ગુજરાત સરકારની 5 વર્ષ ફિક્સ પે નીતિ સામે કર્મચારીઓએ SC સમક્ષ ઝડપી ન્યાયની ગુહાર લગાવી
અરજદારોનું કહેવું છે કે આ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થઈને સરકારી સેવામાં પ્રવેશેલા હજારો કર્મચારીઓના જીવન અને ભવિષ્યની સાથે જોડાયેલો ગંભીર મુદ્દો છે. આ માત્ર એક સામાન્ય કાયદાકીય વિવાદ નથી.
ગુજરાતમાં પાંચ વર્ષની ફિક્સ પેની નીતિ સામે રાજ્યના સરકારી કર્મચારીઓ સુપ્રીમ કોર્ટને ન્યાયની વિનંતી કરી રહ્યા છે. મનોજ દાતલા નામના સરકારી કર્મચારીએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને એક ઈમેલ કર્યો છે. આ ઈમેલમાં મનોજ દાતલાએ છેલ્લા 14 વર્ષથી પડતર રહેલી સ્પેશયલ લીવ પિટીશન (SLP) ની આખરી સુનાવણી ઝડપથી કરવા માટે અપીલ કરી છે.
અરજદારના જણાવ્યા મુજબ, તેઓ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન - જીપીએસસી, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ સહીતની સરકારી એજન્સીઓ દ્વારા નિયમિત ભરતી પ્રક્રિયા દ્વારા 5 વર્ષની ફિક્સ પે નીતિ હેઠળ નિમણૂક પામેલા છે. આ વિનંતી પત્ર સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલી સક્ષ પડતર એસએલપી -સિવિલ નંબર 14124-14125/2012 બાબતે મોકલવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે તાજેતરમાં લાંબા સમયથી પડતર સિવિલ અને ક્રિમિનલ કેસોના નિકાલ માટે વિશેષ બેન્ચની રચના કરી છે. આ નિર્ણય દ્વારા ન્યાયની રાહ જોતા હજારો અરજદારોને નવી આશાનું કિરણ દેખાયું છે. હવે રાજ્યના સરકારી કર્મચારીઓ દ્વારા યોગ્ય બેન્ચ સમક્ષ ઝડપી આખરી સુનાવણી હાથ ધરવા માટે માગણી કરવામાં આવી છે.
અરજદારોનું કહેવું છે કે આ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થઈને સરકારી સેવામાં પ્રવેશેલા હજારો કર્મચારીઓના જીવન અને ભવિષ્યની સાથે જોડાયેલો ગંભીર મુદ્દો છે. આ માત્ર એક સામાન્ય કાયદાકીય વિવાદ નથી.
ગુજરાત હાઈકોર્ટે આ મામલે બંધારણીય અને કાયદાકીય પાસાઓની ઊંડાણપૂર્વક ચકાસણી કરીને વિસ્તૃત ચુકાદો આપ્યો હતો. પણ સુપ્રીમ કોર્ટમાં આ કેસ 14 વર્ષથી વિલંબિત હોવાથી કર્મચારીઓ લાંબા સમયથી આખરી આદેશની રાહ જોઈ રહ્યા છે.