બેગ ભૂલ્યાનું બહાનું, શોરૂમની ચાવી મેળવી 5.90 લાખના દાગીના ચોર્યા! ‘ઓરા ફાઇન જ્વેલરી’નો કર્મચારી જ નીકળ્યો ચોર
17 ઓગસ્ટ, 2026ના રોજ બનેલી આ ચોરીની ઘટનામાં વસ્ત્રાપુર પોલીસે દર્શન અશ્વિનભાઈ સોનીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે દર્શન સોની છેલ્લા 10 મહિનાથી આ શોરૂમમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરતો હતો.
અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા પેલેડિયમ મોલના ‘ઓરા ફાઇન જ્વેલરી’ શોરૂમમાં થયેલી લાખોની ચોરીનો ભેદ વસ્ત્રાપુર પોલીસે ઉકેલી લીધો છે. ચોંકાવનારી વાત એ છે કે શોરૂમમાં જ સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરતો કર્મચારી જ ચોરીનો માસ્ટરમાઇન્ડ નીકળ્યો છે.
17 ઓગસ્ટ, 2026ના રોજ બનેલી આ ચોરીની ઘટનામાં વસ્ત્રાપુર પોલીસે દર્શન અશ્વિનભાઈ સોનીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે દર્શન સોની છેલ્લા 10 મહિનાથી આ શોરૂમમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરતો હતો.
ચોરી કરવા માટે આરોપીએ સાથી કર્મચારીને ‘મારી બેગ શોરૂમમાં ભૂલી ગયો છું’ એવું બહાનું આપ્યું હતું. આ બહાના હેઠળ તેણે શોરૂમની ચાવી મેળવી લીધી હતી. ત્યારબાદ રાત્રિના સમયે શોરૂમ ખોલીને બ્રેસલેટ, ચેઇન અને મંગળસૂત્ર સહિતના સોના અને ડાયમંડના દાગીનાની ચોરી કરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ, આરોપી દર્શન સોનીએ શોરૂમમાંથી કુલ રૂ. 5 લાખ 90 હજાર 242ની કિંમતના દાગીનાની ચોરી કરી હતી. ચોરી કર્યા બાદ આરોપીએ આ દાગીના અમદાવાદના માણેકચોક વિસ્તારમાં આવેલી ભક્તિ ટચ નામની દુકાનમાં વેચી દીધા હતા. દાગીના વેચીને મળેલા પૈસા તેણે પોતાના મોજશોખ પાછળ ખર્ચી નાખ્યા હતા.
આરોપી દર્શન સોનીએ ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ટેક્નિકલ અને અન્ય તપાસના આધારે આરોપીને ઝડપી પાડ્યો છે.
આરોપીનો ભૂતકાળ પણ ગુનાહિત હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. દર્શન સોની વિરુદ્ધ છેલ્લા 10 વર્ષમાં કુલ 13 ગુનાઓ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે. પાટણ, ડીસા, નવસારી, ગાંધીનગર અને અમદાવાદના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ વાહનચોરી, ઘરફોડ ચોરી, પ્રોહિબિશન, અકસ્માત અને ચેઇન સ્નેચિંગ સહિતના ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસનું કહેવું છે.
આ ઉપરાંત આરોપી વિરુદ્ધ અગાઉ પાસા હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી ચૂકી છે. તેમ છતાં ફરી એક વખત ચોરીના ગુનામાં સંડોવાતા પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વસ્ત્રાપુર પોલીસે આરોપી પાસેથી ચોરીના દાગીના અંગે પણ તપાસ શરૂ કરી છે. ચોરીના દાગીના ક્યાં અને કોને વેચવામાં આવ્યા, તેમાંથી મળેલી રકમનો કેટલો ઉપયોગ થયો તેમજ આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.
વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ ડૉ. ગીતા ચૌધરીએ જણાવ્યું હતું કે, શોરૂમમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતા દર્શન સોનીએ બેગ ભૂલી ગયાનું બહાનું કાઢી ચાવી મેળવી હતી અને રાત્રિના સમયે શોરૂમ ખોલીને લાખો રૂપિયાના દાગીનાની ચોરી કરી હતી. આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તેના અગાઉના ગુનાહિત ઇતિહાસની પણ તપાસ કરવામાં આવી રહી છે.