માંડવીમાં 7 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ
માંડવીની સરકારી હોસ્પિટલમાં પણ વરસાદી પાણી ભરાઈ જતાં દર્દીઓ, તેમના પરિવારજનો અને હોસ્પિટલના સ્ટાફને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો
માંડવીમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં માત્ર થોડા કલાકોમાં જ 7 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદના પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
માંડવીની પોસ્ટ ઓફિસનું સમગ્ર પરિસર પાણીમાં ગરકાવ થઈ જતાં જાણે તળાવમાં ફેરવાઈ ગયું હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા. ગોઠણસમા પાણીમાંથી અરજદારોને કચેરી સુધી પહોંચવાની ફરજ પડી હતી.
બીજી તરફ, માંડવીની સરકારી હોસ્પિટલમાં પણ વરસાદી પાણી ભરાઈ જતાં દર્દીઓ, તેમના પરિવારજનો અને હોસ્પિટલના સ્ટાફને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
શહેરમાં વિવિધ સ્થળોએ પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા પાલિકા તંત્રની પ્રીમોન્સૂન કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે. વરસાદ પહેલાં વરસાદી પાણીના નિકાલ માટે કરવામાં આવેલી કામગીરી કેટલી અસરકારક રહી તે અંગે સ્થાનિકોમાં ચર્ચા શરૂ થઈ છે.
ધોધમાર વરસાદના કારણે માંડવી શહેરના જનજીવન પર પણ અસર પડી હતી. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નહીં હોવાના કારણે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં લાંબા સમય સુધી પાણી ભરાયેલું રહેતા સ્થાનિકોએ તંત્રની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી છે.