દિલ્હી સત્ય નિકેતન દુર્ઘટના પર મોટી કાર્યવાહી, PG માલિક, પુત્ર અને પત્ની એરેસ્ટ
આ મામલામાં એમસીડીના ડેપ્યુટી કમિશનર, સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયર, એક્ઝિક્યૂટિવ એન્જિનિયર, આસિસ્ટન્ટ એન્જિનિયર અને જૂનિયર એન્જિનિયર સહીત 5 અધિકારીઓને તાત્કાલિક પ્રભાવથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
દિલ્હી સત્યનિકેતન બિલ્ડિંગ ધ્વસ્ત થવાના મામલે પોલીસે અત્યાર સુધીમાં ત્રણ લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં બિલ્ડિંગનો માલિક હરિરામ ગુપ્તા, તેનો પુત્ર મહેશ અને પત્ની ઉર્મિલા સામેલ છે. હરિરામ ગુપ્તાના નામ પર વીજ કનેક્શન હતું. જ્યારે તેનો પુત્ર મહેશ બિલ્ડિંગનું મેનેજમેન્ટ જોતો હતો. પ્રોપર્ટીના દસ્તાવેજો હરિરામની પત્ની ઉર્મિલાના નામ પર હતા.
દુર્ઘટનાના લગભગ 27 કલાક સુધી રાહત અને બચાવ કામગીરી દ્વારા ફસાયેલા લોકોને કાટમાળમાંથી કાઢીને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. રેસ્ક્યૂ ઓપરેશન હવે પૂર્ણ થઈ ચુક્યું છે. તેમાં 7 લોકોના મોત નીપજ્યા છે. જેમાં 5 વિદ્યાર્થીઓ હતા.
દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓમાં ઉત્તર પ્રદેશના સોનભદ્રનો 20 વર્ષીય છાત્રા અભિષેક, છત્તીસગઢ દુર્ગનો 20 વર્ષીય છાત્ર યુવરાજ સોની. ઉત્તર પ્રદેશના ઔરૈયાનો 17 વર્ષીય છાત્ર પવન, મધ્યપ્રદેશના દેવાસનો 19 વર્ષીય અર્પિત જહાજ, મધ્યપ્રદેશનો 18 વર્ષીય છાત્ર અક્ષત સિંહ યાદવ અને 75 વર્ષીય શ્રમિક સુરિન્દરસિંહ સામેલ છે. એક મૃતકની ઓળખ થઈ શકી નથી. ત્યારે ઘાયલોમાં 30 વર્ષીય અસગર અલી, 19 વર્ષીય નીરજ બાવા, 19 વર્ષીય આદિત્ય કુમાર, 19 વર્ષીય નીતિશ ચિબ અને 18 વર્ષીય મોહમ્મદ અયાન સામેલ છે. તેમાંથી 3ની સ્થિતિ ગંભીર છે.
ઈમારત પડવાના મામલામાં પોલીસે તેના માલિક હરિરામ ગુપ્તાને એરેસ્ટ કરી લીધો તો. પોલીસે તેને રાજસ્થાનના ભિવાડીમાંથી ઝડપી પાડયો હતો. દુર્ઘટના બાદથી જ દિલ્હી પોલીસ હરિરામ ગુપ્તાની તલાશ કરી રહી હતી. દુર્ઘટનાના તુરંત બાદ પોલીસે પાલમ વિરા ખાતેના તેના નિવાસસ્થાને દરોડો પાડયો હતો. પરંતુ તે ત્યાં મળ્યો ન હતો. તેના પછી પોલીસને આશંકા હતી કે ધરપકડથી બચવા માટે તે કોઈ સુરક્ષિત ઠેકાણા પર છૂપાયેલો છે. પોલીસે તેના નિકટવર્તીઓ અને સહયોગીઓના ઠેકાણા પર પણ દરોડા પાડયા હતા.
આ મામલામાં એમસીડીના ડેપ્યુટી કમિશનર, સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયર, એક્ઝિક્યૂટિવ એન્જિનિયર, આસિસ્ટન્ટ એન્જિનિયર અને જૂનિયર એન્જિનિયર સહીત 5 અધિકારીઓને તાત્કાલિક પ્રભાવથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
સત્ય નિકેતનમાં પીજી હોસ્ટેલ તરીકે ચાલી રહેલી બે ઈમારતોના પડવાના મામલામાં દિલ્હી હાઈકોર્ટમાં દાખલ જાહેરહિતની અરજી પર સુનાવણી પણ થઈ છે. કોર્ટે દિલ્હી સરકાર, કેન્દ્ર સરકાર , એમસીડી, દિલ્હી પોલીસ, દિલ્હી યુનિવર્સિટી અને એનએચઆરસીને નોટિસો જાહેર કરીને જવાબ માંગ્યો છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યુ છે કે તેઓ દિલ્હી સરકાર, કેન્દ્ર અને એમસીડી તરફથી રજૂ થશે. કોર્ટે ઘટનાને બેહદ દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. આ મામલાની આગામી સુનાવણી 25 સપ્ટેમ્બરે કરાશે.