ગુજરાતમાં વરસાદનું મિની વેકેશન પુરું થશે, 8-9 ઓગસ્ટે ભારે વરસાદનું યલો એલર્ટ
મોનસૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહીત કૂલ 3 સિસ્ટમ્સ સક્રિય હોવાથી હવામાન વિભાગે તાજેતરનું એલર્ટ જાહેર કર્યું છે
ગુજરાતમાં વરસાદના ઘટેલા જોર અને વધેલા બફારા વચ્ચે હવામાન વિભાગે 8 અને 9 ઓગસ્ટે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે.
મોનસૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહીત કૂલ 3 સિસ્ટમ્સ સક્રિય હોવાથી હવામાન વિભાગે તાજેતરનું એલર્ટ જાહેર કર્યું છે. તેથી સાથે દરિયામાં પવનની ગતિ વધવાની શક્યતાને કારણે માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના અપાઈ છે.
આજે 7મી ઓગસ્ટે દક્ષિણ ગુજરાત સહીત અરવલ્લી, મહિસાગર, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા અને નર્મદા સહીતના ક્ષેત્રોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
જ્યારે 8 ઓગસ્ટે સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે.
9 ઓગસ્ટે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ-થરાદ, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ યથાવત છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એ.કે. દાસના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણ-પશ્ચિમનો પવન ફૂંકાઈ શકે છે. ચાલુ સિઝનમાં રાજ્યમાં અત્યાર સુધી 480.9 mm વરસાદ નોંધાયો છે, જે સામાન્ય 416 mm કરતાં 16% વધુ છે. હાલમાં એક્ટિવ સિસ્ટમ્સના કારણે સમગ્ર રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ બરાબરનો જામશે.
હાલના ચોમાસામાં 7 ઓગસ્ટ,2026ના રોજ સવારના 10 વાગ્યા સુધીમાં રાજ્યમાં 70.10 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે સરદાર સરોવર નર્મદા ડેમ 81.01 ટકા જેટલો ભરાઈ ચુક્યો છે અને તેમાં 33,400 ક્યુસેક પાણીની આવક સક્રિય છે.
જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં કૂલ ક્ષમતાના 63.83 ટકા જળ સંચય થઈ ચુક્યો છે. રાજ્યના 26 ડેમ 100 ટકા ભરાઈ ચુક્યા છે. જ્યારે પાણીની વધતી આવકને કારણે 37 ડેમ 'હાઈ એલર્ટ', 07 ડેમ 'એલર્ટ' અને 11 ડેમ 'વોર્નિંગ' સિગ્નલ હેઠળ મૂકવામાં આવ્યા છે.