હવે મકાનમાલિક ભાડૂઆત પાસેથી મનસ્વીપણે ડિપોઝિટ નહીં વસૂલી શકે, ગુજરાતમાં નવું ભાડા વિધેયક પારીત
શહેરી વિકાસ મંત્રીએ જણાવ્યું હતું કે જૂના કાયદાની કાનૂની ગૂંચવણો દૂર કરીને આધુનિક જરૂરિયાતો મુજબ નવો કાયદો તૈયાર કરવામાં આવ્યો છે, જેનાથી રિયલ એસ્ટેટ ક્ષેત્રે પારદર્શિતા વધશે
ગુજરાત વિધાનસભામાં ગુજરાત ભાડા વિધેયક- 2026 સર્વાનુમતે પારીત કરવામાં આવ્યું છે. આ બિલનો ઉદેશ્ય રાજ્યના મકાનમાલિકો અને ભાડૂઆતોના સંબંધોમાં પારદર્શકતા અને શિસ્ત લાવવાનો છે. શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈએ આ બિલ ગૃહમાં રજૂ કર્યું હતું. રાજ્યમાં અત્યાર સુધી અમલી મુંબઈ ભાડા અને નિવાસ ગૃહદર નિયંત્રણ અધિનિયમ-1947ના સ્થાને હવે ગુજરાત ભાડા વિધેયક-2026 અમલમાં આવશે.
શહેરી વિકાસ મંત્રીએ જણાવ્યું હતું કે જૂના કાયદાની કાનૂની ગૂંચવણો દૂર કરીને આધુનિક જરૂરિયાતો મુજબ નવો કાયદો તૈયાર કરવામાં આવ્યો છે, જેનાથી રિયલ એસ્ટેટ ક્ષેત્રે પારદર્શિતા વધશે. વિધાનસભામાં આ વિધેયક કોઈ પણ વિરોધ વિના પસાર થયું હતું.
ગુજરાત ભાડા વિધેયક-2026ની મુખ્ય જોગવાઈઓ
- હવેથી રહેણાંક કે વાણિજ્યિક મિલકત લેખિત ભાડા કરાર વિના ભાડે આપી શકાશે નહીં. ભાડા સત્તાધિકારી દ્વારા 3 મહિનામાં ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર કરાશે અને દરેક કરારને યુનિક આઈડી નંબર ફાળવી વેબસાઈટ પર અપલોડ કરવાનો રહેશે.
- એડવાન્સ સિક્યોરિટી ડિપોઝિટની રકમ વધુમાં વધુ 3 મહિનાના ભાડા જેટલી જ રાખી શકાશે. મિલકત ખાલી કરતી વખતે તમામ હિસાબ પૂર્ણ કરીને 1 મહિનામાં આ ડિપોઝિટ પરત કરવાની રહેશે.
- ભાડા સંબંધિત વિવાદોના ઝડપી નિવારણ માટે રેન્ટ ઓથોરિટી, રેન્ટ કોર્ટ અને રેન્ટ ટ્રિબ્યુનલ એમ ત્રણ સ્તરની વ્યવસ્થા ઊભી કરાશે.
- મકાન માલિક ભાડૂઆતની વીજળી, પાણી કે ગેસ કનેક્શન જેવી આવશ્યક સેવાઓ રોકી શકશે નહીં.
- સતત ભાડું ન ચૂકવવું, મિલકતને નુકસાન પહોંચાડવું કે મંજૂરી વગર પેટા-ભાડે આપવાના કિસ્સામાં મકાન માલિક ભાડા અદાલત મારફતે મિલકત ખાલી કરાવી શકશે.
-પૂર, ભૂકંપ કે ચક્રવાત સમયે મિલકત રહેવા યોગ્ય ન રહે તો ભાડૂઆતને ભાડામાંથી મુક્તિ અથવા કરાર લંબાવવાની તક મળશે.
- મકાન માલિક પોતાની સુવિધા માટે કાયદાકીય માળખા હેઠળ પ્રોપર્ટી મેનેજરની નિમણૂક કરી શકશે.
- સરકારી પરિસરો, સર્વિસ ક્વાર્ટર, ધાર્મિક-સખાવતી સંસ્થાઓ, વક્ફ બોર્ડ અને પબ્લિક ટ્રસ્ટની માલિકીની મિલકતોને આ કાયદામાંથી મુક્તિ અપાઈ છે. જોકે, બંને પક્ષોની પરસ્પર સંમતિથી તેઓ આ કાયદા હેઠળ જોડાઈ શકશે.