સનું સફળ રેસ્ક્યૂ કરાયું
ગુજરાતના મધ્ય અને દક્ષિણી વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને રાજ્યમાં ભારે વરસાદને લઈને 13 જિલ્લાઓમાં રેડ એલર્ટ છે.
દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. નર્મદા જિલ્લામાં વરસાદનું જોર વધારે છે.
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ગૌચરિયા ગામમાં પાણીના પ્રચંડ પ્રવાહમાં એક વ્યક્તિ ફસાયો હતો. ચારેબાજું જળબંબાકારની સ્થિતિમાં ફસાયેલો શખ્સ જીવ બચાવવા માટે એક વૃક્ષ પર ચઢી ગયો હતો.
આસપાસના લોકોએ આની જાણ પ્રશાસનને કરી હતી. તંત્ર દ્વારા તાત્કાલિક એસડીઆરએફની ટીમ મોકલી દેવામાં આવી હતી.
એસડીઆરએફની ટીમે પ્રચંડ જળપ્રવાહમાં વૃક્ષ પર જીવ બચાવવા બેઠેલા શખ્સને બચાવવાની બેહદ કપરી કામગીરી શરૂ કરી હતી. એસડીઆરએફની ટીમે ભારે જહેમત બાદ સફળતાપૂર્વક આ શખ્સનું રેસ્ક્યુ કર્યું હતું.