ગાંધીનગરમાં પુત્રની ઘેલછામાં 3 પુત્રીના પિતાએ પોતાનું પેટ ચીર્યું !, પ્રસાદના દાણા સાથે 100ની નોટ ગળી જતાં માનસિક સંતુલન ગુમાવ્યું
લોહીલુહાણ સ્થિતિમાં આ શખ્સને સિવિલમાં સારવાર માટે ખસેડાયો હતો. 8 દિવસની સારવાર બાદ યુવક સ્વસ્થ થતાં તેને રજા આપવામાં આવી છે
ગાંધીનગરમાં ત્રણ પુત્રીના 36 વર્ષીય પિતાએ પુત્ર પ્રાપ્તિની ઘેલછામાં માનેલા મનાતા દાણાની સાથે ભૂલથી 100 રૂપિયાની નોટ ગળીને માનસિક સંતુલન ગુમાવ્યું છે. પોતાનાથી મોટી ભૂલ થયાનું માનીને આ શખ્સે જાતે જ દાંતરડા જેવા હથિયારથી પોતાનું પેટ ચીરી નોટ બહાર કાઢવાની કોશિશ કરી અને તેમાં તેના આંતરડા બહાર આવી જતાં તે ઘાયલ થયો હતો. લોહીલુહાણ સ્થિતિમાં આ શખ્સને સિવિલમાં સારવાર માટે ખસેડાયો હતો. 8 દિવસની સારવાર બાદ યુવક સ્વસ્થ થતાં તેને રજા આપવામાં આવી છે.
અંધશ્રદ્ધાના આ મામલામાં યુવક દાણાની સાથે ચલણી નોટ ગળી ગયો અને તેના કારણે તેણે માનસિક સંતુલન ગુમાવ્યું હતું અને તેને એમ થયું હતું કે તેને હવે ક્યારેય પુત્ર પ્રાપ્તિ નહીં થાય. તેથી તેણે દાંતરડા જેવા હથિયારથી જાતે જ ચલણી નોટ બહાર કાઢવા પોતાનું જ પેટ ચીરી નાખ્યું.
29 ઓગસ્ટે બુધવાર સવારે યુવાનને લોહીલુહાણ સ્થિતિમાં આંતરડામાં ગંભીર ઘા સાથે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. ગંભીર ઈજા છતાં દર્દી પુરેપુરો ભાનમાં હતો અને બોલતો-ચાલતો હતો. હોસ્પિટલમાં તાત્કાલિક આ ઈજાગ્રસ્ત વ્યક્તિને ઈમરજન્સી ઓપરેશન થિયેટરમાં લેવામાં આવ્યો. સર્જનોએ કાળજીપૂર્વક પેટની આગળની દીવાલને ટાંકા લીધો અને પેટના અન્ય તમામ આંતરીક અંગોની બારીકાઈથી ચકાસણી કરી. દર્દીને ભવિષ્યમાં ખોરાક લેવામાં તકલીફ ન પડે તે માટે આંતરડામાં ખાસ નળી મૂકવામાં આવી હતી.
આશરે દોઢથી બે કલાક ચાલેલી આ જટિલ સર્જરી બાદ દર્દીને સઘન દેખરેખ માટે આઈસીયૂમાં શિફ્ટ કરવામાં આવ્યો. ઓપરેશનના પાંચથી 6 દિવસ બાદ દર્દીની સ્થિતિ સંપૂર્ણપણે સ્ટેબલ થતાં તેને સામાન્ય વોર્ડમાં ખસેડવામાં આવ્યો હતો.