રાજસ્થાન: ચુરુ જિલ્લાના સુજાનગઢની હોસ્પિટલમાં છતનું પ્લાસ્ટર મહિલાના માથે પડયું, જુઓ Video
દુર્ઘટનાની જાણ પીડબ્લ્યૂડી વિભાગને કરવામાં આવી છે. જેથી ક્ષતિગ્રસ્ત હિસ્સાઓનું નિરીક્ષણ કરીને જલ્દીથી સમારકામ કરાવી શકાય. સ્થાનિકોનું કહેવું છે કે હોસ્પિટલમાં દરરોજ મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો સારવાર માટે આવે છે
રાજસ્થાનના ચુરુ જિલ્લાના સુજાનગઢ ખાતે ફતેહપુરિયા મહિલા હોસ્પિટલમાં મોટી દુર્ઘટના સહેજમાં ટળી છે. હોસ્પિટલની પરસાળમાં છતનું પ્લાસ્ટર અને સીલિંગનો હિસ્સો અચાનક તૂટીને નીચે પડયો છે. આ દુર્ઘટના સમયે એક મહિલા ત્યાંથી પસાર થઈ રહી હતી, તેના માથા પર પ્લાસ્ટર પડતા તે ઘાયલ થઈ છે. આ દુર્ઘટનાના સીસીટીવી ફૂટેજનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં પ્લાસ્ટર પડવાથી મહિલા જમીન પર પડી જાય છે અને થોડીવાર બાદ ઉઠવાની કોશિશ કરતી જોવા મળે છે.
આ ઘાયલ મહિલાની ઓળખ કિરણ તરીકે થઈ છે અને હોસ્પિટલ પ્રશાસન પ્રમાણે મહિલાના માથા પર ઈજા થઈ છે અને તેને બે ટાંકા પણ આવ્યા છે. પ્રાથમિક ઉપચાર બાદ તેની સ્થિતિ ખતરાથી બહાર હોવાનું જણાવાયું છે. હોસ્પિટલની એમસીએચ વિંગના પ્રભારી ડૉ. બંશીધર બલાઈએ કહ્યુ છે કે હોસ્પિટલ ભવન ઘણું જૂનું થઈ ચુક્યું છે. ચોમાસામાં ઘણાં હિસ્સાઓમાં ભેજ અને પ્લાસ્ટર પડવાની સમસ્યા વધી છે. તેમણે કહ્યુ છે કે દુર્ઘટના બાદ મહિલાનો તાત્કાલિક ઉપચાર કરવામાં આવ્યો અને હાલ તેની સ્થિતિ સામાન્ય છે.
ડૉ. બલાઈએ કહ્યુ કે હોસ્પિટલના જર્જર હિસ્સાનું સમારકામ કરવા માટે ઘણીવાર હોસ્પિટલ પ્રશાસન તરફથી પીએમઓનને પત્ર લખવામાં આવ્યો હતો. પરંતુ સમય પર સમારકામ નહીં થવાને કારણે આ દુર્ઘટના બની છે. તેમણે કહ્યુ છે કે હોસ્પિટલમાં દરરોજ સેંકડો મહિલાઓ અને બાળકો સારવાર માટે આવે છે, માટે ઈમારતનું સમારકામ જલદી કરાવવું બેહદ જરૂરી છે. ઘટના બાદ હોસ્પિટલ પ્રશાસને દર્દીઓ અને તેમના પરિવારજનોને અપીલ કરી છે કે વરસાદ દરમિયાન હોસ્પિટલ પરિસરમાં સાવધાની રાખવી અને જર્જર દેખાતા હિસ્સાની આસપાસ બિનજરૂરી રીતે ઉભા ન રહેવું. પ્રશાસને કહ્યું છે કે સુરક્ષાને જોતા જરૂરી પગલા ઉઠાવાય રહ્યા છે.
આ દુર્ઘટનાની જાણ પીડબ્લ્યૂડી વિભાગને કરવામાં આવી છે. જેથી ક્ષતિગ્રસ્ત હિસ્સાઓનું નિરીક્ષણ કરીને જલ્દીથી સમારકામ કરાવી શકાય. સ્થાનિકોનું કહેવું છે કે હોસ્પિટલમાં દરરોજ મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો સારવાર માટે આવે છે. તેવામાં જો સમય રહેતા ઈમારતનું સમારકામ નહીં કરાવવામાં આવે, તો ભવિષ્યમાં આનાથી પણ મોટી દુર્ઘટના થઈ શકે છે. હાલ પ્રશાસન આખા મામલાની સમીક્ષા કરી રહ્યું છે અને હોસ્પિટલ ભવનની સુરક્ષા વ્યવસ્થાને લઈને જરૂરી પગલા ભરી રહ્યું છે.