OBC ક્રીમી લેયર પર કેન્દ્રને ઝાટકો, જૂના આદેશ પર રોક લગાવવાનો સુપ્રીમ કોર્ટનો ઈન્કાર
સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે આવકની સાથેસાથે માતાપિતાનું પદ, તેમની સામાજિક સ્થિતિ અને નોકરીની શ્રેણીને પણ માપદંડ બનાવવા જોઈએ.
ઓબીસી ક્રીમી લેયરના અનામત સાથે જોડાયેલા મામલામાં સુપ્રીમ કોર્ટનું નવું વલણ સામે આવ્યું છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની સ્પષ્ટીકરણ અરજી પર સુનાવણી કરતા તમામ પક્ષકારોને 17 સપ્ટેમ્બર, 2026 સુધીમાં પોતાનો જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે.
જસ્ટિસ પી. એસ. નરસિમ્હા અને જસ્ટિસ આર. મહાદેવનની ખંડપીઠે આ મામલામાં સુનાવણી કરી છે. આ દરમિયાન ખંડપીઠે કેન્દ્ર સરકારને કોઈપણ વચગાળાની રાહત આપવા અથવા પાછલા આદેશના અમલ પર રોક લગાવવાનો ઈન્કાર કર્યો છે.
સુપ્રીમ કોર્ટે 11 માર્ચના પોતાના ચુકાદામાં એ નક્કી કર્યું હતું કે ઓબીસી ક્રીમી લેયરનું નિર્ધારણ માત્ર માતાપિતાની આવક કે માસિક વેતનના આધારે કરી શકાય નહીં.
સેલરીના આધારે અનામતથી વંચિત રાખી શકાય નહીં:SC
સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે આવકની સાથેસાથે માતાપિતાનું પદ, તેમની સામાજિક સ્થિતિ અને નોકરીની શ્રેણીને પણ માપદંડ બનાવવા જોઈએ. કોર્ટની આ વ્યવસ્થા મુજબ, જાહેર ક્ષેત્રના ઉપક્રમો, બેંકો અને ખાનગી ક્ષેત્રમાં કામ કરનારા કર્મચારીઓના બાળકોને માત્ર વધારે વેતનના આધારે અનામતના લાભથી વંચિત કરી શકાય નહીં.
આ ચુકાદાથી યુપીએસી પરીક્ષા 2025ની પ્રક્રિયા પર અસર: કેન્દ્ર
કેન્દ્ર સરકારના કાર્મિક મંત્રાલયે સુપ્રીમ કોર્ટમાં એક સ્પષ્ટીકરણ અરજી દાખલ કરીને આ ચુકાદા કરીને આ ચુકાદાને લાગુ કરવામાં થઈ રહેલા વ્યવહારિક પડકારોનું વિવરણ આપ્યું છે. સરકારે કહ્યું છે કે આ ચુકાદાથી યુપીએસસી પરીક્ષા 2025ની પ્રક્રિયા પર અસર પડી રહી છે.
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યુ છે કે યુપીએસસીના ઉત્તીર્ણ 958 ઉમેદવારોની સર્વિસ એલોકેશનની પ્રક્રિયા જૂના નિયમો મુજબ છેલ્લા તબક્કામાં હતી. જો આ ચુકાદાની ગત તારીખ રેટ્રોસ્પેક્ટિવ ઈફેક્ટથી લાગુ કરવામાં આવે છે, તો આખું મેરિટ લિસ્ટ, કેડરની ફાળવણી જેવી કે આઈએએસ, આઈપીએસ અને ટ્રેનિંગ ખરાબ રીતે પ્રભાવિત થશે.
તેમણે એમ પણ કહ્યુ કે આ ચુકાદાથી કેન્દ્ર સિવાય 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચાલી રહેલી ભરતીઓ અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ પ્રક્રિયા પર ખરાબ અસર પડશે.
સુપ્રીમ કોર્ટે સરકારની ચિંતાઓને સાંભળ્યા બાદ પણ આદેશના અમલીકરણ પર રોક લગાવવાનો ઈન્કાર કર્યો અને તમામ પક્ષોના પોતાના વલણોને સ્પષ્ટ કરવા સમય આપ્યો છે. હવે આ મામલા પર આગામી સુનાવણી 17 સપ્ટેમ્બર, 2026ના રોજ થશે.