મસ્તાની ગેંગના કુખ્યાત આરોપી ભાવેશ જીલીયાની સરખેજ પોલીસે કરી ધરપકડ, ભુજ જેલ મોકલાયો
અમદાવાદમાં કર્ણાવતી ક્લબના ગેટ સામે જમીન દલાલ પર હુમલાના કેસમાં ભાવેશ રબારી સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.
મસ્તાની ગેંગના કુખ્યાત આરોપી ભાવેશ જીલીયાને પાંજરે પુરવા માટે સરખેજ પોલીસ હરકતમાં આવી. પાટણની કુખ્યાત મસ્તાની ગેંગના ભાવેશ ઝીલીયાની સરખેજ પોલીસે ધરપકડ કરી છે.
સરખેજ પોલીસે ગઈકાલે રાત્રે પાસા હેઠળની કાર્યવાહીમાં કુખ્યાત ભાવેશ જીલીયાને એરેસ્ટ કર્યો અને ભુજ જેલમાં મોકલી આપ્યો છે.
અમદાવાદના એસજી હાઇવે પર આવેલી ચર્ચિત કર્ણાવતી ક્લબના મુખ્ય ગેટ સામે એક જમીન દલાલ પર જીવલેણ હુમલો કરવાનો ગંભીર ગુનો નોંધાયો હતો. આ ચકચારી કેસમાં ભાવેશ જીલીયાની સંડોવણી સામે આવી હતી.
મહત્ત્વપૂર્ણ છે કે ભાવેશ બળદેવ દેસાઈ ઉર્ફે ભાવેશ જીલીયાએ 2016માં પાટણના જાણીતા ડોક્ટરનું કિડનેપિંગ કર્યું હતું. તે જેલમાં પણ ગયો હતો અને બહાર આવ્યા પછી અમદાવાદમાં મસ્તાની ગેંગના નામે વસૂલાત અને ધમકીઓ આપતો હતો. તેની સામે ખૂનની કોશિશ, ખંડણી, અપહરણ અને ગુજસીટોક સહીતના 20થી વધુ ગુનાઓ છે.
માર્ચમાં જીલીયા ગામના મંદિરના ફાળાના વિવાદમાં હિંસક અથડામણ થઈ હતી. જેમાં તેના ઘર અને પોલીસવાન પર હુમલો થયો હતો. તેના પછી તંત્રે કડક કાર્યવાહી કરતા ગૌચર પર કબજો કરીને બનાવેલા ગેરકાયદેસર ફાર્મહાઉસ પર બુલડોઝર ફેરવ્યું હતું.
અમદાવાદ પોલીસે તેની થોડા સમય પહેલા ધરપકડ કરી હતી. જામીન પરથી છૂટયા પછી 25 ડિસેમ્બર, 2025ના રોજ જમીન દલાલ મનોજ રાઠોડ પર હુમલો થયો હતો. તેના સાગરિતોએ જમીન દલાલની ઓફિસમાં ઘૂસીને તલાવર અને પાઈપ વડે હુમલો કર્યો હતો.
આ સિવાય મહેસાણા હાઈવે પર તાજેતરમાં રવિવારે રાત્રે ભાવેશ જીલીયાની ફોર્ચ્યુનર કારને સ્કોર્પિયો દ્વારા ત્રણ વાર ટક્કર માર્યા બાદ ફાયરિંગ કરીને અજાણ્યા શખ્સો ફરાર થયાની પણ ઘટના બની હતી. ભાવેશની ગાડીમાંથી પણ 6 કારતૂસ ભરેલી રિવોલ્વર અને છરો મળી આવતા તેની સામે ગુનો નોંધીને ત્રણ જણાંની અટક કરાઈ હતી.
આ ચર્ચાસ્પદ કિસ્સામાં મહેસાણા એલસીબી પોલીસે 6 આરોપીની અટકાયત કરી છે. જો કે માસ્ટરમાઈન્ડ જોરાવરસિંહ ઉર્ફે ભાણુભા પોલીસની પકડમાં આવ્યો નથી. આ હુમલામાં આરોપીઓએ બે સ્કોર્પિયો અને એક બલેનો કારનો ઉપયોગ કર્યો હતો.