ચૂંટણી પહેલા ગરમાયો અનામતનો મુદ્દો, ભાજપ સામે 2024 વાળો બેવડો પડકાર
અનામત અને જાતિગત રાજનીતિનો મુદ્દો ભાજપ માટે બેહદ જટિલ છે. વિશ્લેષક આને પાર્ટી માટે એક તરફ કુવો અને બીજી તરફ ખાઈની સ્થિતિ માને છે
ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજબા, મણિપુર અને ગોવામાં આગામી વિધાનસભા ચૂંટણીઓના ગણગણાટ વચ્ચે અનામતનો મુદ્દો ફરી એકવાર કેન્દ્રીય રાજનીતિનું સેન્ટર પોઈન્ટ બની રહ્યો છે. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સહીત તમામ વિપક્ષી દળ જાતિગત વસ્તીગણતરીમાં ઓબીસી કોલમને જોડવા અને અનામતની મર્યાદાને વધારવાની તરફદારી કરી રહ્યા છે. સવર્ણ સમાજના લોકો અનામત વ્યવસ્થામાં સુધારો અને તેને સમાપ્ત કરવાની માગણીને લઈને સડકો પર ઉતરી આવ્યા છે. સવર્ણ વર્ગની આ વધતી નારાજગી ભાજપ માટે નવો રાજકીય પડકાર પેદા કરી રહી છે.
દેશની રાજધાની નવી દિલ્હીના જંતર-મંતર પર સવર્ણ યુવા અને સામાજિક સંગઠનો દ્વારા શરૂ કરવામાં આવેલા અનામત સુધાર સત્યાગ્રહનો મુદ્દો હવે રાષ્ટ્રીય સ્તરે ગરમાયો છે. અનામત વ્યવસ્થામાં બદલાવની માગણીને લઈને પ્રદર્શન કરી રહેલા હર્ષ દુબે અને તેના સાથીદારોએ ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકની સાથે મુલાકાત કરી છે. બ્રજેશ પાઠકે સરકાર તરફથી તેમની માગણીઓને કેન્દ્રીય નેતૃત્વ સુધી પહોંચાડવાનો ભરોસો આપ્યો છે.
નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકના આ પગલાં બાદ કોંગ્રેસ, સપા, બસપા અને ચંદ્રશેખર આઝાદના પક્ષોના વિપક્ષી નેતા ભાજપની સામે મોરચો ખોલી ચુક્યા છે. આ મુદ્દા પર ભાજપ માટે એક તરફ કુવો અને બીજી તરફ ખાઈ જેવી સ્થિતિ બની ગઈ છે. તેવામાં હવે સવાલ ઉઠવા લાગ્યો છે કે ક્યાંક અનામતની આ આંચથી ભાજપના હાથ બળી જાય નહીં.
દેશમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગને મળનારા એટલે કે અનુક્રમે એસસી, એસટી અને ઓબીસીના અનામતની વિરુદ્ધ દિલ્હીમાં સવર્ણ સમાજના લાકો સડકો પર ઉતર્યા અને જાતિગત અનામતને સમાપ્ત કરીને આર્થિક આધારે અનામત આપવાની માગણી ઉઠી છે. દેખાવકારોની માગણી છે કે એસસી-એસટી અનામતમાં ક્રીમી લેયરનો નિયમ લાગુ કરવામાં આવે અને હાલની અનામત વ્યવસ્થાની વ્યાપક સમીક્ષા કરવામાં આવે.
અનામતની સાથે-સાથે દેખાવકારો યુજીસી દ્વારા કોલેજ અને યુનિવર્સિટીઓના પરિસરમાં દલિત અને ઓબીસી વિદ્યાર્થીઓની સાથે થનારા ભેદભાવને રોકવા માટે લાવવામાં આવેલા નિયમોને પણ ખતમ કરવાની માગણી કરી રહ્યા છે. દિલ્હીના જંતર-મંતર બાદ લખનૌમાં પણ સવર્ણ સમાજના લોકોએ સડક પર ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યું. આના સંદર્ભે અનામત સુધાર આંદોલન સાથે જોડાયેલા લોકોએ બ્રજેશ પાઠકની સાથે મુલાકાત કરી, જેમણે તેમની માગણી કેન્દ્રીય નેતૃત્વ સુધી પહોંચાડવાનો ભરોસો આપ્યો.
અનામતમાં ફેરફાર અને તેને ખતમ કરવાનો મુદ્દો એવા સમયે ઉઠયો છે, જ્યારે ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબ સહીતના રાજ્યોમાં ચૂંટણીનો માહોલ આગળ વધી રહ્યો છે. આ રાજ્યોમાંથી ઘણાંમાં બીજેપીની સરકાર છે. પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે. તેવા માહોલમાં અનામતનો મુદ્દો ગરમાવો ભાજપ માટે એક મોટો રાજકીય પડકાર બની શકે છે.
સવર્ણ સમાજના લોકો જાતિ આધારીત વ્યવસ્થામાં પરિવર્તન અને આર્થિક આધાર જેવા વિકલ્પોની વકીલાત કરી રહ્યા છે. સરકાર તરફથી તેમની સાથે વાતચીત કરવાનું ભલે સંવાદની એક કોશિશ માનવામાં આવે, પરંતુ વિપક્ષી દળોએ આને ભાજપ દ્વારા અનામત ખતમ કરવાનું ષડયંત્ર ગણાવીને રાજકીય દાંવપેચ શરૂ કર્યો છે.
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યુ છે કે અનામત સુધારાના નામ પર અનામત સમાપ્ત કરવાની સાજિશ થઈ રહી છે. તેમણે આને પીડીએ એટલે કે પછાત, દલિત અને લઘુમતી સમુદાયોના અધિકારો સાથે સાંકળ્યું છે. તો બીએસપી પ્રમુખ માયાવતીએ પણ સવાલ ઉભા કર્યા છે. આઝાદ સમાજ પાર્ટીના ચંદ્રશેખર આઝાદે આને સામાજીક ન્યાય પર હુમલો ગણાવીને પડકાર ફેંક્યો છે કે ભારત સરકાર અને લખનૌ દરબારમાં બેઠેલા સત્તાધીશ એ વાત કાન ખોલીને સાંભળી લે કે અનામત વ્યવસ્થામાં કોઈપણ પ્રકારની છેડછાડ સહન કરવામાં નહીં આવે.
અનામતનો મુદ્દો ઐતિહાસિક રીતે ભાજપ માટે પડકારજનક સાબિત થઈ રહ્યો છે. 2024ના લોકસભા ઈલેક્શનમાં રાહુલ ગાંધીએ અનામત અને બંધારણના મુદ્દાને ઉઠાવીને ભાજપની ચૂંટણી વ્યૂહરચનાને પ્રભાવિત કરી હતી. વિપક્ષ સતત એ સંદેશ આપ્યો હતો કે જો ભાજપને 400થી વધુ બેઠકો મળશે, તો બંધારણ બદલાય જશે અને અનામત ખતરામાં પડી જશે. ભાજપે આ આરોપનું ખંડન કર્યું. પરંતુ ચૂંટણી પરિણામોમાં થયેલું નુકશાન સંપૂર્ણપણે ટાળી શકાયું નહીં. ઉત્તરપ્રદેશથી લઈને મહારાષ્ટ્ર સુધી પાર્ટીની બેઠકોમાં ઘટાડો જોવા મળ્યો હતો.
2024માં ભાજપને ઉત્તર પ્રદેશમાં 29 બેઠકોનું નુકશાન થયું. તો મહારાષ્ટ્રમાં પણ એનડીએની બેઠકો ઘટી ગઈ હતી. આ પ્રકારે હરિયાણામાં 5 બેઠકો ઘટી અને બિહારમાં પણ બેઠકો ઘટી હતી. સમાજવાદી પાર્ટી યુપીમાં 37 બેઠકો જીતવામાં સફળ રહી, જ્યારે કોંગ્રેસને દેશભરમાંથી (ગત ચૂંટણીની 47 બેઠકો હતી) 99 બેઠકો મળી હતી.
2024ની ચૂંટણી બાદ જ્યારે ભાજપે સમીક્ષા કરી, તો વિપક્ષ દ્વારા બનાવવામાં આવેલા બંધારણ અને અનામતના નરેટિવને તેનું મુખ્ય કારણ માનવામાં આવ્યું. જેનાથી દલિત અને ઓબીસી વોટ બેંક ખસી ગઈ હતી. તેના પહેલા 20-15માં બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા સંઘ પ્રમુખ મોહન ભાગવત દ્વારા અનામતની સમીક્ષા કરવાની વાત કહેવામાં આવી હતી અને તેનું પરિણામ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને રાજકીય નુકશાનથી ભોગવવું પડયું હતું.
અનામત અને જાતિગત રાજનીતિનો મુદ્દો ભાજપ માટે બેહદ જટિલ છે. વિશ્લેષક આને પાર્ટી માટે એક તરફ કુવો અને બીજી તરફ ખાઈની સ્થિતિ માને છે. ભાજપના મુખ્ય વૈચારિક આધાર એટલે એક એકીકૃત હિંદુ ઓળખ કે જેને હિંદુત્વ તરીકે ઓળખાવે છે, તેના હેઠળ સમાજને જોડવાનો છે. પરંતુ જાતિગત વસ્તીગણતરી અથવા જાતિગત વિભાજનના ઉભરવાથી આ એકીકૃત વોટબેંક જુદીજુદી જાતિઓમાં વહેંચાવાનું જોખમ બનેલું રહે છે.
ભાજપે ગત એક દશકમાં બિન-યાદવ ઓબીસી અને બિન-જાટવ દલિત વર્ગોને પોતાની સાથે જોડીને એક મોટો સામાજિક આધાર તૈયાર કર્યો હતો, જે 2024માં અનામત અને બંધારણના મુદ્દા પર વિખેરાતો જોવા મળ્યો. બીજી તરફ ભાજપની પરંપરાગત અને મજબૂત કોર વોટબેંક સવર્ણ સમાજ કે ઓપન કેટેગરીના લોકો રહ્યા છે. તેવામાં અનામતનો મુદ્દો ગરમાવા પર સવર્ણ જાતિઓની સાથે દલિત-ઓબીસી વર્ગને એકસાથે સાધી રાખવા પાર્ટી માટે આસાન નથી.