જામનગર-લાલપુર હાઈવે પર ટ્રિપલ અકસ્માતમાં 3ના મોત, ભોળેશ્વરના દર્શન કરીને પાછા ફરતી વખતે દુર્ઘટના સર્જાઈ
ઘાયલોમાં ઓટોરિક્ષામાં સવાર 5 બાળકો અને 2 મહિલાઓ સહીત કુલ 7 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોમાં એકની હાલત અતિગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.
જામનગર-લાલપુર હાઈવે પર ચેલા ગામ નજીક ભોળેશ્વર મહાદેવના દર્શન કરીને પાછા ફરતા શ્રદ્ધાળુઓને ટ્રિપલ અકસ્માત નડયો હતો. કાર, ઓટોરિક્ષા અને બાઈક વચ્ચેની જોરદાર ટક્કરમાં ઓટોરિક્ષાચાલક રહીત બાઈક પર સવાર બે યુવાનોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.
તેની સાથે સાત અન્ય લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા. બનાવની જાણ થતાં જ સ્થાનિકો અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડયા હતા.
ઘાયલોમાં ઓટોરિક્ષામાં સવાર 5 બાળકો અને 2 મહિલાઓ સહીત કુલ 7 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોમાં એકની હાલત અતિગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે જામનગરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માત બાદ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. તેની સાથે હાઈવે પરનો ટ્રાફિક પણ પૂર્વવત કર્યો છે.