સુરત: હિટ એન્ડ રનમાં મેડિકલ સ્ટુડન્ટ સ્નેહા ઘોરીનું મૃત્યુ, પીઠ પર કારનું ટાયર ફરી વળ્યું
બનાવ અંગે ખટોદરા પોલીસ મથકે પિતા પ્રકાશભાઈની ફરિયાદના આધારે અજાણ્યા કારચાલક વિરુદ્ધ ગુનાહિત બેદરકારી અને હિટ એન્ડ રનનો ગુનો નોંધીને તપાસ કરી રહી છે
ગુજરાતમાં બેફામ વાહનચાલકોનો કેર વધી રહ્યો છે. વડોદરામાં તાજેતરમાં આવી કેટલીક ઘટનાઓ સામે આવી છે. તો હવે સુરતમાં સિવિલ હોસ્પિટલ નજીકના બ્રિજ પર પાછળથી પુરપાટ આવી રહેલી કારે ટક્કર મારીને મેડિકલ સ્ટુડન્ટ સ્નેહા ઘોરીનું મોત નીપજાવ્યું છે.
22 વર્ષીય સ્નેહા ધોરી સાયકોલોજીમાં માસ્ટરનો અભ્યાસ કરતી હતી. તે બોમ્બે માર્કેટ નજીકની નવજીવન સોસાયટીના પોતાના ઘરેથી ઈલેક્ટ્રિક મોપેડ લઈને કોલેજ જવા માટે નીકળી હતી. સ્નેહાના પિતા પ્રકાશભાઈ ધોરી એમ્બ્રોયડરીનું કારખાનું ચલાવે છે.
હિટ એન્ડ રનની ઘટનામાં ગંભીરપણે ઘવાયેલી સ્નેહાને કાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ટૂંકી સારવાર બાદ તેણે દમ તોડયો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટના તથ્યો મુજબ, ટક્કર બાદ કારનું ટાયર સ્નેહાની પીઠ પર ફરી વળ્યું હતું. જેના કારણે તેના ઈન્ટરનલ ઓર્ગન્સને ગંભીર નુકશાન પહોંચ્યું હતું અને શરીરમાં મોટા પાયે ઈન્ટરનલ બ્લીડિંગ થવાથી તેનો જીવ બચાવી શકાયો નહીં.
માસૂમ પુત્રીના અચાનક નિધનથી ધોરી પરિવાર શોકમાં ડૂબી ગયો છે. બનાવ અંગે ખટોદરા પોલીસ મથકે પિતા પ્રકાશભાઈની ફરિયાદના આધારે અજાણ્યા કારચાલક વિરુદ્ધ ગુનાહિત બેદરકારી અને હિટ એન્ડ રનનો ગુનો નોંધીને તપાસ કરી રહી છે. હાલ પોલીસે સિવિલ બ્રિજ અને આસપાસના સીસીટીવી ફૂટેજ સ્કેન કરીને ફરાર વાહનચાલકી શોધખોળ તેજ કરી છે.