શું સોનિયા ગાંધીએ કાર્યકરોને વંદેમાતરમ ગાતા રોક્યા? ભાજપના આક્ષેપ પર કૉંગ્રેસનો આવ્યો જવાબ
ભાજપના નેતા અમિત માલવીયે પણ આના પર સવાલ ઉઠાવ્યો છે અને કહ્યુ છે કે વંદેમાતરમના પ્રારંભિક છંદ ગાયા બાદ, સોનિયા ગાંધીએ આ ગીતને રોકવાની કોશિશ કરી
ભારતનો આજે 80મો સ્વતંત્રતા દિવસ છે. આજ સુધી વંદેમાતરમના 6 અંતરામાંથી માત્ર 2 અંતરા જ ગાવામાં આવતા હતા. પરંતુ 2026માં ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નવા પ્રોટોકોલ મુજબ વંદેમાતરના 6 અંતરા ગાવાની વાત કહેવામાં આવી છે. કોંગ્રેસ મુખ્યમથકમાં પણ શનિવારે તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે વંદેમાતરમ ગાવામામં આવ્યું. પરંતુ તેને લઈને કેટલાક સવાલો ઉભા થઈ રહ્યા છે.
ભાજપના પ્રવક્તા આર. પી. સિંહે સવાલ ઉઠાવ્યો છે. તેમણે સોનિયા ગાંધી પર વંદેમાતરમને રોકવા માટે કહેવામાં આવ્યું હોવાનો આરોપ લગાવ્યો છે. ભાજપના પ્રવક્તા આર. પી. સિંહે એક્સ પોસ્ટમાં કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યુ છે કે જ્યારે વંદેમાતર ગાવામાં આવી રહ્યું હતું, ત્યારે સોનિયા ગાંધી કથિતપણે એટલા નારાજ થઈ ગયા કે તેમણે પાર્ટી કાર્યકરોને તેને રોકવા માટે જણાવ્યું. આર. પી. સિંહે સોનિયા ગાંધીને સવાલ કર્યો છે કે વંદેમાતરમથી તેમને આટલી નફરત કેમ છે.
જો કે તેને લઈને કોંગ્રેસના નેતાએ સ્પષ્ટ કરી દીધું છે કે વંદેમાતરમ દરમિયાન કોઈપણ વ્યવધાન થયું ન હતું. કોંગ્રેસના નેતા જયરામ રમેશે સ્પષ્ટ કહ્યુ છે કે વંદેમાતરને લઈને કોઈ વિવાદ નથી.
તેમણે કહ્યુ કે વંદેમાતરમને લઈને ઓક્ટોબર 1937માં કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક યોજાઈ હતી. તેમાં ગાંધીજી, નેતાજી સુભાષચંદ્ર બોઝ, મૌલાના અબુલ કલામ આઝાદ, ચક્રવર્તી રાજગોપાલાચારી અને પંડિત જવાહરલાલ નહેરુ હાજર હતા. આ બેઠકમાં ગુરુદેવ રવિન્દ્રનાથ ટૈગોરની સલાહ પર તેમણે નિર્ણય કર્યો કે વંદેમાતરમ કોંગ્રેસ અધિવેશનોમાં ગાવામાં આવશે. ગુરુદેવ રવિન્દ્રનાથ ટૈગોરે આ સલાહ આપી હતી કે પહેલી પંક્તિઓનો ઉપયોગ કરવામાં આવે અને ત્યારથી કોંગ્રેસ અધિવેશનોમાં આપણા કાર્યકરો અને તમામ લોકો વંદમાતરમ ગાય છે. તેમાં કોઈ વાદવિવાદની વાત નથી.
કોંગ્રેસના નેતા પવન ખેડાએ પણ સ્પષ્ટતા કરતા કહ્યુ છે કે કોંગ્રેસ મુખ્યમથકમાં વંદેમાતરમ દરમિયાન કોઈ અડચણ પેદા થઈ નથી.
રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગહલોતે પણ સ્પષ્ટીકરણ આપતા કહ્યુ છે કે વંદેમાતરમને લઈને કોઈ વિવાદ નથી.
જ્યારે ભાજપના નેતા અમિત માલવીયે પણ આના પર સવાલ ઉઠાવ્યો છે અને કહ્યુ છે કે વંદેમાતરમના પ્રારંભિક છંદ ગાયા બાદ, સોનિયા ગાંધીએ આ ગીતને રોકવાની કોશિશ કરી. અમિત માલવીયે રાહુલ ગાંધી પર પણ ઈશારો કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યુ છે કે રાહુલ ગાંધીએ પણ આને બંધ કરવાનો ઈશારો કર્યો.