અમરેલીમાં CM ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો, બિન-અનામત વર્ગ માટે વિદેશ અભ્યાસ લોનની આવક મર્યાદા વધારવાની ઘોષણા કરી
ભૂપેન્દ્ર પટેલે કહ્યુ છે કે રાજ્યમાં 16 લાખથી વધુ ગરીબ પરિવારોને પોતાના ઘરનું ઘર મળ્યું છે, જ્યારે 10,300થી વધુ આરોગ્ય મંદિરો કાર્યરત કરવામાં આવ્યા છે
15મી ઓગસ્ટે રાજ્યકક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી અમરેલી ખાતે કરવામાં આવી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સ્વતંત્રતા દિને ધ્વજવંદન કર્યું છે.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યુ કે ગુજરાતના લોકો એકસાથે મળીને કામ કરે તો કંઈ અશક્ય નથી. આ ઉપરાંત તેમણે નાગરિકોની સુવિધા-સુખાકારી માટે મહત્ત્વપૂર્ણ ઘોષણાઓ કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રહેણાક માટે ઘરથાળના વિનામૂલ્યે પ્લોટની યોજના, રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 3428 કરોડની ફાળવણી, આંગણવાડીના 16 લાખથી વધારે બાળકો માટે ગરમ પૂરક પોષક આહાર આપવાની અને બિન અનામત વર્ગના યુવાઓ માટે વિદેશ અભ્યાસ લોનની આવક મર્યાદામાં વધારો કરવાની મહત્ત્વની જાહેરાતો કરી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત આજે દેશનું ‘ગ્રોથ એન્જિન’ બન્યું છે અને 'વિકસિત ભારત'ના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત જ અગ્રસર રહીને લીડ લેશે. તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકારે આધુનિકતા અને આધ્યાત્મિકતાની સાથે વિકાસ અને વિરાસતના સંગમને વિકસિત ગુજરાતનો મુખ્ય આધાર બનાવ્યો છે. આજે સમગ્ર વિશ્વ એક નવી આશા સાથે ભારત તરફ જોઈ રહ્યું છે.
મુખ્યમંત્રીએ ગરીબો, યુવાનો, ખેડૂતો અને નારીશક્તિને વિકસિત ભારતના મજબૂત સ્તંભ ગણાવ્યા અને કહ્યુ કે ખેડૂતોને સમૃદ્ધ બનાવવા માટે હવે દિવસે પણ વીજળી ઉપલબ્ધ કરાવાય રહી છે. વિકાસ સાથે પર્યાવરણની જાળવણણીનો અભિગમ અપનાવીને વરસાદી પાણીના સંચયથી ભૂગર્ભ જળસ્તર ઉંચા આવ્યા છે. તેમણે કહ્યુ છે કે ગુજરાતના પોર્ટ્સ આખા દેશની સમૃદ્ધિના પ્રવેશદ્વાર બન્યા છે અને સમુદ્રની શક્તિને વધુ સશક્ત બનાવવાનો સંકલ્પ લેવાયો છે. ભૂપેન્દ્ર પટેલે કહ્યુ છેકે રાજ્યમાં 16 લાખથી વધુ ગરીબ પરિવારોને પોતાના ઘરનું ઘર મળ્યું છે, જ્યારે 10,300થી વધુ આરોગ્ય મંદિરો કાર્યરત કરવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીએ રોકાણકારોને આકર્ષવામાં ગુજરાત સફળ રહ્યું હોવાનું જણાવીને કહ્યુ છે કે ઈકોનોમીને વેગ આપવા માટે નવા સેક્ટરનું જોડાણ થશે. તેમણે કહ્યુ છે કે આજે ગુજરાતનો વિકાસ વિશ્વની નજરમાં આવ્યો છે. આર્થિક વિકાસને નવી ગતિ આપવાનો ગુજરાતનો સંકલ્પ હોવાનું જણાવીને તેમણે શહેરો અને ગ્રામ્ય વિકાસ પર સરકારે ભાર મૂક્યો હોવાનું જણાવીને વિકાસના લાભો કચ્છ જેવા જિલ્લા સુધી પહોંચ્યાનું પણ જણાવ્યું છે.
અમરેલીના પરેડ ગ્રાઉન્ડમાં પોલીસકર્મીઓની પરેડ યોજાઈ હતી. જેમાં મહિલા પોલીસ જવાનોએ અદભુત રાઈફલ ડ્રીલ કરીને સૌના દિલ જીતી લીધા હતા. આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યકર્મો અને બાઈક સ્ટંટ શૉ અને ડોગ શૉ, માઉન્ટેડ અશ્વ-શૉ એ પણ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. અમરેલીમાં યોજાયેલા સ્વતંત્રદિનના રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં રાજ્યના મંત્રીઓ, પદાધિકારીઓ અઅને વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો.