મચ્છુ-2 ડેમ 100% ભરાતા હાઈએલર્ટ, મોરબી શહેર સહીત 32 ગામોને સાવધ રહેવા નિર્દેશ
મોરબી જિલ્લામાં ભારે વરસાદના પગલે ધોડાધ્રોઈ ડેમમાંથી પાણી છોડાતા જીકીયારી કોઝ-વે બંધ કરવામાં આવ્યો છે.
મોરબી જિલ્લામાં ભારે વરસાદને કારણે મચ્છુ-2 ડેમ 100 ટકા ભરાઈ ગયો છે. જેને કારણે બપોરે 12 વાગ્યે ડેમના 4 દરવાજા 6 ફૂટ ખોલવામાં આવ્યા છે. મચ્છુ-2 ડેમમાંથી 14,058 ક્યુસેક પાણી મચ્છુ નદીના પટમાં છોડવામાં આવશે. હાલ ડેમમાં 14,638 ક્યુસેક પાણીની આવક થઈ છે. જેથી જળાશયની સપાટી નિયંત્રિત રાખવા માટે ડેમના 4 દરવાજા 6 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે. મચ્છુ - 2 ડેમ 100 ટકા ભરાતા હાઈએલર્ટ છે. મોરબી શહેર સહીતના 32 ગામોને સાવધ રહેવા તંત્રએ સૂચના આપી છે.
જળસ્તરમાં તીવ્ર વધારો થવાની સંભાવનાને પગલે પૂર નિયંત્રણના ભાગરૂપે હેઠવાસમાં આવતા મોરબી તાલુકાના જોધપર, લીલાપર, ભડીયાદ, ટીંબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળિયા, ગોર ખીજડીયા, માનસર, નવા સાદુળકા, જૂના સાદુળકા, રવાપર નદી, ગુંગણ, નારણકા, બહાદુરગઢ, નવા નાગડાવાસ, જૂના નાગડાવાસ, સોખડા, અમરનગર, મોરબી શહેર અને વજેપર તેમજ માળિયા (મીં) તાલુકાના વીરવદરકા, દેરાળા, નવાગામ, મેઘપર, હરીપર, મહેન્દ્રગઢ, ફતેપર, સોનગઢ, માળિયા (મીં) અને રાસંગપર મળી કુલ 32 ગામો/વિસ્તારો માટે અત્યંત સાવચેતીનું હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે.

મોરબી જિલ્લામાં ભારે વરસાદના પગલે ધોડાધ્રોઈ ડેમમાંથી પાણી છોડાતા જીકીયારી કોઝ-વે બંધ કરવામાં આવ્યો છે. પ્રશાસન દ્વારા પાણીનું સ્તર ઘટે નહીં ત્યાં સુધી વહેતા પાણીમાં વાહન નહીં ચલાવવાની અને તંત્રની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાની નાગરિકોને તાકીદ કરવામાં આવી છે.