વલસાડના ઉમરગામમાં ચોરી કરવા ઘૂસેલા ચોરો ફસાયા, ચોરોએ જ 112 પર કૉલ કરી પોલીસ બોલાવી!
ઘટનાની જાણ થતાં નાઈટ પેટ્રોલિંગ કરી રહેલી ઉમરગામ પોલીસ તાત્કાલિક અહીં પહોંચી અને શટર ખોલીને તપાસ કરતા બે ચોર મળી આવ્યા હતા
ચોર ચોરી કરવા દુકાનમાં પેસે અને બહારથી લોકો શરટ બંધ કરી દે... તો ચોરને પણ બીક લાગે. બહાર લોકોનું મોટું ટોળું હોય અને રખેને તેમના હાથમાં તેઓ ઝડપાય જાય. આવું થાય તો તો તેમનું આવી જ બને, કદાચ જીવ પણ જાય. તેથી જાન બચી તો લાખો પાયે જેવી માનસિકતાથી ખુદ ચોર જ પોલીસને ફોન કરીને બોલાવે અને જીવ બચાવે. કંઈક આવું જ વલસાડ જિલ્લાના ઉમરગામમાં સંજાણ બજારમાં જ્વેલર્સની દુકાનમાં ચોરી કરવા પેઠેલા 2 ચોરોએ પણ કંઈક આવું જ કર્યું છે.
વલસાડ જિલ્લાના ઉમરગામની સંજાણ બજારમાં 19 ઓગસ્ટની મોડી રાત્રે આશરે 3 વાગ્યે બી. જે. જ્વેલર્સના શૉરૂમમાં બે અજાણ્યા ચોર ચોરી કરવા માટે પહોંચ્યા. ઈલેક્ટ્રિક કટરથી શટરના નકુચા કાપીને જ્વેલર્સની દુકાનમાં તો બંને પેઠાં, પણ કટરના અવાજથી દુકાનની આસપાસ રહેતા લોકો જાગી ગયા.
એક યુવકે જ્વેલર્સના માલિક મનીષ શર્માને ફોન કરી દીધો અને આસપાસના લોકોએ ચાલાકીથી શટર બહારથી બંધ કરી દીધું. હવે દુકાનની અંદર ફસાયેલા બંને ચોરને બહાર એકઠા થયેલા લોકોના ટોળાંનો ભય લાગવા લાગ્યો. તેમને ખબર હતી કે જો લોકોના ટોળાના હાથમાં આવશે, તો જીવ પર જોખમ છે. તેથી શાણપણ દાખવીને બંને ચોરોએ 112 પર ફોન કરીને પોલીસને બોલાવીને મદદ માંગી.
ઘટનાની જાણ થતાં નાઈટ પેટ્રોલિંગ કરી રહેલી ઉમરગામ પોલીસ તાત્કાલિક અહીં પહોંચી અને શટર ખોલીને તપાસ કરતા બે ચોર મળી આવ્યા હતા. તેમની પાસેથી ઈલેક્ટ્રિક કટર, ચોરી કરવાના સાધનો તેમજ દુકાનમાંથી ચોરેલું સોનાનું લોકેટ, ચાંદીની ચેઈન, પાયલ, સોનાના મશકા અને રોકડા રૂ. 500 સહીત કૂલ 18,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ઉમરગામ પોલીસે સોના-ચાંદીના વેપારી મનીષ શર્માની ફરિયાદના આધારે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.