POJKના નેતા અમન ખાને પાકિસ્તાની ISPR DGને કહ્યું- "બાપ છીએ તારાં"
પીઓજેકેમાં પાકિસ્તાની સેના-સરકાર સામે ચાલી રહેલા અસંતોષને કારણે લોકો વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે.
પાકિસ્તાની ઈન્ટર સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR) ના મહાનિદેશક લેફ્ટિનેન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીને પાકિસ્તાન ઓક્યુપાઈડ જમ્મુ-કાશ્મીર (POJK)ની જમ્મુ-કાશ્મીર જોઈન્ટ આવામી એક્શન કમિટીના નેતા સરદાર અમન ખાને આકરી ઝાટકણી કાઢી છે.
આઈએસપીઆરના ડીજી લેફ્ટિનેન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ પીઓજેકેમાં ચાલી રહેલા પ્રોટેસ્ટના સંદર્ભે કહ્યુ હતુ કે તે પાકિસ્તાનનું સૌથી લાડલું બાળક છે. જો કે પાકિસ્તાની સેના અને આઈએસઆઈ અને પ્રશાસને પીઓજેકેમાં દેખાવકારોના દમનમાં કોઈ કોરકસર છોડી નથી.
ત્યારે પાકિસ્તાની આઈએસપીઆરના ડીજીને સણસણતો જવાબ આપતા જમ્મુ - કાશ્મીર જોઈન્ટ આવામી એક્શન કમિટી (JAAC) ના નેતા સરદાર અમન ખાને કહ્યુ છે કે અમે બાળક નથી, બાપ છીએ તારાં. તેની સાથે સરદાર અમન ખાને પીઓજેકેના લોકોને હાકલ કરી છે કે તેઓ પાકિસ્તાનને ટેક્સ અને લાઈટ બિલ આપવાનું બંધ કરે.
મહત્ત્વપૂર્ણ છે કે પીઓજેકેમાં પાકિસ્તાની સેના-સરકાર સામે ચાલી રહેલા અસંતોષને કારણે લોકો વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે. થોડાક દિવસો પહેલા પાકિસ્તાની સેનાએ આવા દેખાવકારો પર ફાયરિંગ કરતા કેટલાક રિપોર્ટના દાવા મુજબ 40 જેટલા લોકોના જીવ ગયા હતા.