નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સાપુતારા બસ ડેપોના કંટ્રોલરને ખખડાવ્યા, જાણો શું હતો મામલો?
સાપુતારા ફેસ્ટિવલ દરમિયાન સાપુતારા બસ ડેપોની ગુજરાતના મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આકસ્મિક મુલાકાત લઈને જાહેર વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.
હાલ સાપુતારા ફેસ્ટિવલમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચી રહ્યા છે. ત્યારે પ્રવાસનને પ્રાથમિકતાની નીતિને લઈને રાજ્ય સરકાર સતર્કતા દાખવી રહી છે.સાપુતારા ફેસ્ટિવલ દરમિયાન સાપુતારા બસ ડેપોની ગુજરાતના મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આકસ્મિક મુલાકાત લઈને જાહેર વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.
નાયબ મુખ્યમંત્રી અહીં અચાનક પહોંચ્યા હોવાને કારણે આખા તંત્રમાં દોડધામ મચી હતી. હર્ષ સંઘવીએ અહીં પહોંચીને પ્રવાસીઓ માટેની વ્યવસ્થા અને સ્વચ્છતા સહીતના મુદ્દાઓની તપાસ કરી હતી. પણ ડેપોની કામગીરીમાં ઘણી ખામીઓ સામે આવતા જવાબદાર અધિકારીઓને સ્થળ પર જ ઠપકો આપ્યો હતો.
હર્ષ સંઘવીએ આ મામલે ડેપો કંટ્રોલરને પણ કડક શબ્દોમાં ખખડાવીને જવાબદારી યોગ્ય રીતે નિભાવવા માટે નિર્દેશ કર્યો હતો. પ્રવાસીઓને આપવામાં આવતી સુવિધાઓમાં કોઈપણ પ્રકારની ખામી સ્વીકાર્ય નહીં હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
સાપુતારા બસ ડેપો ખાતે આવેલું દિવ્યાંગ શૌચાલય બંધ હાલતમાં જોવા મળ્યું હતું.આ જોઈને હર્ષ સંઘવીએ સંબંધિત અધિકારીનો ઉધડો લીધો હતો. તેમણે તાત્કાલિક શૌચાલયનું તાળું ખોલવા અને પ્રવાસીો માટે ઉપયોગમાં મૂકવાની તાકીદ કરી હતી.
હર્ષ સંઘવીએ જણાવ્યું કે હાલમાં સાપુતારા ફેસ્ટિવલ ચાલી રહ્યો છે અને રાજ્ય સહિત દેશના વિવિધ ભાગોમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં બસ ડેપો સહિતની તમામ જાહેર સુવિધાઓ સંપૂર્ણ રીતે કાર્યરત રહેવી અત્યંત જરૂરી છે.
નાયબ મુખ્યમંત્રીએ સ્પષ્ટ સૂચના આપી કે બસ ડેપો પર સ્વચ્છતા, પીવાના પાણી, શૌચાલય, બેઠકો સહિત મુસાફરો માટે ઉપલબ્ધ તમામ સુવિધાઓની નિયમિત દેખરેખ રાખવામાં આવે.