થાર-ફોર્ચ્યુનર કાર માલિકોને દમણના કલેક્ટરે સુરક્ષિત વાહન ચલાવવાના શપથ લેવડાવ્યા, જુઓ Video
આ ડ્રાઈવ દરમિયાન ભાઈગીરી નહીં, જિમ્મેદારી અને રફ્તાર નહીં, સંસ્કાર જેવા સૂત્રો ચર્ચાના કેન્દ્રમાં રહ્યા હતા. આ ઉપરાંત કાર્યક્રમમાં ભાઈગીરી કૂલ નથી, જેવા પ્લેકાર્ડ પણ પ્રદર્શિત કરાયા હતા
તમે રસ્તા પર રોલા મારનારાઓમાં થાર અને ફોર્ચ્યુનરના કાર ડ્રાઈવરોને અવાર-નવાર જોયા હશે. અવાર-નવાર મોટી કારો દ્વારા હિટ એન્ડ રનના કિસ્સાઓ પણ સમાચારોમાં ચમકતા રહે છે. ત્યારે દમણના કલેક્ટર સૌરભ મિશ્રાએ અનોખી પહેલ હેઠળ મહિન્દ્રા થાર અને ટોયોટા ફોર્ચ્યુનર કારના માલિકોને રસ્તા પર સુરક્ષિત વાહન ચલાવવા માટે સત્તાવાર શપથ લેવાડાવ્યા છે.
આ કાર્યક્રમનું આયોજન થાર-ફોર્ચ્યુનર સંકલ્પ યાત્રા નામની ઝુંબેશ હેઠળ કરવામાં આવ્યું હતું. માર્ગો પર સ્ટંટ અને આક્રમક ડ્રાઈવિંગના વધતા કિસ્સાઓને કારણે ઉભી થયેલી ચિંતાઓને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રે ખાસ કરીને આ બે લોકપ્રિય એસયૂવીના માલિકોને આ અભિયાન સાથે સાંકળ્યા હતા. આમ તો તમામ વાહનચાલકોએ આવો સંકલ્પ લેવો જોઈએ અને તેને ધરાતલ પર પણ ઉતારવો જોઈએ.
આ ડ્રાઈવ દરમિયાન ભાઈગીરી નહીં, જિમ્મેદારી અને રફ્તાર નહીં, સંસ્કાર જેવા સૂત્રો ચર્ચાના કેન્દ્રમાં રહ્યા હતા. આ ઉપરાંત કાર્યક્રમમાં ભાઈગીરી કૂલ નથી, જેવા પ્લેકાર્ડ પણ પ્રદર્શિત કરાયા હતા.
તમામ ડ્રાઈવરોને કતારબદ્ધ કરીને શપથ લેવાડવવામાં આવ્યા હતા કે તેઓ ક્યારેય ઓવરસ્પીડિંગ, રેસિંગ, ડ્રિફ્ટિંગ કે રસ્તા પર કોઈપણ પ્રકારના જોખમી સ્ટંટ નહીં કરે.
આ સંકલ્પ યાત્રામાં એસયૂવી માલિકોએ ખાસ વચન આપ્યું હતું કે તેઓ રસ્તા પર ચાલતા પદયાત્રીઓ, સાયકલ સવારો અને શાળાના બાળકોને હંમેશા પહેલા રસ્તો આપશે.