સુરત સિવિલમાં રેગિંગ ગેંગની લીડર ડૉ. દીક્ષિતા ધેવરીયાની દાદાગીરી, "અમે બોસ, તમે અમારા નોકર"
ડૉ. હર્ષ પંડયા આપઘાત કેસમાં તપાસના આધારે 4 સિનિયર રેસિડેન્ટ ડોક્ટરોને 6 માસ માટે સસ્પેન્ડ કરાય છે. આ સાથે 4 ફેકલ્ટીને કારણ બતાવો નોટિસ પણ ફટકારાઈ છે
સુરત નવી સિવિલ હોસ્પિટલની હોસ્ટેલમાં 30 વર્ષીય રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડયાના આપઘાત કેસમાં એન્ટી રેગિંગ કમિટીના પ્રાથમિક અહેવાલ અને તપાસના આધારે 4 સિનિયર રેસિડેન્ટ ડોક્ટરોને 6 માસ માટે સસ્પેન્ડ કરાય છે. આ સાથે 4 ફેકલ્ટીને કારણ બતાવો નોટિસ પણ ફટકારાઈ છે.
આ સમગ્ર રેગિંગ ગેંગની મુક્ય સૂત્રધાર સિનિયર મહિલા તબીબ ડૉ. દીક્ષિતા ધેવરીયા હોવાનો ખુલાસો થયો છે. તે અન્ય સીનિયરો સાથે મળીને પહેલા વર્ષના 10 રેસિડેન્ટ ડોક્ટરો પર સતત માનસિક ત્રાસ ગુજરાતી હતી. ડૉ. દીક્ષિતા ઘેવરિયા સૌથી વધુ ઝેરીલી માનસિકતા ધરાવતી હોવાનો આક્ષેપ થયો છે.
રેગિંગ દરમિયાન જૂનિયર તબીબોને એમ કહીને ત્રાસ અપાતો કે અમે તમારા બોસ છીએ, તમે અમારા નોકર છો. મેડમ બોલાવે એટલે ગમે તે કામ છોડીને તાત્કાલિક આવવું પડશે. પહેલા જ દિવસથી કેમ બધું કામ આવડતું નથી? કલાકો સુધી ઉભા રાખીને વર્બલ એબ્યુઝ અને માનસિક ત્રાસ પણ અપાતો હતો.
ડૉ. હર્ષ પંડયાના આપઘાતની ઘટનાના બે દિવસ પહેલા જૂનિયર ડોક્ટરોએ વિભાગના એચઓડી ડૉ. સુમૈયા મુલ્લાને માનસિક ત્રાસ અંગે રજૂઆત કરી હતી. પણ કોઈ તાત્કાલિક પગલા લેવાયા ન હતા. સોમવારે તમામ જૂનિયરો ડીન પાસે ફરિયાદ લઈને જવાના હતા. પણ તેના પહેલા જ ડૉ. હર્ષ પંડયાએ આપઘાતનું અત્યાંતિક પગલું ભર્યું હતું.
ઘટનાના 24 કલાક બાદ પણ પોલીસને સીસીટીવી ફૂટેજ આપવામાં તંત્ર દ્વારા આંખ આડા કાન થઈ રહ્યા છે. મેન્ટેનન્સના બહાને હોસ્ટેલ અને માઈક્રોબાયોલોજી વિભાગના સર્વર બંધ હોવાનું લખાણ લેવાતાં પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
જે ચાર તબીબોને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. તેમાં ડૉ. સુમૈયા મુલ્લાનો સમાવેશ થાય છે કે જેઓ હર્ષનું સરેઆમ રેગિંગ થતું હતું, ત્યારે એચઓડી તરીકે કોઈ કાર્યવાહી કરી નથી. ડૉ. સંગીતા રાજદેવ ઓસોસિયેટ પ્રોફેસર છે અને રેગિંગના મુદ્દે ધ્યાન નહીં આપવા બદલ તેમને પણ કારણદર્શક નોટિસ મળી છે. આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. યોગિતાને વિદ્યાર્થીનું રેગિંગ થઈ રહ્યું હોવા બાબતે ધ્યાન નહીં રાખવાને કારણે કારણ બતાવો નોટિસ અપાઈ છે. આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. લતિકા શાહને પણ આ મામલે શૉ કૉઝ નોટિસ આપવામાં આવી છે.
મૃતક ડૉ. હર્ષ પંડયા શાંત અને સભ્ય સ્વભાવના વ્યક્તિ હતા. તેમણે ફિલિપિન્સથી એમબીબીએસ કર્યા બાદ નીટ-પીજી પાસ કરીને માઈક્રોબાયોલોજીમાં પ્રવેશ મેળવ્યો હતો. આપઘાતના એક દિવસ પહેલા જ તેમણે પોતાના સાથી તબીબને કહ્યુ હતુ કે જો 40 લાખ રૂપિયાનો બોન્ડ ભરવાનો ન હોત, તો તેમણે ક્યારનોય ડિપાર્ટમેન્ટ છોડી દીધો હોત.
સરકારી નિયમ મુજબ PG વચ્ચેથી છોડવા પર 40 લાખનો દંડ હોવાથી તેઓ આર્થિક અને માનસિક દબાણ વચ્ચે ઘૂંટાતા હતા. ઉલ્લેખનીય છે કે, સિવિલ કેમ્પસમાં છેલ્લા 7 વર્ષમાં રેગિંગ અને માનસિક ત્રાસના કારણે કુલ 4 રેસિડેન્ટ ડોક્ટરો આપઘાત કરી ચૂક્યા છે.