ઈથેનોલના ચક્કરમાં ખાદ્ય સંકટ ન આવી જાય! E20 પર સરકારને મળી ચેતવણી
ઘણાં અભ્યાસ દર્શાવે છે કે જળવાયુ પરિવર્તનના કારણે ભવિષ્યમાં ભારતના કૃષિ ઉત્પાદનમાં 25 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે
કેન્દ્ર સરકારની ઈથેનોલ બ્લેંડેડ ફ્યૂલની નીતિ પર ઘણાં એક્સપર્ટ્સે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરી છે. એક્સપર્ટ્સનું માનવું છે કે આ નીતિથી માત્ર પર્યાવરણ અને ભૂજળ સ્તર પર ઘેરી અસર નહીં પડે, પરંતુ દેશની ખાદ્ય સુરક્ષા અને કૃષિ વ્યવસ્થા પણ ખતરામાં પડી શકે છે. તેની સાથે જ એક્સપર્ટ્સે સરકારને સલાહ આપી છે કે ઈથેનોલવાળા પેટ્રોલની કિંમતો ઘટાડવી જોઈએ, કારણ કે તેનાથી ગાડીઓની માઈલેજ ઘટી રહી છે અને એન્જિનના સ્પેરપાર્ટ્સ જલદી ખરાબ થવાથી ગ્રાહકો પર આર્થિક બોજો વધી રહ્યો છે.
સોમવારે ઈન્ડિયન વીમેન્સ પ્રેસ કોર્પ્સ દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં આ મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. આ પરિચર્ચામાં દિલ્હી સાયન્સ ફોરમના વૈજ્ઞાનિક અને સામાજિક કાર્યકર્તા ડી. રઘુનંદન, કૃષિ-ખાદ્ય પ્રસંસ્કરણ મંત્રાલયના પૂર્વ સચિવ સિરાજ હુસૈન અને નીતિ પંચના પૂર્વ સદસ્ય રમેશ ચંદ પણ સામેલ હતા.
દિલ્હી સાયન્સ ફોરમના ડી.રઘુનંદને કહ્યુ કે ઈથેનોલ ફ્યૂલ નીતિએ ભારતીય કૃષિ ક્ષેત્રની દિશા જ બદલી નાખી છે. હવે આપણી ખેતી ભોજન-ઉન્મુખથી ઈંધણ-ઉન્મુખ થઈ ગઈ છે. તેમણે ઉદાહરણ આપતા કહ્યુ કે ઈથેનોલ બનાવવા માટે મકાઈનો ખૂબ ઉપયોગ થઈ રહ્યો છે. તેનું પરિણામ એ છે કે જે ભારત પહેલા દુનિયામાં મકાઈનું નિકાસકાર હતું, આજે તેને પોતાની ઘરેલુ માંગ પુરી કરવા માટે મકાઈની આયાત કરવી પડે છે. રઘુનંદને આને એક વિઘટનકારી નીતિ ગણાવી છે, જે પાણીના અત્યાધિક દોહન અને કૃષિની પરંપરાગત પેટર્નને બગાડી રહી છે.
નીતિ પંચના પૂર્વ સદસ્ય રમેશ ચંદે કહ્યુ કે તાજેતરના વર્ષોમાં સરકારે ચોખા અને ખાંડના સરપ્લસ ઉત્પાદનથી નિપટવા માટે જ ઈથેનોલ ફ્યૂલને પ્રોત્સાહન આપ્યું છે. તેમણે કહ્યુ છે કે સકરારે ચોખા અને ખાંડની ખરીદી એમએસપી પર કરી છે. જે આંતરરાષ્ટ્રીય અને ખુલ્લા બજારની કિંમતોથી વધારે છે. તેવામાં આ બચેલો સ્ટોક ન તો દેશની અંદર ખપી રહ્યો છે અને ન તો તેને આંતરરાષ્ટ્રીય બજારોમાં ખરીદાઈ રહ્યો છે.
રમેશ ચંદે ભારપૂર્વક કહ્યુ કે દેશમાં ખાદ્યાન્નની ખેતીવાળા એક મોટા હિસ્સાને મકાઈની ખેતીથી રિપ્લેસ કરવાની સખત જરૂરત છે. ખાદ્યાન્નની ખેતીમાં ઘણું પાણી જોઈતું હોય છે અને તેનાથી મિથેન જેવા ગ્રીનહાઉસ ગેસ પણ મોટા પ્રમાણમાં નીકળે છે.
પૂર્વ સચિવ સિરાજ હુસૈને સ્પષ્ટ કહ્યુ છે કે ભારતના ઈથેનોલ પ્રોગ્રામની સરખામણી બ્રાઝિલ સાથે કરી શકાય નહીં. બ્રાઝિલ વાર્ષિક 45 મિલિયન ટન ખાંડનું ઉત્પાદન કરે છે અને તેમાંથી 36 મિલિયન ટન એક્સપોર્ટ કરી દે છે. ત્યાંની વસ્તી ઘણી ઓછી છે અને ખેતી માટે જમીનનો ઘણો મોટો હિસ્સો ઉપલબ્ધ છે.
સિરાજ હુસૈને ચેતવણી આપી છે કે ઘણાં અભ્યાસ દર્શાવે છે કે જળવાયુ પરિવર્તનના કારણે ભવિષ્યમાં ભારતના કૃષિ ઉત્પાદનમાં 25 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે. માટે બ્રાઝિલથી આપણી સરખામણી કરવી બિલ્કુલ અયોગ્ય છે.
રઘુનંદને સરકારને સૂચન કર્યું છે કે તેણે 20 ટકા ઈથેનોલવાળા ઈ-20 ફ્યૂલના ઉપયોગને બંધ કરવો જોઈએ અને પાછી ઈ-10 પર વાપસી કરવી જોઈએ. તેમણે સ્પષ્ટપણે કહ્યુ છે કે હાલમાં ઈથેનોલના ઉપયોગનું નુકશાન માત્ર પર્યાવરણ અને ગ્રાહકોને જ નથી ભોગવવું પડી રહ્યું, પણ આનો લાભ ખેડૂતોને પણ મળી રહ્યો નથી. જો ઈ-20 બંધ થાય છે, તો નુકશાન માત્ર એ લગભગ 400 ડિસ્ટલરીઝને થશે જેમણે ઈથેનોલ બનાવવાનું સેટઅપ લગાવ્યું છે. સરકાર ચાહે તો તેને આસાનીથી આનું વળતર આપી શકે છે.