શ્રીરામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટમાં 3 નવા સદસ્યોની નિમણૂક, અયોધ્યા, દિલ્હી, શિકોહાબાદના છે સદસ્યો
આ નિયુક્તિ ચંપતરાય, રાજેશ મિશ્રા અને સ્વર્ગીય વિમલેન્દ્ર મોહન મિશ્રાના સ્થાને કરાઈ છે
રામનગરી અયોધ્યામાં શ્રીરામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટમાં ખાલી પડેલી ત્રણ જગ્યાઓ પર બુધવારે નિયુક્તિ થઈ ગઈ. મણિરામદાસજી છાવણીમાં શ્રીરામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટની બેઠકમાં ત્રણ પદ ભરાય ગયા છે.
શ્રીરામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલ દાસ, કોષાધ્યક્ષ ગોવિંદદેવ ગિરી, વચગાળાના મહાસચિવ કૃષ્ણ મોહન અને મહંત દિનેન્દ્ર દાસની હાજરીમાં મણિરામદાસ છાવણીમાં ચાલી રહેલી બેઠક દરમિયાન આસપાસના વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત કરાયો છે.
આ બેઠકમાં અયોધ્યાના રામમંદિર ટ્રસ્ટના ત્રણ નવા સદસ્યોની નિયુક્તિ કરવામાં આવી છે. આ નિયુક્તિ ચંપતરાય, રાજેશ મિશ્રા અને સ્વર્ગીય વિમલેન્દ્ર મોહન મિશ્રાના સ્થાને કરાઈ છે.અયોધ્યાના મદનમોહન પાંડે, દિલ્હીના મહેશ ભાગચંદકા અને શિકોહાબાદના નિર્મલા યાદવને ટ્રસ્ટના નવા સદસ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. શિકોહાબાદના નિર્મલા યાદવ વીએચપીના નિધિ સમર્પણ અભિયાન સાથે જોડાયેલા રહ્યા છે.
મહેશ ભાગચંદકા વિશ્વ હિંદુ પરિષદના ભૂતપૂર્વ અધ્યક્ષ અશોક સિંઘલના સગાં છે. તેઓ અશોક સિંઘલ ફાઉન્ડેશન ચલાવે છે. 2020માં રામમંદિરના ભૂમિપૂજન વખતે તેઓ મુખ્ય યજમાન પણ બન્યા હતા. 2024માં પ્રાણપ્રતિષ્ઠા અનુષ્ઠાનમાં પણ તેઓ પરિવાર સાથે હાજર હતા.