અમદાવાદમાં 3 લાખની લાંચ લેતા પત્રકાર યુગલ ઝડપાયું, ACBએ છટકું ગોઠવી રંગેહાથ દબોચ્યા
અમદાવાદની સોનીની ચાલી ચાર રસ્તા પાસે એન્ટી કરપ્શન બ્યૂરો(ACB) એ 3.15 લાખની લાંચ લેતા શિલ્પાબહેન આહિર અને વિજય આહિર નામના કથિત પત્રકાર દંપત્તિને કારમાં જ રંગેહાથ ઝડપી પાડયું છે. AMCની નોટિસ બાદ ગેરકાયદેસર બાંધકામ ન તોડવાની ખાતરી આપી આ પત્રકાર યુગલ લાંચ માંગી રહ્યું હતું.
ફરિયાદીના મકાન તેમજ દુકાનના પહેલા માળે થયેલા ગેરકાયદેસર બાંધકામ બાબતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી હતી. આ નોટિસ બાદ ગેરકાયદેસર બાંધકામ પર તોડફોડ કે ડિમોલિશનની કાર્યવાહી ન કરાવવા માટે પત્રકાર હોવાનો દાવો કરનારા આ યુગલે 3.15 લાખ રૂપિયાની લાંચ માંગી હતી.
ફરિયાદી લાંચ આપવા માગતો ન હોવાથી તેણે તાત્કાલિક એસીબીનો સંપર્ક કર્યો અને આ મામલે ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદના આધારે એસીબીની ટીમે સોનીની ચાલી ચાર રસ્તા પાસે છટકું ગોઠવ્યું અને આ પત્રકાર દંપત્તિ ફરિયાદી પાસેથી તેમની કારમાં જ લાંચની રકમ સ્વીકારી રહ્યું હતું, ત્યારે એસીબીએ તેમને સ્થળ પરર રંગેહાથ ઝડપી પાડયા હતા.