સોમનાથ મંદિર પાસે મધરાતે ડિમોલિશન હાથ ધરાયું, ફારસી શિલાલેખ તોડી પાડવા મામલે સૂચક મૌન
અનધિકૃત બાંધકામો દૂર કરવામાં આવ્યા બાદ અહીં હવે કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. તે વખતે રક્ષિત સ્મારક કોના આદેશથી તોડવામાં આવ્યું તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે તંત્ર તરફથી સૂચક મૌન ધરવામાં આવ્યું છે
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિર નજીક ગત મધરાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્ર દ્વારા મેગા ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી. જો કે આખી કાર્યવાહીમાં સ્થળ પર રહેલા પુરાતત્ત્વ વિભાગ દ્વારા રક્ષિત જાહેર કરાયેલા ફારસી શિલાલેખની હાલની સ્થિતિને લઈને સવાલો ઉઠયા છે.
અનધિકૃત બાંધકામો દૂર કરવામાં આવ્યા બાદ અહીં હવે કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. તે વખતે રક્ષિત સ્મારક કોના આદેશથી તોડવામાં આવ્યું તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે તંત્ર તરફથી સૂચક મૌન ધરવામાં આવ્યું છે.

અહીં ગુજરાત રાજ્ય પુરાતત્ત્વ વિભાગ દ્વારા લગાવવામાં આવેલું બોર્ડ પણ હતું. તેના પર ફારસી શિલાલેખ અંગેની માહિતી આપવામાં આવી હતી. અહીં ગાજી સુલતાન અહેમદ કાદરી મસ્જિદમાં ફારસી લિપિમાં કોતરાયેલો શિલાલેખ આવેલો હતો. તેમા સુલ્તાન અહમદશાહ બિન મહમ્મદશાહ સમયમાં અબુલફતાએ આ મસ્જિદ બનાવી હોવાની હકીકતનો ઉલ્લેખ હોવાનું જણાવાયું હતું.
અહીં જૂનાગઢ સ્ટેટના એનશન્ટ મોન્યુમેન્ટ સંબંધિત કાયદાનો ઉલ્લેખ કરતું બોર્ડ પણ હતું. જેમાં શિલાલેખને નુકશાન પહોંચાડનાર, તેને બડોળ બનાવનાર અથવા મૂળ સ્થાનેથી હટાવનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર ઠરવાની જોગવાઈ પણ દર્શાવવામાં આવી હતી.
ત્યારે પ્રશ્ન ઉઠાવાય રહેયો છે કે રક્ષિત જાહેર કરાયેલા શિલાલેખની હાલની સ્થિતિ શું છે, તેને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યો છે કે ડિમોલિશન દરમિયાન તેને કોઈ નુકશાન થયું છે, તે અંગે હજી સુધી જવાબદાર તંત્ર દ્વારા કોઈ સ્પષ્ટતા કરાઈ નથી.
તંત્રનો દાવો છે કે સોમનાથ કોરિડોર હેઠળ સરકારે વેચાણથી મેળવેલી મિલ્કતોનું જ ડિમોલિશન કરાઈ રહ્યું છે. જો કે આ અંગે વિગતવાર સત્તાવાર જાણકારી જાહેર કરાઈ નથી.