સુરતમાં 15 દિવસમાં બીજીવાર ખાડીપૂર, ઉમરગામમાં સંજાણ-હુમરાણ વચ્ચેનો બ્રિજ તૂટયો
સૂરતમાં ભેદવાડા ખાડી અને કિષ્નાનગર વિસ્તારમાં લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. પર્વત પાટિયા વિસ્તારમાંથી પસાર થતી ખાડી ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર છે. અહીં આવેલી શ્રી સરસ્વતી હિંદી વિદ્યાલયમાં ત્રણથી ચાર ફૂટ પાણી ભરાયા છે. સુરતમાં ખાડીપૂરથી સારોલી ગામ બેટમાં ફેરવાયું છે. સારોલી પોલીસ સ્ટેશન પણ પાણીમાં ગરકાવ થયું છે. રહીશોને સ્કૂલમાં આશરો અપાયો છે
દક્ષિણ ગુજરાતમાં બારે મેહ ખાંગા થયા છે, ત્યારે સુરતમાં 15 દિવસમાં બીજીવાર ખાડીપૂર આવ્યું છે. સૂરતમાંથી પસાર થતી તમામ ખાડીના જળસ્તર વધ્યા છે અને કેટલીક ખાડીમાં જળસ્તર ભયજનક સપાટી વટાવી ચુક્યું છે.
સુરતમાં ખાડીઓના ઉભરાવવાના કારણે સારોલી પોલીસ સ્ટેશન અને તેની આસપાસની ઘણી સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે. સણિયા હેમદ ગામમાં 15 ફૂટ જેટલા પૂરના પાણી ભરાયા છે. વલસાડના ઉમરગામમાં સંજાણ-હુમરાણ વચ્ચેનો પુલ તૂટયો છે.
સૂરતમાં ભેદવાડા ખાડી અને કિષ્નાનગર વિસ્તારમાં લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. પર્વત પાટિયા વિસ્તારમાંથી પસાર થતી ખાડી ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર છે. અહીં આવેલી શ્રી સરસ્વતી હિંદી વિદ્યાલયમાં ત્રણથી ચાર ફૂટ પાણી ભરાયા છે. સુરતમાં ખાડીપૂરથી સારોલી ગામ બેટમાં ફેરવાયું છે. સારોલી પોલીસ સ્ટેશન પણ પાણીમાં ગરકાવ થયું છે. રહીશોને સ્કૂલમાં આશરો અપાયો છે.
ડિંડોલી વિસ્તારના એક વીડિયોમાં ઈકો કાર આખી પાણીમાં ડૂબેલી જોવા મળી છે. થોડા દિવસ પહેલા શોપિંગ સેન્ટરોના બેઝમેન્ટમાં પણ પાણી ભરાયા હતા. વારંવાર સમસ્યા છતાં તંત્ર કંઈ સાંભળતું નહીં હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે.
સંજાણ-હુમરાણ વચ્ચેનો બ્રિજ તૂટયો
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ભારે વરસાદ અને ઉપરવાસના જોરદાર જળ પ્રવાહને કારણે સંજાણ-હુમરાણને જોડતા બ્રિજનો એક ભાગ તૂટી પડયો છે. આ ઘટના ભાટી કર્મબેલી નજીક વારોલી નદી પરના બ્રિજ પર બની છે. ભારે જળપ્રવાહને કારણે પુલનો એક હિસ્સો ધસી પડયો છે.
વલસાડ અને નવસારી સહીતના જિલ્લાઓમાં સતત થઈ રહેલા ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાયું છે.
ગુજરાતમાં ભારે વરસાદની છે આગાહી
મહત્ત્વપૂર્ણ છે કે હવામાન વિભાગે આવનારા દિવસોમાં ગુજરાતમાં ભારેથી ખૂબ ભારે વરસાદની આગાહી કરી છે. 24 જુલાઈના રોજ પંચમહાલ, દાહોદ, મહીસાગર, વલસાડ, નવસારી, તાપી, ગાંધીનગર અને સાબરકાંઠા જેવા વિસ્તારોમાં ખૂબ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે અમદાવાદ અને સુરતમાં ભારે વરસાદની શક્યતા છે. 25 અને 26 જુલાઈના રોજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લીમાં ખૂબ ભારે વરસાદ પડી શકે છે. વરસાદની સાથે 30 થી 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે.