ધારની ભોજશાળા સાથેની જમીન પર નમાજની મંજૂરી, SC એ MP સરકારને કહ્યું-ધાર્મિક હક આપવો પણ તમારી ફરજ
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે મુસ્લિમ સમુદાયને નંબર 596 વાળી જમીન પર જે દરગાહ ભૂમિ તરીકે ચિન્હિત કરવામાં આવી છે- શુક્રવારે બપોરે 1થી 3 વાગ્યા સુધી નમાજ અદા કરવાની મંજૂરી આપી શકાય છે
મધ્યપ્રદેશના ધારની બહુચર્ચિત ભોજશાળા કેસમાંમાં સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશ સકરારને સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે શુક્રવારની નમાજ માટે મુસ્લિમ પક્ષને ભોજશાળા પરિસરની બિલ્કુલ બાજુમાં આવેલી જગ્યા ઉપલબ્ધ કરાવવામાં આવે.
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે મુસ્લિમ સમુદાયને નંબર 596 વાળી જમીન પર જે દરગાહ ભૂમિ તરીકે ચિન્હિત કરવામાં આવી છે- શુક્રવારે બપોરે 1થી 3 વાગ્યા સુધી નમાજ અદા કરવાની મંજૂરી આપી શકાય છે.
આ સ્થાન વિવાદીત પરિસરની બિલ્કુલ અડીને છે અને કોર્ટ પ્રમાણે નમાજ માટે સપૂર્ણપણે યોગ્ય પ્રતીત થાય છે. તેની સાથે જ મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્ય બાગચી અને જસ્ટિસ વી. મોહનાની ખંડપીઠે સ્પષ્ટ કર્યું છે કે જો બંને પક્ષો પરસ્પર સંમતિથી કોઈ અન્ય વૈકલ્પિક સ્થાનની પસંદગી કરે છે, તો તેના માટે પણ માર્ગ હંમેશા ખુલ્લો રહેશે. સુનાવણી દરમિયાન મુસ્લિમ પક્ષે સ્પષ્ટ કર્યું હતું કે અમને જે પણ જમીન મળે, ત્યાંથી મસ્જિદ સાફ દેખાવી જોઈએ.
ધાર્મિક હકોની સુરક્ષા રાજ્યનું કર્તવ્ય- સુપ્રીમ કોર્ટ
સુનાવણી દરમિયાન મધ્યપ્રદેશ સરકાર તરફથી રજૂ થયેલા અધિક સોલિસિટર જનરલ કે. એમ. નટરાજે તર્ક આપ્યો હતો કે એક રાજ્યના રૂપમાં સરકાર બંને પક્ષો વચ્ચે અધિકારોની લડાઈમાં પડવા માંગતી નથી અને તેનું ધ્યાન માત્ર કાયદો-વ્યવસ્થાને સંભાળવા પર છે.
આના પર સુપ્રીમ કોર્ટે આકરું વલણ અખત્યાર કરતા રાજ્ય સરકારોને તેની વાબદારી યાદ અપાવી હતી. જસ્ટિસ બાગચીએ સ્પષ્ટ કહ્યુ કે શાંતિ અને કાયદો વ્યવસ્થા જાળવી રાખવાની સાથેસાથે નાગરિકોના ધાર્મિક અધિકારોની સુરક્ષા કરવી પણ રાજ્યનું બંધારણીય દાયિત્વ છે. રાજ્ય પોતાની જવાબદારીથી પાછું હટી શકે નહીં.
મુસ્લિમ પક્ષે કહ્યું- જમીન મળે, ત્યાંથી મસ્જિદ સ્પષ્ટ દેખાવી જોઈએ
મુસ્લિમ પક્ષ તરફથી રજૂ થયેલા વરિષ્ઠ એડવોકેટ હુજૈફા અહમદીએ કોર્ટની સમક્ષ પોતાનો પક્ષ રાખતા કહ્યું કે સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશ છતાં સ્થાનિક પ્રશાસન તેમને નમાજ માટે ભોજશાળાની નજીક 1.3 કિલોમીટર દૂર સ્થાન આપી રહ્યું હતું, જે વ્યવહારિક નથી. તેમણે કોર્ટને ભાવુક અને સ્પષ્ટ અપીલ કરીને કહ્યુ કે મુસ્લિમ સમજાને જે પણ વૈકલ્પિક જમીન આપવામાં આવે, તે પરિસર પાસે હોય અને ત્યાંથી મસ્જિદ સ્પષ્ટ દેખાવી જોઈએ. અહમદીએ કોર્ટને અનુરોધ કર્યો કે સાઈટ પ્લાનમાં દરગાહ ભૂમિ તરીકે રજિસ્ટર ક્ષેત્રને જ શુક્રવારે નમાજ માટે નિર્ધારીત કરવામાં આવે, કારણ કે તે બિલ્કુલ અડીને છે અને તેનાથી કોઈને વાંધો હોવો જોઈએ નહીં.
હિંદુઓએ પૂજા શરૂ કરી અમને જમીન મળી નથી- હુજૈફા
સુનાવણી દરમિયાન વકીલ હુજૈફા અહમદીએ મીડિયા રિપોર્ટ્સને ટાંકીને વધુ એક ગંભીર મુદ્દો ઉઠાવ્યો. તેમણે કોર્ટને જણાવ્યું કે મુસ્લિમ પક્ષે પોતાના લોકોને મીડિયામાં નિવેદનબાજી કરવાની કડક મનાઈ કરી હતી, પરંતુ તેમ છતાં અન્ય પક્ષ તરફથી સતત એવા નિવેદનો આવી રહ્યા હતા કે નમાજ નહીં પઢવા દેવામાં આવે.
અહમદીએ કહ્યુ કે આ પ્રકારના નિવેદન તેમના અસીલોની અભિવ્યક્તિની આઝાદી અને મૂળભૂત અધિકારોની વિરુદ્ધ છે. તેમણે યાદ અપાવ્યું કે હિંદુ શ્રદ્ધાળુઓએ તો વચગાળાના આદેશ બાદ અલગ પ્રવેશ-નિકાસ દ્વારથી પૂજા દર્શન શરૂ કરી દીધા છે. પરંતુ મુસ્લિમ પક્ષને હજી સુધી કોર્ટેના આદેશ મુજબ યોગ્ય જમીન મળી શકી નથી.
ગૂગલ મેપથી સ્થિતિ સમજવામાં આવી
સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે સવાલ કર્યો કે શું આ ક્ષેત્રનો કોઈ સાઈટ પ્લાન અથવા નક્શો ઉપલબ્ધ છે. તો અહમદીએ ગૂગલ મેપ દ્વારા ભોજશાળા પરિસર, આસપાસની જમીનો અને વક્ફ જમીનોની પુરી ભૌગોલિક સ્થિતિ કોર્ટને દર્શાવી. જ્યારે મુસ્લિમ પક્ષે કેટલીક અન્ય જગ્યાઓનો વિકલ્પ સૂચવ્યો, તો મધ્ય પ્રદેશ સરકારના વકીલે કહ્યુ કે તેમાંથી કેટલીક જમીનો કોઈની અંગત મિલ્કત છે, વક્ફની નથી. આના પર કોર્ટે પણ માન્યું કે ખાનગી જમીન નમાજ માટે આપી શકાય નહીં. ત્યારે મુસ્લિમ પક્ષે સ્પષ્ટ કર્યું કે તેમને કોઈપણ એવી સરકારી કે વક્ફ જમીન આપવામાં આવે જ્યાંથી મસ્જિદ દેખાતી હોય.
જમીન ક્રમાંક 596-611 પર બની સંમત્તિ
તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે જમીન ક્રમાંક 596-611 વાળી જમીન કે જેને દરગાહ ભૂમિ કહેવામાં આવે છે, તેને સૌથી વ્યવહારિક સમાધાન માન્યું. ચીફ જસ્ટિસે નોટ કર્યું કે આ સ્થાનનો આવાગમનનો માર્ગ અલગ છે, જે હિંદુ શ્રદ્ધાળુઓના માર્ગથી બિલ્કુલ ટકરાશે નહીં. તેનાથી કાયદો-વ્યવસ્થાની કોઈ સમસ્યા પણ પેદા નહીં થાય. આખરે કોર્ટે આ સ્થાન પર બપોરે 1થી 3 સુધી નમાજની મંજૂરી આપતા પ્રશાસનને વ્યવસ્થા બનાવવાનો નિર્દેશ આપ્યો છે.