અમદાવાદમાં 32મા માળે ક્રેન પર ગળે ફાંસો ખાઈને આપઘાત, સવાર સુધી લટકતો રહ્યો મૃતદેહ!
મૃતક પ્રતીમ સિંહ છેલ્લા કેટલાય સમયથી નિર્માણાધીન બિલ્ડિંગની સાઈટ પર ક્રેન ઓપરેટર તરીકે કામ કરતો હતો.
અમદાવાદના એસજી હાઈવે પર નિરમા યુનિવર્સિટીની સામે શુક્રવારે વહેલી સવારે એક યુવકની ક્રેન પર લટકતી લાશ જોવા મળી હતી. નિર્માણાધીન ટ્રેમોન્ટ એડલીપ બિલ્ડિંગના 32મા માળે ક્રેન સાથે લટકીને ઝારખંડના પ્રીતમસિંહ નામના 22 વર્ષીય યુવકે આપઘાત કર્યો હતો. આ લાશ મોડી રાત્રિથી સવાર સુધી ક્રેન પર લટકતી રહી હતી. જેના કારણે આસપાસના લોકોમાં ભારે સનસનાટી ફેલાઈ હતી.
મૃતક પ્રતીમ સિંહ છેલ્લા કેટલાય સમયથી નિર્માણાધીન બિલ્ડિંગની સાઈટ પર ક્રેન ઓપરેટર તરીકે કામ કરતો હતો. સવારે આઠ વાગ્યાની આસપાસ જ્યારે લોકોએ અને અન્ય મજૂરોએ 32મા માળે ઊંચાઈ પર ક્રેન સાથે યુવકનો મૃતદેહ લટકતો જોયો હતો.
આ ઘટનાની જાણકારી બાદ સોલા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સ્થાનિક તંત્રની મદદથી યુવકનો મૃતદેહ સુરક્ષિત નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. યુવકે ક્યાં કારણોસર આવું પગલું ભર્યું તેની પોલીસ દ્વારા તવપાસ થઈ રહી છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આંતરિક કે પારિવારિક સમસ્યા હોવાના કારણે આત્મહત્યા કર્યાની શંકાને આધારે પોલીસે મૃતકના સહકર્મીઓ અને પરિવારજનોના નિવેદનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.