PM મોદીના 25 વર્ષના જાહેર જીવનની ઉજવણી, જન્મદિન 17 સપ્ટેમ્બરથી BJPનું ‘મોદી @25’ સેવા સંકલ્પ અભિયાન
વડાપ્રધાન મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરથી શરૂ થનારા આ અભિયાનમાં સેવા, સંવાદ અને વિકાસને કેન્દ્રમાં રાખીને વિવિધ 13 કાર્યક્રમો યોજવામાં આવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભાજપ દ્વારા દેશભરમાં એક મહિના સુધી ‘મોદી @25’ અંતર્ગત ‘સેવા સંકલ્પ અભિયાન’ યોજવામાં આવશે. વડાપ્રધાન મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરથી શરૂ થનારા આ અભિયાનમાં સેવા, સંવાદ અને વિકાસને કેન્દ્રમાં રાખીને વિવિધ 13 કાર્યક્રમો યોજવામાં આવશે.
ભાજપના જણાવ્યા પ્રમાણે, આ સમગ્ર અભિયાનનો હેતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના જાહેર જીવન, તેમના નેતૃત્વમાં થયેલા વિકાસકાર્યો અને જનકલ્યાણકારી યોજનાઓની માહિતી જન-જન સુધી પહોંચાડવાનો છે.
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત દેશભરમાં કુલ 13 અલગ-અલગ કાર્યક્રમો યોજાશે. તેમાં ‘આશીર્વાદ નો દીવડો’, ‘25 કરોડ ચિલ્ડ્રન્સ ડ્રીમ્સનું ભારત’, ‘નમો સેવા ગાથા’, ‘આંગન કા ઉત્સવ’, ‘કહાની બદલાવ કી’ અને ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ જેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ‘સેવા જ્યોતિ યાત્રા’, ‘વડનગરથી વારાણસી’, ‘સેવા મારું યોગદાન’, ‘સેવા સેતુ અભિયાન—સરકાર તમારા દ્વારે’, ‘રંગોળી રાષ્ટ્ર’, ‘નેશનલ ઈનોવેશન ચેલેન્જ’ અને ‘જનસેવક મહાકુંભઃ પંચાયતથી સંસદ સુધી’ જેવા કાર્યક્રમો પણ યોજાશે. ‘વડનગરથી વારાણસી’ કાર્યક્રમ અંતર્ગત બાઈક યાત્રાનું આયોજન કરવામાં આવશે. વડનગરથી વારાણસી સુધીની આ યાત્રા વડાપ્રધાન મોદીના જાહેર જીવનની સફર અને તેમના સાથે જોડાયેલા મહત્વના પડાવોને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ રહેશે.
અભિયાન દરમિયાન દર શુક્રવારે દેશના તમામ જિલ્લાઓમાં જન કલ્યાણ અને જન સંવાદની ગતિવિધિઓ યોજવામાં આવશે. આ સાથે તમામ જિલ્લાઓમાં વિકાસ પુસ્તિકાઓ તૈયાર કરીને જન-જન સુધી પહોંચાડવામાં આવશે. આ પુસ્તિકાઓમાં સરકારની વિવિધ યોજનાઓ, વિકાસકાર્યો અને લાભાર્થીઓને મળેલા લાભોની માહિતી રજૂ કરવામાં આવશે. 17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં દીવડાઓ પ્રગટાવવામાં આવશે. ઉજ્જૈનની જેમ અમદાવાદ સહિત દેશના વિવિધ રાજ્યોના મહાનગરોમાં પણ ‘આશીર્વાદ નો દીવડો’ કાર્યક્રમ અંતર્ગત દીવડા પ્રગટાવીને ઉજવણી કરવામાં આવશે. આ ઉપરાંત નર્મદા યોજના સહિતની વિવિધ વિકાસ યોજનાઓથી લોકોના જીવનમાં આવેલા પરિવર્તનને પણ અભિયાનનો ભાગ બનાવવામાં આવશે. જ્યાં સરકારી યોજનાઓના કારણે લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું છે ત્યાં લાભાર્થીઓ સાથે સંવાદ અને વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે.
ગુજરાતમાં પણ સંગઠનાત્મક તૈયારીઓ તેજ
આ સમગ્ર અભિયાનને લઈને આજે અમદાવાદના કમલમ ખાતે ભાજપના પ્રભારી તરુણ ચુઘની અધ્યક્ષતામાં મહત્વની બેઠક યોજાઈ રહી છે. ગુજરાતના પ્રભારી તરીકે આ તેમનો પ્રથમ પ્રવાસ હોવાથી બેઠકને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
બેઠકમાં જિલ્લા અને મહાનગરપાલિકાના પ્રભારીઓ સાથે ચર્ચા કરવામાં આવશે. પ્રભારીઓ દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલા સંગઠનાત્મક કાર્યોનો ગ્રોથ રિપોર્ટ પણ રજૂ કરવામાં આવશે. ત્યારબાદ બપોર બાદ ભાજપના વિવિધ મોરચાના હોદ્દેદારો સાથે પણ બેઠક યોજાશે.
ભાજપ મહામંત્રી પ્રશાંત કોરાટે જણાવ્યું હતું કે, PM મોદીના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા સેવા સંકલ્પ અભિયાન યોજવામાં આવશે. આ અભિયાન અંતર્ગત દેશભરમાં 13 પ્રકારના કાર્યક્રમો યોજાશે અને PM મોદીના 25 વર્ષના જાહેર જીવન તથા જનકલ્યાણના કાર્યોને લોકો સુધી પહોંચાડવામાં આવશે.
પ્રશાંત કોરાટે વધુમાં જણાવ્યું કે, વડનગરથી વારાણસી સુધી બાઈક યાત્રા, વિવિધ સ્થળોએ દીવડા પ્રગટાવવાના કાર્યક્રમો, જન સંવાદ, વિકાસ પુસ્તિકાનું વિતરણ તેમજ સરકારની યોજનાઓથી લાભાન્વિત થયેલા લોકો સાથે સંવાદ જેવા કાર્યક્રમો દ્વારા અભિયાનને વ્યાપક બનાવવામાં આવશે.
આમ, 17 સપ્ટેમ્બરથી શરૂ થઈને એક મહિના સુધી ચાલનારા ‘મોદી @25’ અભિયાનમાં 13 અલગ-અલગ કાર્યક્રમો દ્વારા સેવા, સંવાદ, વિકાસ અને જનભાગીદારીનો સંદેશ લોકો સુધી પહોંચાડવાની ભાજપે તૈયારી કરી છે.