DCP રાજદીપસિંહ નકુમની તાત્કાલિક બદલીનો આદેશ, સુરતમાં આરોપીઓના સરઘસ-મારપીટ પર HCનું કડક વલણ
સુરતમાં આરોપીઓના જાહેર સરઘસ અને પોલીસ દ્વારા માર મારવાની ઘટનાના વીડિયો વાયરલ થયા બાદ હાઈકોર્ટે સુઓમોટો લઈને કેસ દાખલ કર્યો હતો
સુરત શહેરમાં આરોપીઓના રસ્તા પર દોરડાથી બાંધીને સરઘસ કાઢવા, જાહેરમાં મારવાની ઘટનાઓના મામલે ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો કાર્યવાહી દરમિયાન અત્યંત કડક વલણ અખત્યાર કર્યું છે. ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે એસઓજી ડીસીપી રાજદીપસિંહ નકુમ જેવા ઉચ્ચાધિકારીઓ તે જ હોદ્દા પર રહેશે, તો તટસ્થ તપાસ શક્ય નથી. તેથી તેમની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવે.
સુરતમાં આરોપીઓના જાહેર સરઘસ અને પોલીસ દ્વારા માર મારવાની ઘટનાના વીડિયો વાયરલ થયા બાદ હાઈકોર્ટે સુઓમોટો લઈને કેસ દાખલ કર્યો હતો. 14 ઓગસ્ટે સુનાવણી દરમિયાન નામદાર હાઈકોર્ટે ઘટનાની ગંભીરતાથી નોંધ લેતા પોલીસ તંત્રની કાર્યશૈલી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. 14 જુલાઈ અને 15 જુલાઈના રોજ ગાંધીનગર ડાયરેક્ટર જનરલ કચેરીથી સુરત એડિશન કમિશનર કમચેરીને મોકલવામાં આવેલી અરજી અને સુચનાઓનો સુનાવણી દરમિયાન ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
ગુજરાત હાઈકોર્ટે આ કેસની સુનાવણી શરૂ થતાં જ પૂછ્યું કે સંબંધિત અધિકારી અત્યારે ક્યાં છે અને તેમની ટ્રાન્સફર કેમ કરવામાં આવી નથી? કેસમાં પોલીસ કર્મચારીઓ જ સાક્ષી છે, જેઓ પોતાના સિનિયર અધિકારી સામે બોલી શકતા નથી. જો સિનિયર અધિકારી પોતે આવું કૃત્ય કરે તો તે જરાય ન ચાલે. કોર્ટે વધુમાં કહ્યું હતું કે તમે પ્રિલિમનરી રિપોર્ટ આપો, પરંતુ પહેલા આ અધિકારીની ટ્રાન્સફર કરો. ઘટનાની ગંભીરતા કેટલી છે તે જોઈને જ આગળની કાર્યવાહી થવી જોઈએ.
સુનાવણી વખતે સરકારી વકીલે હાઈકોર્ટને વિનંતી કરી હતી કે કોર્ટ પોતાના હુકમમાં બદલી અંગે કોઈ સત્તાવાર નોંધ ન લે, સરકાર પોતે આ બાબતની ગંભીરતા સમજીને યોગ્ય કાયદાકીય અને વહીવટીય પગલાં ભરશે. ડીજીપીના આદેશથી સુરત પોલીસ કમિશનરે એડિશનલ સીપી -ક્રાઈમને આ સમગ્ર ઘટનાની તપાસ સોંપી છે અને વીડિયોમાં દેખાતા તમામ લોકો તથા પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો લેવામાં આવી રહ્યા છે.
મહત્ત્વપૂર્ણ છે કે સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા હત્યાના પ્રયાસના ગુનામાં પાંચ આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. આ આરોપીઓને પાઠ ભણાવવાના અને કાયદાનો ભય બતાવવાના નામે SOG DCP રાજદીપસિંહ નકુમે સર્વોચ્ચ અદાલત અને DGPના સ્પષ્ટ આદેશોનો અનાદર કર્યો હતો.
DCPની આગેવાનીમાં જાહેર રસ્તા પર આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. એટલું જ નહીં, રસ્તામાં થોડે-થોડે અંતરે આરોપીઓને ઉભા રાખીને, તેમના વાળ પકડી લાફા મારવામાં આવ્યા હતા અને લાકડીઓથી બેફામ માર મારવામાં આવ્યો હતો. આ સમગ્ર સરઘસ દરમિયાન ડીસીપીએ પોતે આરોપીઓ પર ૨૫થી વધુ લાકડીના ઘા ઝીંક્યા હોવાનું વાયરલ વીડિયોમાં અને સ્થાનિક અહેવાલોમાં સામે આવ્યું હતું.