ડાંગ જિલ્લામાં ભારે વરસાદને કારણે 47 રસ્તા બંધ, જનજીવન ખોરવાયું
વધઈ-સાપુતારા સ્ટેટ હાઈવે પર વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો છે. ગુજરાત અને મહારાષ્ટ્રને જોડતો વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો છે.
ડાંગ જિલ્લામાં મૂશળધાર વરસાદને કારણે અંબિકા, ગિરા, ખાપરી અને પૂર્ણા નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં જોખમ વધ્યું છે અને તેને કારણે તંત્ર દોડતું થયું છે.
વધઈ તાલુકામાં 14 ઈંચથી વધુ વરસાદ નોંધાતા જનજીવન પર ગંભીર અસર પડી છે. સાપુતારામાં 8.11 ઈંચ, આહવામાં 6.22 ઈંચ અને સુબીરમાં 2.64 ઈંચ વરસાદ નોંધાયો છે.
ભારે વરસાદને કારણે ડાંગ જિલ્લાના 47 માર્ગો પર ટ્રાફિક બંધ કરાયો છે. વધઈ-સાપુતારા સ્ટેટ હાઈવે પર વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો છે. ગુજરાત અને મહારાષ્ટ્રને જોડતો વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો છે.
ડાંગ જિલ્લામાં કલેક્ટરે તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાની જાહેરાત કરી છે. તેની સાથે જ નદી-નાળા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા તેમજ તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.