સુરતની હલધરૂ ગ્રામ પંચાયતના તલાટી અને કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતા ઝડપાયા
સુરત ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશનને આધારભૂત અને ચોક્કસ માહિતી મળી હતી કે હલધરુ ગ્રામ પંચાયતના અધિકારી કર્મચારીઓ દ્વારા નવા બાંધકામ કરાવવા માટે રહેણાંક મકાનોની સરકારી આકરણી કરવાની અવેજમાં 7000થી લઈને 14000 સુધીની મોટી લાંચની માગણી કરાય છે.
સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં આવેલી મોજે હલધરુ ગ્રામ પંચાયતની ઓફિસમાં એન્ટી કરપ્શન બ્યૂરો દ્વારા છટકું ગોઠવીને ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરાયો છે. મકાનોની વહવટી આકારણીના બહાને લોકો પાસેથી લાંચની માગણી કરતા હલધરુ ગ્રામ પંયાયતના તલાટી કમ મંત્રી (વર્ગ-3) ભરતભાઈ બચુભાઈ વાળા અને કોન્ટ્રાક્ટ આધારીત કોમ્પ્યુટર ઓપરેટર નિખીલભાઈ સંજયભાઈ ભાલિયાને 7500 રૂપિયાની લાંચ સ્વીકારતા એસીબીની ટીમે ગ્રામ પંચાયતની ઓફિસમાં રંગેહાથ ઝડપી પાડયા છે.
સુરત ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશનને આધારભૂત અને ચોક્કસ માહિતી મળી હતી કે હલધરુ ગ્રામ પંચાયતના અધિકારી કર્મચારીઓ દ્વારા નવા બાંધકામ કરાવવા માટે રહેણાંક મકાનોની સરકારી આકરણી કરવાની અવેજમાં 7000થી લઈને 14000 સુધીની મોટી લાંચની માગણી કરાય છે. આને લઈને એક છટકું ગોઠવવામાં આવ્યું હતું.
આ છટકાંમાં કાયદાકીય પ્રક્રિયામાં સહકાર આપનાર નાગરિકનો સક્રિય સહયોગ લેવામાં આવ્યો હતો. જ્યારે પંચાયત કચેરીમાં આયોજન મુજબ જ્યારે પ્રક્રિયા હાથ ધરાઈ, ત્યારે લાંચિયા તલાટી કમ મંત્રી ભરત વાળા અને કોમ્પ્યુટર ઓપરેટર નિખીલ ભાલિયાએ સહકાર આપનાર વ્યક્તિ સાથે મકાનની આકારણી કરવા બાબતે હેતુલક્ષી અને વહીવટીય વાતચીત કરી હતી. બંને આરોપીઓએ મિલીભકત કરીને નવા બાંધકામના રહેણાંક મકાનની આકારણી મંજૂરીના બદલામાં 7500 રૂપિયાની લાંચની માગણી કરી અને તે રકમ સ્થળ પર જ સ્વીકારી હતી. લાંચની રકમ સ્વીકારતી વખતે જ એસીબીની ટીમે બંનેને રંગેહાથ ઝડપી પાડયા હતા.
આ કાર્યવાહી વડોદરા એસીબીની કચેરીના નાયબ નિયામક બળદેવ દેસાઈના માર્ગદર્શન હેઠળ એસીબી સુરત એકમનના મદદનીશ નિયાકમ આર. આર. ચૌધરીના સીધા સુપરવિઝન હેઠળ કરવામાં આવી હતી. આ ઓપરેશનમાં સુરત ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશનના પીઆઈ એસ. ડી. ધોબી અને તેમની એસીબી ટીમે સફળતાપૂર્વક બંને લાંચિયાઓને ઝડપી પાડયા હતા.