નવસારીના ધોલાઈ પોર્ટ નજીક ફસાયેલી ફિશિંગ બોટમાંથી 9 માછીમારોનું હેલિકોપ્ટરથી સફળ રેસ્ક્યુ કરાયું
દરિયાનું પાણી છીછરું હોવાથી કોસ્ટગાર્ડની રેસ્ક્યૂ બોટ ઘટનાસ્થળ સુધી પહોંચી શકી ન હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હેલિકોપ્ટર દ્વારા કોસ્ટગાર્ડે માછીમારોને એરલિફ્ટ કર્યા હતા
નવસારી જિલ્લાના જલાલપોરપ તાલુકાના ધોલાઈ બંદર નજીક મધદરિયે એક ફિશિંગ બોટ ફસાઈ હતી. આ બોટમાં 9 માછીમારોના જીવ પડીકે બંધાયા હતા. ધોલાઈ બંદરથી આશરે બેથી અઢી નોટિકલ માઈલ દૂર દરિયામાં માટીના ઢગલામાં ફિશિંગ બોટ ફસાઈ હતી. આની જાણકારી જ્યારે જિલ્લા પ્રશાસન, ડિઝાસ્ટર કંટ્રોલ રુમ અને સુરક્ષા એજન્સીઓને મળી કે તેઓ તુરંત હરકતમાં આવ્યા હતા.
આ ફિશિંગ બોટનું એન્જિન અચાનક બંધ પડી ગયા બાદ તેમાં પાણી ભરાવા લાગ્યું હતું. માછીમારોએ ઈમરજન્સી રેસ્ક્યૂ કોલ કર્યો હતો. જલાલપોર મામલતદાર કચેરીના ડિઝાસ્ટર કંટ્રોલ રુમને માહિતી મળ્યા બાદ જલાલપોર મામલતદાર, પ્રાંત અધિકારી અને સ્થાનિક પોલીસ તાબડતોબ ધોલાઈ બંદર પાસે પહોંચી હતી અને સ્થિતિનું સીધું નિરીક્ષણ શરૂ કર્યું હતું.
દરિયાનું પાણી છીછરું હોવાથી કોસ્ટગાર્ડની રેસ્ક્યૂ બોટ ઘટનાસ્થળ સુધી પહોંચી શકી ન હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હેલિકોપ્ટર દ્વારા કોસ્ટગાર્ડે માછીમારોને એરલિફ્ટ કર્યા હતા. આ માછીમારોને વલસાડના દાંતી નજીક દાંડી કિનારે પહોંચાડવામાં આવ્યા હતા.
બોટ દરિયામાં ડૂબી જવાના ડરે કેટલાક માછીમારો તેને છોડવા માટે તૈયાર ન હતા. પણ બાદમાં તંત્ર અને બચાવ દળ દ્વારા તમામ લોકોને સમજાવીને સુરક્ષિત બહાર કાઢવા કામગીરી હાથ ધરાઈ હતી.

આ બોટ કૃષ્ણપુર ગામના દીપક ટંડેલ નામના વ્યક્તિની છે. તે મહારાષ્ટ્ર પાસિંગની બોટ છે. જેને ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં માછીમારીની કાયદેસરની મંજૂરી ન હતી, તેવી વિગતો પ્રાથમિક તપાસમાં ઉજાગર થઈ છે.