ગુજરાત ભાજપના પ્રભારી પદે તરુણ ચુઘને જવાબદારી, યુપીમાં વિનોદ તાવડે પ્રભારી-જગદીશ પટેલ સહ-પ્રભારી
પંજાબમાં પણ વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે પંજાબ ભાજપના પ્રભારી તરીકેની જવાબદારી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અને રાજયસભાના સાંસદ ડૉ. સતીષ પુનિયાને સોંપવામાં આવી છે
ભાજપે ત્રણ મહત્ત્વના રાજ્યોમાં પોતાના સંગઠનને મજબૂત કરવા માટે પ્રદેશ પ્રભારીઓની નિયુક્તિ કરી છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને ઉત્તર પ્રદેશ, પંજાબ અને ગુજરાતના નવા પ્રભારીઓ અને સહપ્રભારીઓની નિયુક્તિની ઘોષણા કરી છે.
ઉત્તર પ્રદેશમાં 2027માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તેના પહેલા યુપી ભાજપના પ્રભારી પદે પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેને પદભાર સોંપવામાં આવ્યો છે. જ્યારે ગુજરાતના જગદીશ ઈશ્વરભાઈ પટેલને ઉત્તર પ્રદેશ ભાજપના સહ-પ્રભારી પદે નિયુક્ત કરવામાં આવ્યા છે. જગદીશ પટેલ ભાજપના રાષ્ટ્રીય સચિવ છે.
જ્યારે ગુજરાતમાં પણ આવતા વર્ષના આખરમાં વિધાનસભાની ચૂંટણીઓ છે અને ગુજરાત ભાજપના પ્રભારી તરીકે ભાજપના રાજ્યસભાના સાંસદ તરુણ ચુઘને જવાબદારી સોંપવામાં આવી છે.
પંજાબમાં પણ વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે પંજાબ ભાજપના પ્રભારી તરીકેની જવાબદારી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અને રાજયસભાના સાંસદ ડૉ. સતીષ પુનિયાને સોંપવામાં આવી છે.
ભાજપ તરફથી જાહેર કરવામાં આવેલા પ્રેસ નિવેદન મુજબ, આ તમામ નિયુક્તિઓ તાત્કાલિક અસરથી લાગુ થશે.
ભાજપે ઉત્તરપ્રદેશ જેવા મહત્ત્વપૂર્ણ રાજનીતિક રાજ્યની જવાબદારી વિનોદ તાવડેને સોંપી છે. તાવડે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ હોવાની સાથેસાથે રાજ્યસભાના સાંસદ પણ છે. તેમની સાથે જગદીશ ઈશ્વરભાઈ પટેલને સહ-પ્રભારી બનાવવામાં આવ્યા છે. તેઓ ભાજપના રાષ્ટ્રીય સચિવ છે.
ભાજપના પ્રેસ નિવેદન મુજબ, પંજાબમાં માત્ર પ્રદેશ પ્રભારીની નિયુક્તિનો ઉલ્લેખ છે. અહીં સહ-પ્રભારીના નામની ઘોષણા કરવામાં આવી નથી. પંજાબ ભાજપના પ્રભારી તરીકે ડૉ. સતીષ પુનિયાને જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને રાજ્યસભાના સાંસદ છે.
ભાજપ રાષ્ટ્રીય કાર્યાલય પ્રભારીની જવાબદારી સંભાળી રહેલા તરુણ ચુઘ રાજ્યસભાના સાંસદ છે અને તેમને ગુજરાત જેવા મહત્ત્વપૂર્ણ રાજ્યમાં ભાજપ પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપના કેન્દ્રીય કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલા પ્રેસ નિવેદન પર તરુણ ચુઘના હસ્તાક્ષર છે.
મહત્ત્વપૂર્ણ છે કે આ પ્રદેશ પ્રભારીઓની નિયુક્તિના એક દિવસ પહેલા 17 ઓગસ્ટે ભાજપના અધ્યક્ષ નીતિન નવીને પોતાની નવી રાષ્ટ્રીય ટીમની જાહેરાત કરી હતી. નવી ટીમમાં ઘણાં અનુભવી નેતાઓની સાથે નવા ચહેરાઓને મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી છે. વસુંધરા રાજે, રામ માધવ અને સ્મૃતિ ઈરાની જેવા મુખ્ય નેતાઓને સંગઠનમાં મહત્ત્વની ભૂમિકા મળી છે.
જ્યારે પિયૂષ ગોયલને રાષ્ટ્રીય ખજાનચી અને બી. એલ. સંતોષને રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી તરીકેની જવાબદારી અપાય છે. પાર્ટીની નવી ટીમને સંગઠનાત્મક અનુભવ, યુવા ઊર્જા અને જીમીન જોડાણના મિશ્રણ તરીકે રજૂ કરવામાં આવી છે.