રાજકોટમાં જમીન વિવાદમાં કૌટુંબિક ભત્રીજાએ 2 કાકાના ઢીમ ઢાળી દીધા!
ડબલ મર્ડરના આરોપીએ વળતો આરોપ લગાવ્યો છે કે રવિવારે રાત્રે રાજેશ ધોળકિયા સહીત લોકોએ તેના પર પાઈપ અને છરી વડે હુમલો કર્ય હતો. પોતાના સ્વરક્ષણમાં તેણે હુમલાખોરોના હાથમાંથી છરી ઝૂંટવીને જીવ બચાવવા વળતો હુમલો કર્યો હતો.
રાજકોટ શહેરમાં જમીન વિવાદ અને ભાગબટાવના નાણાંની લેતી દેતી લોહિયાળ બની. રવિવારે રાત્રે સોમનાથ સોસાયટી-2 નજીક કૌટુંબિક ભત્રીજાએ બે કાકાને મોતને ઘાટ ઉતાર્યા અને એક શખ્સ આ ઘટનામાં ઘાયલ થયો છે. હુમલાનો આરોપી કૌટુંબિક ભત્રીજો પણ ગંભીર રીતે ઘાયલ થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે બંને પક્ષો તરફથી ફરિયાદના આધારે તપાસની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા મુજબ, વિવાદ દરમિયાન હાર્દિક ધોળકિયાએ છરી વડે હુમલો કરતા 55 વર્ષીય સુરેશ ધોળકિયાને છાતીમાં ગંભીર ઈજા થઈ હતી. તેમને હોસ્પિટલમાં લઈ જવાયા અને ત્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા. હુમલામાં અન્ય કાકા રાજેશ ધોળકિયા ગંભીરપણે ઘવાયા હતા અને તેમનું પણ સારવાર દરમિયાન મોત નીપજતા આ મામલો ડબલ મર્ડરમાં ફેરવાયો હતો. બંને તરફના ઝઘડામાં બીચ-બચાવ કરી રહેલા લાખા ધોળકિયાને પણ ઈજાઓ પહોંચી છે.
આ પરિવારની જમીન અને તેના વેચાણ બાદ મળનારી રકમના ભાગને લઈને છેલ્લા અઢી વર્ષથી વિવાદ ચાલી રહ્યો હતો. રવિવારે મોડી રાત્રે આ મામલે બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને કૌટુંબિક ભત્રીજાએ છરી વડે પોતાના બંને પિતરાઈ કાકાઓ પર છરી વડે હુમલો કર્યો હતો.
મૃતક સુરેશ ધોળકિયાના પુત્ર અને ઈજાગ્રસ્ત લાખા ધોળકિયાએ બીએનએસની કલમ- 103(1), 109(1), 352 અને 118(1) હેઠળ હાર્દિક ધોળકિયા સામે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદ મુજબ, રાજેશ ધોળકિયાએ સુરેશ ધોળકિયાને ફોન કરીને સોમનાથ સોસાયટીમાં બોલાવ્યા હતા. ત્યાં હાર્દિક ધોળકિયા ગાળાગાળી કરતો હતો. સમજાવવા જતાં તેણે છરી દ્વારા અચાનક સુરેશ, રાજેશ અને લાખા ધોળકિયા પર હુમલો કર્યો હતો.

બીજી તરફ ડબલ મર્ડરના આરોપી કૌટુંબિક ભત્રીજા હાર્દિક ધોળકિયાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં સામા પક્ષના ચારની સામે ફરિયાદ નોંધાવી છે. હાર્દિક મુજબ, તેના દાદાની સાધુ વાસવાણી રોડ પર આવેલી જમીન સુરેશ ધોળકિયાએ અન્ય વ્યક્તિને વેચી દીધી હતી. વેચાણની રકમમાં પોતાના પરિવારનો હક હોવા છતાં નાણાં નહીં મળતા આ મામલે અઢી વર્ષથી વિવાદ ચાલુ હતો.
ડબલ મર્ડરના આરોપીએ વળતો આરોપ લગાવ્યો છે કે રવિવારે રાત્રે રાજેશ ધોળકિયા સહીત લોકોએ તેના પર પાઈપ અને છરી વડે હુમલો કર્ય હતો. પોતાના સ્વરક્ષણમાં તેણે હુમલાખોરોના હાથમાંથી છરી ઝૂંટવીને જીવ બચાવવા વળતો હુમલો કર્યો હતો.
પોલીસે આ મામલાના પુરાવા ઘટનાસ્થળેથી એકત્રિત કર્યા છે. બંને પક્ષના નિવેદનો, ફોરેન્સિક પુરાવા અને અન્ય સાક્ષીઓના આધારે તપાસની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ તથ્યોના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવશે.