ઈંસ્ટાગ્રામથી વેશ્યાવૃત્તિમાં ધકેલાઈ રહી છે સગીરાઓ...!
માનવ તસ્કરી સામે કામ કરનારી એનજીઓ પ્રજ્વલાએ આને લગતી ચોંકાવનારી જાણકારીઓ આપી છે. પ્રજ્વલાએ ખુલાસો કર્યો છે કે વેશ્યાવૃત્તિના ધંધામાં ધકેલાવા માટે માનવ તસ્કરીના એક સંગઠિત નેટવર્કનો ભોગ બનેલી 12થી 15 વર્ષની સગીરાઓને બચાવવામાં આવી છે
શું ઈન્સ્ટાગ્રામ વાપરો છો? ... શું તમારા બાળકો ઈંસ્ટાગ્રામ વાપરે છે... ?શું તમારી સગીર દીકરી ઈન્સ્ટાગ્રામ વાપરે છે?.. તો સાવધાન થઈ જજો. ઈન્સ્ટાગ્રામનું કોમેન્ટ સેક્શન યુવતીઓ-સગીરાઓને વેશ્યાવૃત્તિમાં ધકેલવાનું એક માધ્યમ બની રહ્યું છે. સોશયલ મીડિયા ઈન્ફ્લુએન્સર બનવાની લાલચ આપીને કથિતપણે કેટલીક સગીરા-યુવતીઓને પ્રોસ્ટિટ્યૂશન તરફ ધકેલાઈ રહી છે.
સોશયલ મીડિયામાં બકાયદા આવી ગેંગ એક્ટિવ છે. આ ગેંગ ફેમસ થઈ જવાની ચાહત ધરાવનારી યુવતીઓની સાથે ઓનલાઈન ઈમોશનલ રિલેશનશિપ બનાવે છે. દેખાડો કરે છે કે તેમની ફેમસ થવામાં તેઓ મદદ કરશે. પછી ઈન્ટીમેટ-અંગત તસ્વીરો લે છે... આવી જ એક ગેંગના કબજામાંથી 12થી 15 વર્ષની સગીરાઓને બચાવવામાં આવી છે. કામકાજમાં બાળકો તરફ ધ્યાન નહીં આપનારા માતાપિતા માટે આ લાલબત્તી સમાન ઘટનાક્રમ છે.
ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સર ડ્રીમ ટ્રાફિકિંગ...
હા,... માનવ તસ્કરીની આ નવી ટર્મ છે...
પણ માનવ તસ્કરી સામે કામ કરનારી એનજીઓ પ્રજ્વલાએ આને લગતી ચોંકાવનારી જાણકારીઓ આપી છે. પ્રજ્વલાએ ખુલાસો કર્યો છે કે વેશ્યાવૃત્તિના ધંધામાં ધકેલાવા માટે માનવ તસ્કરીના એક સંગઠિત નેટવર્કનો ભોગ બનેલી 12થી 15 વર્ષની સગીરાઓને બચાવવામાં આવી છે.
એનજીઓ પ્રજ્વલાના ફાઉન્ડર સુનીતા કૃષ્ણને ખુલાસો કર્યો છે કે ઓનલાઈન તાત્કાલિક લોકપ્રિય થઈ જવાનું ઝનૂન વધી રહ્યું છે... માનવ તસ્કરો માટે આવી ચાહત ધરાવતા નબળાં સગીર બાળકોને નિશાન બનાવાય છે..
સોશયલ મીડિયા, ખાસ કરીને ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ સગીરાઓને ફસાવીને દેહ વ્યાપારમાં ધકેલવા માટે થઈ રહ્યો છે. આવી પીડિતાઓમાં એક 12 વર્ષની સગીરા પણ સામેલ હતી. કુમળીવયની આ દીકરી હજી દુનિયાને સમજી રહી છે. ત્યારે તે સોશયલ મીડિયાના યુગમાં ઈન્ફ્લૂએન્સર બનવાની ચાહતમાં ફસાઈ હતી. તેણે ઈન્સ્ટાગ્રામ પર 1000થી વધુ રીલ્સ પોસ્ટ કરી હતી. એક વ્યક્તિ તેની દરેક રીલ પર કોમનેટ કરતો હતો. ફોલોઅર્સ અને વ્યૂઝ વધારવાની ઓફરો આપતો હતો. કોમેન્ટમાં વાતચીત પ્રાઈવેટ મેસેજ અને કૉલ સુધી વાત પહોંચી. યુવતી તેના દ્વારા કહેવાતું કન્ટેન્ટ બનાવવા લાગી.
હવે આ કોમેન્ટ કરનાર વ્યક્તિ 12 વર્ષની સગીરાને ભાવનાત્મક રીતે બહેકાવા લાગ્યો... તેનું ઓનલાઈન શોષણ પણ કરવા લાગ્યો... સેક્સટોર્શનનો ઉપયોગ કરીને તેને ઘરેથી ભાગવા મજબૂર કરી... સેક્સટોર્શન એટલે યૌન શોષણ માટે બ્લેકમેઈલિંગ.
ઈંસ્ટાગ્રામ પર એક સગીરાને તેના અંગ-ઉપાંગો દેખાતા હોય તેવી રીલ્સ પોસ્ટ કરવા માટે કહેવામાં આવ્યું... જેથી તેના વ્યૂઝ અને ફોલોઅર્સ વધે. તેણે આવું કર્યું પણ ખરું અને તેનાથી તેનું એન્ગેજમેન્ટ પણ વધ્યું. તેનાથી સગીરાને લાગ્યું કે જે-તે વ્યક્તિ તેની મદદ કરી રહ્યો છે. પણ હકીકતમાં તે સગીરાનું ઓનલાઈન યૌન શોષણ કરીને આવી પ્રવૃત્તિઓમાં તેને ફસાવવા માંગતો હતો.
આવા માનવ તસ્કરીના ચક્રવ્યૂહમાં ફસાયેલી ઘણી પીડિતાઓ ગરીબ અને ભાવનાત્મક રીતે પરેશાન ઘરોમાંથી આવે છે.. મોટાભાગની સગીરાઓ બસ ઈન્ફ્લુએન્સર બનવા માગતી હતી... આ ઘેલછા તેમને એક નરક તરફ દોરી જઈ રહી હોવાથી આવી સગીરાઓ અજાણ હતી.
ઘણી ગેમિંગ એપ્સ દ્વારા પણ યુવતીઓને ફસાવવામાં આવી હોય તેવા મામલા સામે આવતા રહે છે. કેટલાક કિસ્સાઓમાં યુવતીઓ તે યુવકને મળવા માટે અન્ય રાજ્યો સુધી પણ ચાલી જાય છે.
તેથી માતાપિતાએ પણ પોતાના બાળકોની સોશયલ મીડિયા એક્ટિવિટી પર નજર રાખવી જરૂરી બની છે.
કોઈ સગીરા ગાયબ થાય કે ઘરેથી ભાગી જાય.. તો તે એક સામાન્ય રીતે બનતી ઘટના માનવાના સ્થાને સંભવિત માનવ તસ્કરીના પાસાંથી પોલીસ તપાસ થવી, પણ આવા સ્કેમથી બાળકોને-સગીરાઓને-યુવતીઓને-મહિલાઓને બચાવી શકે છે.