ટીમની જર્સી વાદળીમાંથી ભગવી થઈ, ઈન્ડિયન હૉકીના ભગવાકરણની કાગારોળ શરૂ થઈ
હોકી ઈન્ડિયાના અધ્યક્ષ દિલીપકુમાર તિર્કીએ કહ્યુ છે કે આ નિર્ણય ખેલાડીઓ, કેપ્ટનો, કોચ અને સપોર્ટ સ્ટાફના સૂચન પર લેવાયો. તેમણે કહ્યુ છેકે જો વર્લ્ડ કપ બાદ ખેલાડીઓને આ જર્સી પસંદ નથી આવતી, તો ભવિષ્યમાં તેને બદલી શકાય છે.
ભારતીય હૉકી ટીમની જર્સીનો રંગ રાજકીય વિવાદનું કારણ બન્યો છે. હોકી ઈન્ડિયાએ ભારતીય ટીમની જર્સીનો રંગનો વાદળીમાંથી ભગવો કર્યો છે. મેન ઈન બ્લૂ - કહેવાતી ટીમ હવે સેફ્રોન એટલે કે ભગવા રંગની જર્સીમાં જોવા મળશે.
હોકી ઈન્ડિયા દ્વારા નવી જર્સી જાહેર કરાયા બાદ વિપક્ષ દ્વારા સરકાર પર ભારતીય હોકીના ભગવાકરણનો આરોપ લગાવીને રાજકીય કાગારોળ શરૂ કરાઈ છે.
ભારતીય હોકી ટીમના પૂર્વ કેપ્ટને કહ્યુ- જર્સીનો રંગ બદલવો શર્મનાક
હોકી ટીમની જર્સીનો રંગ બદલવો ભારતના પૂર્વ કેપ્ટન વિરેન રાસ્કિન્હાએ શરમજનક ગણાવતા એક્સ પર પોસ્ટ કરી છે કે હોકી ઈન્ડિયાએ ઘણાં સારા કામ કર્યા છે, પરંતુ આ શર્મનાક છે. ભારતીય ટીમની ઓળખ અને વારસો હંમેશાથી વાદળી રંગ રહ્યો છે. મેં ઘણાં વર્ષો સુધી ગર્વથી વાદળી જર્સી પહેરી છે. ફેન્સ આપણી ભારતીય ટીમને વાદળી રંગમાં જોવા ચાહે છે. નારંગી રંગનું શું લોજિક છે?
ઈતિહાસ ફરીથી લખવાની કોશિશ- પ્રિયંકા ગાંધી
કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું છે કે ચાહે તે યૂનિફોર્મ બદલે અથવા શિક્ષણ નીતિ દ્વારા ઈતિહાસને ફરીથી લખવાની કોશિશ કરે, તે કંઈ પણ કરે, આ દેશના યુવાઓએ પોતાનો અભિપ્રાય સ્પષ્ટ કરી દીધો છે. તમે જોયું કે જંતર-મંતર પર એકઠા થયેલા યુવા શું કરી રહ્યા હતા, તે દેશનો અવાજ છે. ભારતની આઝાદીની લડાઈ અહિંસા અને સચ્ચાઈ પર આધારીત હતી અને તેમાં આરએસએસની કોઈ ભૂમિકા ન હતી. આખો દેશ આ સચ્ચાઈ જાણે છે, અને જે લોકો જાણતા નથી,તે પણ હવે તેમના ઈરાદાને સમજવા લાગ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ મહાત્મા ગાંધીના નેતૃત્વમાં આ આંદોલનનું સંચાલન કર્યું હતું અને આ દેશનો આત્મા અહિંસા, સચ્ચાઈ અને ભાઈચારામાં વસેલો છે.
જૂની જર્સી સાથે ભાવનાત્મક લગાવ- સમાજવાદી પાર્ટી
સમાજવાદી પાર્ટીના નેતા ઉદયવીર સિંહે કહ્યુ છે કે જે જર્સી પહેરીને ભારતીય ટીમ આટલા વર્ષો સુધી રમી છે, તેનાથી ભાવનાત્મક લગાવ થવો સ્વાભાવિક છે. જો કે હોકી ઈન્ડિયા ફેડરેશન આ પરિવર્તન પાછળનું કારણ જણાવી શકે છે.
કોંગ્રેસના સાંસદનો ભગવાકરણનો આરોપ
કોંગ્રેસના સાંસદ સુખદેવ ભગતે કહ્યુ કે ખેલને રાજનીતિથી દૂર રાખવો જોઈએ. તેમને ખેલથી મતલબ નથી. તેઓ દરેક સ્થાન પર ભગવાકરણ કરવા ચાહે છે . ખેલ અને રાજનીતિ બંને અલગ બાબતો છે.
આ લોકો વૃક્ષોને પણ ભગવા રંગથી રંગશે- આરજેડી
આરજેડીના સાંસદ સુધાકરસિંહે કહ્યુ છે કે આ લોકો માનસિકપણે દેવાળિયા છે. આ લોકો વૃક્ષોને પણ લીલા રંગમાંથી ભગવા રંગે રંગશે.
કેસરિયા ભારતની ઓળખનો હિસ્સો- સંજય નિષાદ
યુપીના મંત્રી સંજય નિષાદે ક્હ્યુ છે કે ભારત ક્રાંતિકારીઓની ભૂમિ છે. કેસરિયો રંગ ભારતની ઓળખનો એક મહત્ત્વનો ભાગ છે અને તેના પર કોઈ વાંધો હોવો જોઈએ નહીં.
હોકી ઈન્ડિયાએ જર્સીનો રંગ બદલવા પર આપ્યું સ્પષ્ટીકરણ
હોકી ઈન્ડિયાએ કહ્યું છે કે યૂનિફોર્મનો રંગ બદલવાનો નિર્ણય સપોર્ટ સ્ટાફ અને ખેલાડીઓની સલાહ અને તેમની સાથે વિસ્તારપૂર્વકની વાતચીતના આધારે કરવામાં આવ્યો હતો. મુખ્ય કારણ તકનીકી હતું. જોવામાં આવ્યું છે કે બ્લૂ પ્લેઈંગ યૂનિફોર્મ, બ્લૂ સિન્થેટિક પ્લેઈંગ સપાટી સાથે મળી જતી હતી, જે હવે ઈન્ટરનેશનલ હોકી પીચોનો સ્ટાન્ડર્ડ કલર છે. આ એક જેવું દેખાવાને કારણે ખેલાડીઓને મેદાન પર સ્પષ્ટ જોવામાં મુશ્કેલી થતી હતી.
હોકી ઈન્ડિયાએ કહ્યું છે કે આને જોતા કોચ અને ખેલાડીઓએ પીળા અને કેસરિયા જેવા બીજા રંગનું સૂચન આપ્યું હતું. સારી રીતે વિચારણા કર્યા પછી, કેસરિયા રંગને ફાઈનલ કરવામાં આવ્યો. તકનીકી જરૂરિયાતો પૂર્ણ કરવા સિવાય કેસરિયા રંગનું પ્રગાઢ મહત્ત્વ પણ છે, કારણ કે આ આપણા રાષ્ટ્રધ્વજના રંગોમાંથી એક છે, જે સાહસ, ત્યાગ અને રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક છે.
હોકી ઈન્ડિયાએ કહ્યું છેકે જર્સીનો રંગ બદલો કોઈ નવી વાત નથી. વખતોવખત જરૂરત પ્રમાણે રાષ્ટ્રીય ટીમની પ્લેઈંગ કીટનો રંગ બદલાતો રહ્યો છે. ઉદાહરણ માટે 2014 એફઆઈએચ હોકી વર્લ્ડ કપ દરમિયાન ટીમની જર્સી પીળી કરવામાં આવી હતી અને 2018ના એફઆઈએચ હોકી વર્લ્ડ કપ દરમિયાન રંગને બિલ્કુલ અલગ ડિઝાઈન સાથે આસમાની બ્લૂ કરી દેવામાં આવ્યો હતો.
હોકી ઈન્ડિયાના અધ્યક્ષ દિલીપકુમાર તિર્કીએ કહ્યુ છે કે આ નિર્ણય ખેલાડીઓ, કેપ્ટનો, કોચ અને સપોર્ટ સ્ટાફના સૂચન પર લેવાયો. તેમણે કહ્યુ છેકે જો વર્લ્ડ કપ બાદ ખેલાડીઓને આ જર્સી પસંદ નથી આવતી, તો ભવિષ્યમાં તેને બદલી શકાય છે.