અમદાવાદના ઘુમામાં ગાડી નીચેથી બિલાડી નીકળ્યાનું સામે આવ્યું, વનવિભાગની અફવા ન ફેલાવાની અપીલ
શેલા, ઘૂમા અને બોપલ વિસ્તારમાં તાજેતરમાં દીપડો દેખાયા બાદ ભયનો માહોલ છે. આ પરિશ્તિતિનો લાભ લઈને અથવા અજાણતા કોઈપણ ચકાસણી વગર અફવા ન ફેલાવવા માટે વન વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.
અમદાવાદના ઘૂમા વિસ્તારના શેલામાં શરણદીપ સોસાયટીની બાજૂમાં ગ્રીનફીલ્ડ સોસાયટીમાં વહેલી સવારે 6.05 વાગ્યાની આસપાસ ગાડી નીચેથી દીપડો નીકળ્યાની ચર્ચા વચ્ચે વનવિભાગે સ્પષ્ટતા કરી છે. વનવિભાગની ટીમે તપાસ કરતા દીપડો નહીં, પણ બિલાડી હોવાનું સામે આવ્યું છે.
શેલા વિસ્તારમાં ઉભેલી એક ગાડી નીચે દીપડાનું બચ્ચું છૂપાયેલું હોવાના સમાચાર અને અફવા સોશયલ મીડિયામાં અને સ્થાનિકોમાં વાઈરલ થઈ હતી.
આ અફવા ફેલાતા જ વનવિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ગાડીની નીચે સઘન તપાસ હાથ ધરી હતી.
તપાસ બાદ વન વિભાગે સ્પષ્ટતા કરી કે ગાડીની નીચે કોઈ દીપડાનું બચ્ચું ન હતું, પણ એક સામાન્ય બિલાડી હતી.
શેલા, ઘૂમા અને બોપલ વિસ્તારમાં તાજેતરમાં દીપડો દેખાયા બાદ ભયનો માહોલ છે. આ પરિશ્તિતિનો લાભ લઈને અથવા અજાણતા કોઈપણ ચકાસણી વગર અફવા ન ફેલાવવા માટે વન વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.
તેની સાથે વન વિભાગે ક્હ્યું છે કે જો કોઈ શંકાસ્પદ વન્યજીવ કે હિલચાલ નજરે પડે, તો સોશયલ મીડિયા પર મેસેજ વાઈરલ કરવાના બદલે સીધો વિભાગનો સંપર્ક કરવો.
મહત્ત્વપૂર્ણ છે કે અગાઉ ઘૂમા-શેલા વિસ્તારની શરણદીપ મેન્શન સોસાયટીમાં દીપડાંની હિલચાલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. તેના પછી વન વિભાગે થર્મલ ડ્રોન, પાંજરા અને 22થી વધુ સદસ્યોની ટીમ દ્વારા સધન સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ સતત ફફડાટના વાતાવરણ વચ્ચે ગાડી નીચેથી બિલાડી નીકળવાની ઘટના પણ લોકોમાં દહેશતનું કારણ બની ગઈ છે.